જામ કંડોરણામાં શાહની સભાનો પોલીસ બંદોબસ્ત ; 11 જાડેજા, ૩ચુડાસમા
દેશમાં બીજા ચરણનું મતદાન પૂર્ણ થયું છે હવે ત્રીજો અને નિર્ણાયક તબક્કો 7 મીમે એ છે.ગુજરાતમાં ત્રીજા ચરણનું મતદાન અને વડાપ્રધાન –કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય. એક તરફ પ્રચારનો સઘળો ધમધમાટ હવે ગુજરાત તરફ વળશે,ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 27મીએ ગુજરાત આવી રહ્યા છે. પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડીયાના વતન જામ કંડોરણામાં વિશાળ જનસભાને સંબોધશે. રાજકોટ,ધોરાજી, જેતપૂર, ઉપલેટા, ભાયાવદર,કોલકી,ગોંડલ,જુનાગઢ, કેશોદ જેવા પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોની વચ્ચે આવેલું અમિત શાહની સભાનું સ્થળ બહુ મોટી જનમેદની એકત્રિત કરશે તેમાં શંકા નથી. અમિત શાહની સભાના સ્થળે બીજી લેયરનું સુરક્ષા ચક્ર ગોઠવાઈ ગયું છે.જેમાં 11 અધિકારીઓ જાડેજા છે, ૩ ચુડાસમા અને ૧ ચૌહાણ છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ બાદ પહેલીવાર જનસભા સંબોધશે. ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના વર્ચસ્વ સાથે સહકારી ક્ષેત્રનો પણ દબદબો છે. એટલે એ પણ સહજ છે કે, રાડદિયા મોટી જનસભા આયોજિત કરી શકે છે. પરંતુ, સૌથી મોટી વિમાસણ એ છે કે, ક્ષત્રિય સમુદાયનું ભાજપ વિરોધી આંદોલન આ જનસભામાં કોઈ ખલેલ ના પાડે તેવી વ્યવસ્થા પોલીસ વિભાગે અત્યારથી જ કરી દીધી છે. અમિત શાહ સાથે એસપીજી તો ચોવીસે કલાક હોય છે. પણ બીજી લેયરના સુરક્ષા કવચમાં પોલીસ વિભાગે ક્ષત્રિય અધિકારીઓને ગોઠવી દીધા છે. જેથી ક્ષત્રિય સમાજના કોઈ વિરોધકર્તા આગળ આવે તો તેમના જ સમાજના અધિકારીઓએ સાથે વાતચીતથી સ્થિતિ કંટ્રોલમાં આવી જાય તેવો હેતુ છે.
જામ કંડોરણામાં ગુજરાતની પહેલી એવી સભા થશે જ્યાં લગભગ ૧૩થી ૧૫ વિધાનસભા કવર થશે. ગુજરાતનાં જ રાષ્ટ્રીય નેતાથી ગુજરાતમાં વિધિવત રીતે રાહસ્ત્રીય નેતાઓના ચૂંટણી પ્રચારનો ભાજપ તરફથી આરંભ થશે. પણ ક્ષત્રિય સમાજની જે રીતે નારાજગી છે અને રાજયભરમાં ભાજપનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે તે જોતાં હવે ૭ મીમેના મતદાન દિવસ સુધીની જે જે સભા કે રેલી હશે તેમાં સખત બંદોબસ્ત હોવાનું આ પ્રમાણ છે. એમ કહી શકાય કે મતદાનના દિવસ સુધી તમામ સભા-રેલીની સુરક્ષાની જવાબદારી ગુજરાતનાં ક્ષત્રિય સમાજના પોલીસ અધિકારીઓએ હસ્તક રહેશે તેમાં કોઈ શંકા નથી.