તરોતાઝા

દિલ સે બેહતર કોઈ કિતાબ નહીં

પુસ્તકને માણસની જેમ અને માણસને પુસ્તકની જેમ વાંચવાની મજા

પુસ્તકો મન માટે સાબુનું કાર્ય કરે છે – ગાંધીજી

દીપક સોલિયા

આ એક જૂનો ટુચકો છે. બે કૂતરાં ઉકરડામાંથી કશુંક ખાઈ રહ્યા હતા. એકના મોઢામાં ફિલ્મની પટ્ટી આવી. બીજાએ પૂછ્યું, કેવી લાગે છે ફિલ્મ? પેલાએ પટ્ટી ચાવતાંચાવતાં કહ્યું, પુસ્તક જેવી મજા નહીં.

આ તો ટુચકો છે અને વાત શ્ર્વાનની છે. બાકી અસલી માણસનો અસલી સ્વભાવ એવો છે કે એને ફિલ્મો પણ ભાવે અને પુસ્તકો પણ ફાવે. વિશ્ર્વ પુસ્તક દિવસ નિમિત્તે પુસ્તકોને બિરદાવવાના બહાને ફિલ્મ-નાટક-ટીવી-મોબાઈલ-કમ્પ્યુટર વગેરેને વખોડવાનો મતલબ નથી. સાહિત્ય સર્વત્ર છે. એ તો ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, બાકી તો માધ્યમ કોઈ પણ હોય, મૂળ ચીજ છે, શબ્દ. મગજનો એક મહત્ત્વનો ખોરાક છે, શબ્દ.

માનસિક ખોરાકના મુખ્ય બે પ્રકાર છે: માહિતી અને પડકાર. આ બન્નેમાંથી મન પોષણ મેળવે, સક્રિય બને, મજબૂત બને. એક માણસના જીવનમાં કોઈ પડકાર ન હોય અને એના મગજમાં નવીનવી માહિતી ન ઉમેરાય તો એ ઝડપભેર મનથી વૃદ્ધ થતો જાય.

વિજ્ઞાન તો કહે જ છે કે માનસિક બુઢાપાને છેટો રાખવાનો એક બહુ ઉપયોગી રસ્તો છે રસ્તાઓ. હા, રસ્તાઓ. મગજમાં નવાનવા રસ્તાઓ -ન્યૂરોલોજિકલ પાથવેઝ- બનતાં રહે તો મન તરોતાજા, લવચિક, યુવાન રહે એ નિ:શંકપણે સાબિત થઈ ચૂકેલું સત્ય છે. નવી ભાષા શીખવી કે સંગીત શીખવું કે તરતાં શીખવું… કંઈ પણ નવું નવું શીખતા રહેવાથી જુવાન રહી શકાય.
મામલો નાવિન્યનો છે અને નાવિન્ય માટેનું હાથવગું સાધન છે પુસ્તક. પુસ્તકની આંગળી પકડીને માણસ નીતનવા પ્રવાસ ખેડી શકે. એ રીતે જોતાં પુસ્તકપ્રેમી નસીબદાર ગણાય. એને કલ્પનાની દુનિયામાં ફરવા જવા માટે કોઈ માણસના સંગાથની જરૂર નથી. માણસ પ્રવાસમાં સાથે આવવા બાબતે નખરા કરે અને સાથે આવ્યા પછી લોહી પીએ… પુસ્તક આવાં નખરાં ન કરે. પુસ્તક ન ગમે તો એને આસાનીથી બાજુ પર રાખી શકાય. માણસોને દૂર હડસેલવા અઘરા પડે.

આ રીતે જોતાં એવું માનવાનું મન થાય કે માણસ કરતાં પુસ્તકો સારાં, પણ એક ડગલું આગળ વધીએ તો એ પણ સમજી શકાય કે છેવટે તો માણસથી ઉત્તમ પુસ્તક બીજું કોઈ ન હોઈ શકે. કઈ રીતે? આ રીતે…

એન્જિનિયરિંગની ટેક્સ્ટબુક જેવા હાડોહાડ નોન-ફિક્શન પ્રકારને બાજુ પર રાખીએ તો મોટા ભાગનાં, ફિક્શન કેટેગરીના, સાહિત્યિક પુસ્તકો છેવટે માનવકેન્દ્રી હોય છે. આપણને પુસ્તકો ગમે છે કારણ કે એમાં માણસની વાત હોય છે. માણસને માણસમાં રસ પડે. આમાં સમજવાનું એ છે કે જીવતા મનુષ્યમાં રસ પડવા ઉપરાંત એનાથી આપણને ત્રાસ પણ થાય, જ્યારે પુસ્તકમાંના માણસને આપણે અસલમાં વેઠવો નથી પડતો. કાલ્પનિક પાત્રના સ્વભાવના અણિદાર ખૂણા કે એના બદનની બદબૂ આપણે વેઠવાં નથી પડતાં. પુસ્તકમાંનાં પાત્રોને આપણે થોડે દૂરથી, કલ્પનાની નજરે નિહાળીએ છીએ, એમાં ઓતપ્રોત થઈએ છીએ અને એક પુસ્તકમાંથી પસાર થયા બાદ એમાંના માણસોના જીવનની વાતો જાણીને એક સમૃદ્ધ અનુભવ મેળવ્યાનો સંતોષ માણીએ છીએ.
ફાઈન. આમાં ખોટું કશું નથી, પણ બીજી તરફ, આવી જ રીતે, પુસ્તકોનાં પાત્રોની જેમ, થોડે દૂરથી આપણે જીવતા મનુષ્યોને પણ વાંચીએ તો કેવું?
તો ઘણું સારું.

