શોકિંગઃ 570 રૂપિયાના લાઈટ બિલે વીજ વિભાગની મહિલાનો લીધો ભોગ…
મુંબઈ: મહારાષ્ટ્રના બારામતીમાં એક વ્યક્તિએ વીજળીનું બિલ વધારે આવતા વીજળી વિભાગના મહિલા કર્મચારીની ચાકુ મારીને હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના જાણવા મળી છે. 570 રૂપિયા વીજળીનું બિલ આવતા વીજળી વિભાગમાં કામ કરતી એક મહિલા ટેક્નિશિયન પર ધારદાર હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી હતી.
બારામતી જિલ્લામાં આવેલા મોરેગાવમાં આ ઘટના બની હતી, જ્યાં ઈલેક્ટ્રિક વિભાગમાં ટેક્નિશિયન તરીકે કામ કરતી મહિલાની હત્યા કરી હતી. આ મહિલાની ઓળખ રિંકુ બનસોડે (34 વર્ષ) તરીકે કરી છે. છેલ્લા 10 વર્ષથી વીજ વિભાગની ઓફિસમાં મહિલા કાર્યરત હતી. એક દિવસ મહિલા ઓફિસમાં એકલી હતી તે દરમિયાન અભિજિત પોટે નામના વ્યક્તિએ તેની પાસે આવીને વધારે વીજળીનું બિલ આવતું હોવાની ફરિયાદ કરી હતી.
આપણ વાંચો: ભરચક ફ્લાઈટમાં 10 એનાકોન્ડા મળતા ખળભળાટ મચી ગયો
અભિજિતે આ પહેલા પણ અનેક વખત વધારે વીજળીનું બિલ આવતી હોવાની ફરિયાદ કરી હતી. એક દિવસ અભિજિતે ઈલેક્ટ્રિક વિભાગની ઓફિસમાં જઈને રિંકુ બનસોડે પાસે આ અંગે ફરિયાદ કરી હતી પણ રિંકુએ તેની વાત નહીં સાંભળતા બંને વચ્ચે વિવાદ થયો હતો.
આ વિવાદ દરમિયાન અભિજિતે રિંકુના માથા અને હાથ પર ધારદાર હથિયાર વડે 16 ઘા કર્યા હતા. આ હુમલામાં રિંકુને ગંભીર ઇજા થઈ હતી. આ ઘટનાની જાણ થતાં લોકોએ રિંકુને હૉસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ પોલીસે આ મામલે તપાસ કરી આરોપી અભિજિત પોટેની ધરપકડ કરી હતી.
આ ઘટના અંગે વીજળી વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે આરોપી અભિજિત પોટેને આપવામાં આવેલા બિલમાં કંઇ પણ ખોટું નહોતું. આરોપીએ એપ્રિલ મહિનામાં 63 યુનિટ વીજળીનો વપરાશ કર્યો હતો, જેથી તેને રૂ. 570 બિલ મોકલવામાં આવ્યું હતું, ગરમીને લીધે તેના વપરાશમાં પણ વધારો આવતા તેનું બિલ વધારે આવ્યું હતું.