પાર્કિંગ વિશે માહિતી આપવી ડેવલપર માટે બંધનકર્તા: મહારેરાનો નવો આદેશ
મુંબઈ: મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ ઓથોરિટી (મહારેરા)એ ડેવલપર માટે હવેથી કોન્ટ્રાક્ટમાં પાર્કિંગની સંપૂર્ણ વિગતો આપવી ફરજિયાત કરી દીધી છે. પાર્કિંગ અંગે અસંખ્ય ફરિયાદો મળ્યા બાદ મહારેરાએ આ નિર્ણય લીધો છે.
બિલ્ડિંગના બીમને કારણે ડેવલપર્સ પાસેથી ખરીદવામાં આવેલા મિકેનિકલ, આચ્છાદિત અને ગેરેજ પાર્કિંગમાં વાહન પાર્ક નથી કરી શકાતા તેમજ પાર્કિંગની જગ્યા નાની હોવાથી વાહન ઊભા રાખવામાં સમસ્યા નડે છે જેવી અનેક ફરિયાદો મહારેરા પાસે આવી છે.
મહારેરાએ એની ગંભીર નોંધ લીધી છે અને ભવિષ્યમાં ફ્લેટ ખરીદનારાઓએ આવી સમસ્યાનો સામનો ન કરવો પડે એ માટે ફ્લેટના રજીસ્ટ્રેશન વખતે જ આપવામાં આવનારા એલોટમેન્ટ લેટરમાં તેમજ વેચાણ એગ્રીમેન્ટમાં પાર્કિંગ અંગેની સર્વ વિગતો ઉમેરવાનું ફરજિયાત બનાવ્યું છે.
આ એનેકસ્ચરમાં (સાથે જોડેલા કાગળમાં) જ્યાં પાર્કિંગ આપવામાં આવશે તે નંબર, સાઈઝ, હાઈટ, પાર્કિંગની પહોળાઈ, બિલ્ડિંગમાં પાર્કિંગની જગ્યાનો ઉલ્લેખ કરવાનો રહેશે. એમાં કોઈ ભૂલ ન થાય એ માટે મહારેરાએ આ એનેકસ્ચરનો આદર્શ ડ્રાફ્ટ પણ તૈયાર કર્યો છે.