સંસદીય ઈતિહાસમાં ૩૫ ઉમેદવાર બિનહરીફ સાંસદ બન્યાઃ રાહુલ ગાંધીના આરોપનો કેન્દ્રીય પ્રધાને આપ્યો જવાબ
નવી દિલ્લી : સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બિનહરીફ થવા પર રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધીને કહ્યું હતું કે જનતા પાસેથી તેના નેતા ચૂંટવાનો અધિકાર છીનવવો એ બંધારણ ખતમ કરવા ઉઠાવેલું પગલું છે. રાહુલ ગાંધીના આરોપનો જવાબ આપતા કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે દેશના સંસદીય ઈતિહાસમાં પ્રથમ વખત નથી બન્યું કે કોઈ સાંસદ બિનહરીફ ચૂંટાયો હોય. આ અગાઉ પણ ૩૫ સાંસદ બિનહરીફ થયા હતા.
રાહુલ ગાંધીના આરોપોના પ્રત્યુતરમાં કેન્દ્રિય પ્રધાને સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં લખ્યું હતું કે સુરતની ચૂંટણી પહેલી નથી કે જ્યાં બિનહરીફ ચૂંટાયું હોય, પરંતુ દેશના સંસદીય ઈતિહાસમાં ૩૫ ઉમેદવાર બિનહરીફ સાંસદ બન્યા છે. ફરી એકવખત પૂરી જાણકારી વગર જ ટિપ્પણી કરવામાં આવી છે. સુરતમાં મુકેશ દલાલના બિનહરીફ ચૂંટાવા પર આવી ટિપ્પણી કરીને કોંગ્રેસનાં યુવા નેતાએ તેમના પ્રખ્યાત ઉપનામને સાર્થક કરી બતાવ્યું છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ 1 સીટ પર 3 ‘રામ’ની ટક્કર, જાણો બેઠકના સમીકરણ, ઈતિહાસ
તેમણે જણાવ્યું હતું કે લોકતંત્રમાં તેમની આસ્થા ત્યારે મજબૂત બનશે જ્યારે તેમને ખ્યાલ આવશે કે બિનહરીફ ચૂંટાયેલા સાંસદોમાં અડધાથી વધારે તેમના કોંગ્રેસનાં છે. વળી તેમણે ઇતિહાસની યાદ અપાવતા કહ્યું હતું કે તેમના જ ગઠબંધનના ૧૯૮૦માં ચૂંટાયેલા ફારૂક અબ્દુલ્લા અને ૨૦૧૨માં ચૂંટાયેલ ડીમ્પલ યાદવનું પણ ઉદાહરણ ટાંકયું હતું.
હરદીપસિંહ પુરીએ પણ અલગ નાગરિકતાની માંગ કરતાં અને ગોવા પર બંધારણ થોપવામાં આવ્યું હોવાની વાત કરતાં કોંગ્રેસનાં જ દક્ષિણ ગોવા બેઠકના ઉમેદવાર વીરીએટો ફર્નાન્ડિઝનું ઉદાહરણ ટાંકીને રાહુલ ગાંધીને ભીંસમાં લીધા હતા.