ગુજરાતની તમામ લોકસભા બેઠકો ભાજપ 5 લાખ મતોથી જીતશે: મુકેશ દલાલ
દેશમાં લોકસભા ચૂંટણી 7 તબક્કામાં સંપન્ન થશે, આગામી 4 જૂનના રોજ પરિણામો જાહેર થઈ જશે. હાલ તો પહેલા તબક્કાની ચૂંટણી યોજાઈ છે, જ્યારે બીજા તબક્કાની તૈયારી કરવામાં આવી રહી છે. જો કે ચૂંટણી પરિણામોના 45 દિવસ પહેલા જ લોકસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. સુરત લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર મુકેશકુમાર દલાલ બિન હરિફ ચૂંટણી જીતી ગયા છે.
સાંસદ તરીકે ચૂંટાયા બાદ મુકેશ કુમાર દલાલ પર ચોમેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે. સાંસદ બન્યા બાદ મુકેશ દલાલે કહ્યું કે, ‘દેશનું પહેલું કમળ સુરતમાં ખીલ્યું છે, હું આ કમળ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત કરું છું.’
વિરોધ પક્ષો દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણીમાં ગોટાળાના આરોપ પર તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ જુઠ્ઠાણાની રાજનીતિ કરી રહી છે. પારદર્શક ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત સમગ્ર મામલો દેશવાસીઓ સમક્ષ છે. પ્રસ્તાવો પર કોંગ્રેસના ઉમેદવારની નકલી સહીઓ થઈ હતી, અને કોંગ્રેસના ઉમેદવારની નોમિનેશનમાં જે સહીઓ છે તે તેમની નથી તેવું ખુદ પ્રસ્તાવકર્તાઓએ અધિકારીઓ સમક્ષ કબૂલ્યું છે.
આનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ હંમેશા જુઠ્ઠાણાની રાજનીતિ કરતી આવી છે અને આજે પણ કરી રહી છે, પરંતુ હવે તેના જુઠ્ઠાણાઓનો પર્દાફાશ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આ સમગ્ર પ્રકરણમાં તેમની કે ભાજપની કોઈ જવાબદારી કે ભૂમિકા નથી.
આપણ વાંચો: ગુજરાતમાં લોકસભાનાં 328 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા, અમિત શાહ સામે 29 ઉમેદવારો લડશે ચૂંટણી
જો સુરતમાં ચૂંટણી લડાઈ હોત તો શું મુદ્દા હોત, આ સવાલ પર તેમણે કહ્યું કે સુરત જ નહીં સમગ્ર દેશમાં એક જ મુદ્દો છે અને તે છે વિકસીત ભારત. વિકસિત ભારત ત્યારે જ થઈ શકે છે જ્યારે તેનું દરેક ગામ અને શહેર વિકસિત બને, પછી તેમાં ગુજરાતનું સુરત હોય કે પૂર્વ ભારતનું કોઈ આંતરિયાળ ગામ. તમામ સ્થાનોએ વિકાસની વાતને લઈને ચૂંટણી લડવામાં આવી રહી છે.
ગુજરાતની અન્ય 25 સીટો પર ચૂંટણી સંઘર્ષ પર મુકેશ દલાલે જણાવ્યું કે ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં ચૂંટણી એક તરફી બની છે. દરેક વખતની જેમ આ વખતે પણ ગુજરાતની તમામ સીટો પર કમળ ખીલશે. મુદ્દો માત્ર જીતનું અંતર વધારવાનો છે, ગુજરાત ભાજપના હાઈકમાન્ડે પણ તમામ સીટો પર 5 લાખ વોટોના અંતરથી ચૂંટણી જીતવાનું લક્ષ્ય રાખ્યું છે અને અમે આ લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકીશું.
ઉલ્લેખનિય છે કે મુકેશ કુમાર દલાલ સતત 5 વખત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે, આ પણ તેમના નામે એક રેકોર્ડ છે. તેમણે કહ્યું કે તેમને મહાનગરપાલિકામાં કામ કરવાનો લાંબો અનુભવ છે, આ અનુભવ તેમને લોકસભામાં કામ કરવામાં મદદ કરશે.