માલેગાંવ બ્લાસ્ટ કેસઃ પ્રજ્ઞાસિંહ ઠાકુરે કોર્ટને આપ્યું આશ્વાસન
મુંબઈ: મહારાષ્ટ્રના માલેગાંવમાં 2008માં થયેલા બોમ્બ વિસ્ફોટના કેસમાં આજે એનઆઈએની કોર્ટમાં આજે સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર હાજર રહ્યા હતા, ત્યારે કોર્ટે તેમને આવતીકાલથી ટ્રાયલ પ્રોસીડિંગમાં નિયમિત રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો તેમ જ ટ્રાયલમાં સહકાર આપવાનું તેમણે કોર્ટને આશ્વાસન આપ્યું હતું.
સાધ્વીએ કોર્ટમાંથી બહાર આવીને કહ્યું હતું કે હું બીમાર છું અને ઊભા રહેવાતું નથી. મેં મારા મેડિકલ સર્ટિફિકેટ અદાલતમાં જમા કરાવ્યા છે, પણ જ્યાં સુધી મારું શરીર સાથ દેશે ત્યાં સુધી હું લડતી રહીશ અને સુનાવણીમાં હાજર રહીશ.
એનઆઇએની મુંબઈમાં આવેલી વિશેષ અદાલતમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે.
આ પહેલા અદાલતે સાધ્વીની તબિયત ખરાબ હોવાને લીધે તેમને સુનાવણીમાં હાજર રહેવાથી રાહત આપવામાં આવી હતી, પણ તેમને 25 એપ્રિલ પહેલા અદાલતમાં હાજર રહીને સુનાવણીમાં ભાગ લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
માલેગાંવ બ્લાસ્ટ કેસની આજની સુનાવણી પૂર્ણ થઈ છે, જેમાં પ્રજ્ઞાસિંહ ઠાકુર પણ સામેલ થયા હતા અને હવે તેમને આગળની દરેક સુનાવણીમાં નિયમિત પણે હાજર રહેવું પડશે. ગયા મહિને અદાલતે પ્રજ્ઞાસિંહ ઠાકુર આ કેસની સુનાવણીમાં હાજર નહીં રહેવા અંગે તેમની સામે રૂ. 10,000નું જામીન વોરન્ટ જાહેર કર્યું હતું.
અદાલતના વોરન્ટ બાદ સાધ્વીના વકીલે તેમની તબિયત સારી નહીં હોવાથી તે સુનાવણીમાં હાજર નથી રહી શકતા એવું જણાવ્યું હતું. 22 માર્ચે સાધ્વી અદાલત સમક્ષ રજૂ કર્યા હતા જેથી કોર્ટે જાહેર કરેલા વોરન્ટને રદ કર્યું હતું. આ સાથે કોર્ટે આ મહિને એનઆઇએને સાધ્વીની તબિયતની તપાસ કરવા કહ્યું હતું અને તેમની ગેરહાજરી કાર્યવાહીમાં અવરોધ ઊભી કરી રહી છે, એવો આદેશ પણ જાહેર કર્યો હતો.