મુંબઈમાં ચોમાસાના કામ 15મી મે પહેલાં પૂરા કરવાનો BMC Commissionerનો નિર્ધાર…
મુંબઈ: અત્યારે હાલમાં મહારાષ્ટ્ર સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન હવે મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના નવા કમિશનર ભૂષણ ગગરાણી પૂરા જોશથી કામ આટોપી લેવાના મૂડમાં છે. આ ઉપરાંત આવતા મહિનાની એટલે કે 15મી મે સુધીમાં મુંબઈમાં નિર્ધારેલું ચોમાસા પૂર્વેનું કામ પૂર્ણ કરવાનો દ્રઢ નિર્ધાર પણ ભૂષણ ગગરાણીએ વ્યક્ત કર્યો છે.
મુંબઈમાં ઠેકઠેકાણે નાળા સફાઈનું કામ ચાલી રહ્યું છે અને એ સંદર્ભમાં મિટિંગ કરવામાં આવી છે અને સમગ્ર કામ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે એમ પણ ગગરાણીએ જણાવ્યું હતું. મુંબઈમાં દર વર્ષે મુશળધાર વરસાદ પડતો હોય છે અને આ વરસાદને પગલે દાદર, હિંદમાતા, ભાયખલા અને પરેલ જેવા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે. પરિણામે ટ્રાફિકની સમસ્યા વકરી જતી હોય છે. નાગરિકોએ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવા ઉપરાંત પાણી ભરાયેલા રસ્તા પરથી રસ્તો કાઢીને આગળ વધવાનો પડકાર પણ મુંબઈકર સામે હોય છે.
જોકે, આ વર્ષે ચોમાસા પૂર્વે જ પાલિકા દ્વારા પર્જન્યજલ વાહિનીની સફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું છે. એ કામ અત્યારે ચાલી રહ્યું છે અને 15મી મે સુધીમાં આટોપી લેવામાં આવશે એવું પણ ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું. મુંબઈમાં કોલાબાથી શરૂ કરવામાં આવેલી ‘ડીપ ક્લિન ઝુંબેશ’ પશ્ચિમના ઉપનગર સુધી અમલ મૂકવામાં આવશે.