હૈદરાબાદને કેવી રીતે હરાવવું એ બેન્ગલૂરુએ બીજી ટીમોને બતાવી દીધું: મોર્ગન
હૈદરાબાદ: ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ઇઓન મૉર્ગને કહ્યું છે કે સનરાઇઝર્સ હૈદરાબાદને કેવી રીતે હરાવવું એ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુએ આઇપીએલની બાકીની ટીમોને બતાવી દીધું છે.
ગુરુવારે ફાફ ડુ પ્લેસીના સુકાનમાં બેન્ગલૂરુની ટીમે સનરાઇઝર્સને એના જ હોમ-ગ્રાઉન્ડ હૈદરાબાદમાં જે પ્રભુત્વથી હરાવી દીધું એ બદલ બેન્ગલૂરુની ટીમની પ્રશંસા કરી હતી.
બેન્ગલૂરુએ ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી અને સાત વિકેટે 206 રન બનાવ્યા હતા જેમાં પાટીદારના પાંચ સિક્સર અને બે ફોર સાથે બનેલા 50 રન તથા કોહલીના 51 રનનો સમાવેશ હતો. હૈદરાબાદની ટીમ ટાર્ગેટ ચેઝ કરવામાં નબળી સાબિત થઈ. એણે 20 ઓવરમાં આઠ વિકેટે 171 રન બનાવ્યા અને બેન્ગલૂરુની 35 રનથી જીત થઈ હતી. બેન્ગલૂરુએ ખાસ કરીને સ્પિનર્સના આક્રમણથી હૈદરાબાદને અંકુશમાં રાખ્યું હતું.પાટીદારને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
આપણ વાંચો: SRH vs RCB Highlights: બેન્ગલૂરુએ હૈદરાબાદની ટીમને આસમાન પરથી જમીન પર લાવી દીધી
હૈદરાબાદે પાવરપ્લેની ઓવર્સની અંદર જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. મોર્ગને કહ્યું છે કે ‘લક્ષ્યાંક મેળવવા જતાં પિચ કેવી હશે એ જોતાં અને ચેઝ કરવાનું આવ્યું એ હૈદરાબાદને ન ફાવ્યું. દિલ્હીમાં તેમના માટે માર્ગ બહુ મોકળો હતો અને તોતિંગ સ્કોર (266/7) કર્યા પછી જીતી ગયા. મોટા ભાગે (પ્રથમ બૅટિંગમાં) મોકળો માર્ગ રહ્યો એમાં તેઓ (હૈદરાબાદના ખેલાડીઓ) વિજયી થયા છે.’
મૉર્ગને એવું પણ કહ્યું કે ‘હૈદરાબાદની ટીમને કેવી રીતે પરાજય તરફ મોકલવી એ આરસીબીએ બીજી ટીમોને શીખવી દીધું છે.’
હૈદરાબાદે દિલ્હીની પહેલાં બેન્ગલૂરુમાં આરસીબી સામે 287/3નો સ્કોર નોંધાવ્યા બાદ અને મુંબઈ સામે 277/3નો સ્કોર નોંધાવ્યા બાદ હરીફને લક્ષ્યાંક આપીને વિજય મેળવ્યો હતો.