સીધી વાત છે. પુસ્તકમાંની કથા ગમે તેટલી ઘટનાપ્રચૂર અને ચડાવ-ઉતારવાળી હોય તો પણ જીવતા મનુષ્ય જેટલી ધબકતી પરિવર્તનશીલતા એમાં ન અનુભવી શકાય. આપણી સાથે વાત કરતો માણસ હસતાંહસતાં અચાનક રડી પડે ત્યારે જો આપણે એને પુસ્તકની જેમ પૂરી તન્મયતાથી વાંચવા મથીએ, વાંચી શકીએ તો એ અનુભવ કોઈ પણ પુસ્તકના પઠન કરતાં વધુ સમૃદ્ધ બની રહે.
કહેવાય છે કે માનવચિત્તના ગહનતમ સ્તરોને ઉલેચવામાં રશિયન લેખક ફ્યોદોર દોસ્તોયેવસ્કીનો જોટો જડવો મુશ્કેલ છે. દોસ્તોયેવસ્કી આ લખનારનો પણ સૌથી પ્રિય લેખક છે. હવે જરા વિચાર કરો કે લખવામાં સૌથી ઉસ્તાદ એવા દોસ્તોયેવસ્કી એક માણસને જાણીને કે એની કલ્પના કરીને એના પરથી પુસ્તક રચે અને પછી એ પુસ્તક આપણે વાંચીએ ત્યારે આપણી અને પુસ્તકના પાત્રની વચ્ચે દોસ્તોયેવસ્કી માધ્યમ બને છે. એ લેખક આપણને પાત્ર સાથે જોડનારી કડી બને છે. પરંતુ આપણી સામેની વ્યક્તિને વાંચતી વખતે વચ્ચે કોઈ માધ્યમની જરૂર નથી રહેતી. એ સીધો સંબંધ હોય છે. એ માણસ પાનાં પર થઈને તમારી સમક્ષ રજૂ નથી થતો. એ સીધેસીધો તમારી સમક્ષ જીવતો હોય છે. એને જો તમે શાંતિથી, રસથી, પ્રેમપૂર્વક, પુસ્તકની જેમ વાંચવા મથો તો એમાં નિત્યનવીન નદીનું વહેણ તમે જોઈ શકો. કોઈ જીવતી વ્યક્તિના આત્મામાં ઝાંકી શકવાનો અનુભવ જેવોતેવો નથી હોતો.

પુસ્તકનાં પાત્રોને આપણે ધબકતાં અનુભવી શકીએ છીએ, પરંતુ ધબકતાં માનવીને પુસ્તકનાં પાત્રોની જેમ આપણે વાંચી શકીએ છીએ ખરા? આ કળા શીખવા જેવી છે. આ ક્ષમતા વિકસાવવા જેવી છે. એનો સૌથી મોટો લાભ એ છે કે માણસને પુસ્તકની જેમ વાંચવાથી આપણામાં એ અનાસક્તિ વિકસી શકે જે સ્વસ્થ જીવન માટે ઘણી કામની ચીજ છે.

પ્રત્યેક માણસનું જીવન ભલભલી નવલકથાથી ઓછું નથી હોતું. સાવ જ સામાન્ય અને સપાટ જિંદગી પણ અસલમાં, અંદરખાને કેટલી સમૃદ્ધ હોય છે એ જો આપણને જોતાં-વાંચતાં આવડી જાય તો આપણે વધુ સ્વસ્થ રીતે જીવી શકીએ.

પુસ્તકોમાંથી મેળવવા જેવી સૌથી મહત્ત્વની ચીજ આ છે: પઠનની રીત. પુસ્તકો વાંચીને શીખેલી પઠનપદ્ધતિ તમે માણસના પઠનમાં પણ લાગુ પાડો ત્યારે તમે માણસોમાંથી વધુ પામી શકો છો, વધુ સ્વસ્થ બની શકો છે, સમતાપૂર્વક લોકો સાથે પનારો પાડવાનું શીખી શકો છો.

સઈદ રાહીનો એક શેર છે: ગાહે-ગાહે ઇસે પઢા કીજે, દિલ સે બેહતર કોઈ કિતાબ નહીં. ક્યારેક ક્યારેક એને વાંચતો રહો. દિલથી સારી કોઈ ચોપડી નથી.
વાત થોડી અઘરી છે અને આ મુદ્દે હજુ ઘણું વધુ મંથન થઈ શકે, પણ બાકીની વિચારણા તમારા પર છોડું છું. મુદ્દો આટલો જ છે: પુસ્તક જાણે જીવતું હોય એમ એને વાંચીએ અને માણસ જાણે હાથમાં રહેલું પુસ્તક હોય એમ એને વાંચીએ તો જબરો જલસો પડી શકે. શું કહો છો?
બાકી, આજના દિવસે પુસ્તકને વંદન. માનવીને વંદન.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…