મુંબઈ: આગામી જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20નો મેન્સ વર્લ્ડ કપ રમાવાનો છે અને એમાં સૌથી મોટું આશ્ર્ચર્ય એ જોવા મળશે કે એમાં આફ્રિકન દેશ યુગાન્ડાની ટીમ પહેલી વાર રમશે. એટલું જ નહીં, યુગાન્ડાની ટીમમાં ત્રણ ટૅલન્ટેડ ગુજરાતી ક્રિકેટર ટી-20 ફૉર્મેટના આ ‘ઉત્સવ’માં ધમાલ મચાવતા જોવા મળશે.
આ ત્રણમાંથી બે પ્લેયર (અલ્પેશ રામજિયાણી અને દિનેશ નાકરાણી) મૂળ કચ્છના છે. ત્રીજો ખેલાડી રોનક પટેલ સૌરાષ્ટ્રનો છે.
આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ આફ્રિકા રિજનના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં નામિબિયા પછી બીજા નંબરે આવવા બદલ બન્ને દેશને વર્લ્ડ કપમાં આવવા મળ્યું છે.
ટી-20 ફૉર્મેટમાં કુલ 83 મૅચ રમી ચૂકેલો રામજિયાણી લેફ્ટ-હૅન્ડ બૅટર અને લેફ્ટ-આર્મ સ્પિનર છે. તેણે ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં 569 રન બનાવવા ઉપરાંત 70 વિકેટ લીધી છે અને ટી-20 ફૉર્મેટની અન્ય મૅચોમાં 651 રન બનાવવા ઉપરાંત 71 બૅટરને આઉટ કર્યા છે.
આપણ વાંચો: ટવેન્ટી-20 વર્લ્ડ કપ માટે આઈસીસીએ કરી મોટી જાહેરાતઃ પિચ મેલબર્નથી આવશે અને…
29 વર્ષના રામજિયાણીના નામે ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં એક વર્લ્ડ રેકૉર્ડ છે. 2023ના વર્ષમાં તેણે 30 મૅચમાં કુલ પંચાવન વિકેટ લીધી હતી. નવાઈની વાત એ છે કે એ વર્ષમાં તેની આ પંચાવન વિકેટ ક્રિકેટજગતના તમામ ટી-20 બોલર્સમાં હાઇએસ્ટ હતી. એ તો ઠીક, પણ ક્યારેય કોઈ એક કૅલેન્ડર યરમાં કોઈ બોલરે આટલી બધી વિકેટ નથી લીધી. જાણીતા બોલર્સની વાત કરીએ તો 2022માં આયરલૅન્ડનો જોશુઆ લિટલ 39 વિકેટ સાથે મોખરે હતો. એ જ વર્ષમાં ભુવનેશ્ર્વર કુમારે 37 વિકેટ અને શ્રીલંકાના વનિન્દુ હસરંગાએ હાઇએસ્ટ 36 વિકેટ લીધી હતી.
રામજિયાણી 2021માં યુગાન્ડામાં સ્થાયી થયો એ પહેલાં મુંબઈમાં અન્ડર-16 તથા અન્ડર-19 ટીમ વતી તેમ જ ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા (સીસીઆઇ) વતી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમ્યો હતો.
યુગાન્ડાને વર્લ્ડ કપ સુધી પહોંચાડવામાં રામજિયાણી અને દિનેશ નાકરાણી તેમ જ રોનક પટેલના મહત્ત્વના યોગદાનો છે.
રામજિયાણીએ ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘અમને વર્લ્ડ કપમાં રમીને બહુ સારો અને યાદગાર અનુભવ મળશે. તમે જ વિચારો કે તમે વિશ્ર્વના જે બેસ્ટ ક્રિકેટર જેવા બનવાની મહત્ત્વકાંક્ષા રાખી હોય તેમની જ સામે તમને રમવા મળે તો કેટલો આનંદ થાય! કેટલું બધુ ગૌરવ હાંસલ થાય! અમારા માટે આ બહુ મોટી તક છે અને અમે એ ઝડપવા તૈયાર છીએ. અમે શુક્રવારે શ્રીલંકામાં ટી-20 વર્લ્ડ કપ માટેનો અમારો 18 દિવસનો કૅમ્પ શરૂ કરી કરીશું.’
32 વર્ષનો દિનેશ નાકરાણી લેફ્ટ-હૅન્ડ બૅટર અને લેફ્ટ-આર્મ મિડિયમ પેસ બોલર છે. તેણે 56 ટી-20 ઇન્ટરનૅશનલમાં 881 રન બનાવ્યા છે અને 67 વિકેટ લેવા ઉપરાંત ટી-20 ફૉર્મેટની અન્ય 67 મૅચમાં 1,137 રન બનાવવા ઉપરાંત 74 વિકેટ પણ લીધી છે.
ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં અસાધારણ બોલિંગ-ઍનેલિસિસ ધરાવનાર વિશ્ર્વભરના બોલર્સમાં નાકરાણી (4-1-7-6) બીજા નંબરે છે.
આ રેકૉર્ડ-બુકમાં ભારતના દીપક ચાહર (3.2-0-7-6)નાકરાણીથી આગળ છે.
યુગાન્ડાનો 35 વર્ષનો બૅટર રોનક પટેલ 40 ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં 799 રન બનાવી ચૂક્યો છે.
યુગાન્ડાની ટીમે દિલ્હીના અને રેલવેના ભૂતપૂર્વ ક્રિકેટર અભય શર્માને પોતાના નૅશનલ કોચ બનાવ્યા છે.
વર્લ્ડ કપમાં યુગાન્ડાવાળા ગ્રુપ ‘સી’ની અન્ય ટીમમાં વેસ્ટ ઇન્ડિઝ, ન્યૂ ઝીલૅન્ડ, અફઘાનિસ્તાન તેમ જ પપુઆ ન્યુ ગિનીનો સમાવેશ છે. ભારતના ગ્રુપ ‘એ’માં પાકિસ્તાન, આયરલૅન્ડ, કૅનેડા અને યુએસએ છે. ગ્રુપ ‘બી’માં ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, નામિબિયા, ઓમાન અને સ્કૉટલૅન્ડ છે, જ્યારે ગ્રુપ ‘ડી’માં બાંગલાદેશ, નેપાળ, નેધરલૅન્ડ્સ, સાઉથ આફ્રિકા અને શ્રીલંકા સામેલ છે.