સરકારે આરબીઆઇના ડેપ્યૂટી ગવર્નરનો કાર્યકાળ એક વર્ષ વધાર્યો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ડેપ્યૂટી ગવર્નર ટી રબી શંકરનો કાર્યકાળ એક વર્ષ સુધી વધાર્યો હતો. કેબિનેટની નિમણૂક સમિતિએ ભારતીય રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર ટી રબી શંકરનો કાર્યકાળ એક વર્ષ વધારવાનો મંજૂરી આપી દીધી છે. તેમણએ મે, 2021માં ત્રણ વર્ષના સમયગાળા માટે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
તેઓ 1990માં આરબીઆઈમાં જોડાયા હતા અને સેન્ટ્રલ બેન્કમાં વિવિધ હોદ્દા પર કામ કર્યું હતું. ડેપ્યુટી ગવર્નર તરીકે પ્રમોશન મેળવ્યા અગાઉ તેઓ રિઝર્વ બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા.
એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે તેઓ ડિપાર્ટમેન્ટ ઑફ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ, ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, ફિનટેક અને આરબીઆઈના રિસ્ક મોનિટરિંગ ડિપાર્ટમેન્ટની જવાબદારી સંભાળતા હતા.
આપણ વાંચો: આરબીઆઇમાં નોકરીને બહાને 26 લોકો સાથે રૂ. 2.25 કરોડની છેતરપિંડી
તેમણે સરકારી બોન્ડ માર્કેટ અને ડેટ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પર આઇએમએફ કન્સલ્ટન્ટ (2005-11) તરીકે સેવા આપી છે. આરબીઆઈમાં તેમની વ્યાવસાયિક કારકિર્દી ઉપરાંત તેઓ ઈન્ડિયન ફાઈનાન્શિયલ ટેક્નોલોજી એન્ડ એલાઈડ સર્વિસિસના ચેરમેન, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના મેમ્બર, રેબિટ અને ગવનિંગ કાઉન્સિલ આઇડીઆરબીટીના સભ્ય છે. શંકરે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં માસ્ટર ઓફ ફિલોસોફી કર્યું છે.