ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્ર ભાજપના મોટા નેતાઓની ધરપકડ કરવાની યોજના બનાવી હતી: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકર બાબતે એક મોટો આક્ષેપ કર્યો છે. શિંદેએ કહ્યું છે કે અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકારે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત રાજ્યના ભાજપના કેટલાક અગ્રણી નેતાઓની ધરપકડ કરવાની યોજના તૈયાર કરી હતી.
શિંદેએ એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે શિવસેના રાજ્યમાં 16 બેઠકો પર ચૂંટણી લડશે. જેમાં મુંબઈની ત્રણ સીટોનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે બેઠકોની વહેંચણીને લઈને મહાયુતિના સાથી પક્ષોમાં કોઈ અણબનાવ નથી અને તેઓ વિકાસના મુદ્દા પર પ્રચાર કરીને 2019નો 42 બેઠકો જીતવાનો રેકોર્ડ તોડશે.
ઠાકરે પોતે રાજા બનવા માંગતા હતા
એકનાથ શિંદેએ આ ઈન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે અગાઉની મહાવિકાસ આઘાડી સરકારે જૂન 2022માં (ઉદ્ધવ સરકારના પતન પહેલાં) આશિષ શેલાર, ગિરીશ મહાજન, પ્રવીણ દરેકર અને ફડણવીસની ધરપકડ કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર ભાજપના વિધાનસભ્યોના એક વર્ગને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહી હતી.
શિંદે જૂન 2022માં ઉદ્ધવ સામે ‘બળવો’ કરીને રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતા. આ વર્ષે જૂનમાં બે વર્ષ પૂર્ણ કરશે. છેલ્લા બે વર્ષની ઘટનાઓને યાદ કરતાં શિંદેએ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેનું સપનું મુખ્ય પ્રધાન બનવાનું હતું. મહાવિકાસ અઘાડી (એમવીએ) ની રચના પૂર્વ આયોજિત ચાલ હતી. શિંદેએ એમ પણ કહ્યું હતું કે ઉદ્ધવ પોતાના પિતાની જેમ કિંગમેકર બનવાને બદલે પોતે રાજા બનવાની મહત્વાકાંક્ષા ધરાવતા હતા.
આપણ વાંચો: યવતમાળ-વાશિમ સીએમ એકનાથ શિંદે માટે પ્રતિષ્ઠાનો જંગ
નગરવિકાસ પ્રધાનપદેથી હટાવવા માંગતા હતા
તેમણે કહ્યું હતું કે એમવીએ સરકારમાં પ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ સતત અપમાનથી ભરેલો હતો. આમાં ઠાકરે પરિવારની 100 ટકા દરમિયાનગીરી હતી. હું નગર વિકાસ પ્રધાન હતો, પરંતુ મને ક્યારેય સ્વતંત્ર રીતે કામ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. કોઈપણ સત્તા વિના આદિત્ય ઠાકરે દ્વારા મોટા પ્રમાણમાં હસ્તક્ષેપ કરવામાં આવતો હતો. અનેક પ્રસંગોએ મેં તેમને નગર વિકાસ, એમએમઆરડીએ, સિડકો અને મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએસઆરડીસી)ની બેઠક બોલાવતા જોયા હતા.
શિંદેએ એમ પણ કહ્યું હતું કે પાર્ટીના વિભાજન પહેલા ઠાકરે તેમની પાસેથી નગર વિકાસ પોર્ટફોલિયો છીનવી લેવાની યોજના બનાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે નક્સલવાદીઓની ધમકી છતાં તેમને ઝેડ-પ્લસ સુરક્ષા આપવામાં આવી નહોતી
ઉદ્ધવ ઠાકરે દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે ફડણવીસે તેમને એવું કહ્યું હતું કે તેઓ પોતે દિલ્હીમાં જતા રહેશે અને આદિત્યને મુખ્ય પ્રધાન બનવા માટે તૈયાર કરશે, આ દાવા અંગે પુછવામાં આવતાં શિંદેએ કહ્યું હતું કે તેમને એવું લાગતું હતું કે હું આદિત્યના મુખ્ય પ્રધાન બનવાના માર્ગમાં અવરોધ બનીશ. તેઓને આદિત્યને મુખ્ય પ્રધાન બનાવવાની ઉતાવળ હતી.
સેનાએ જ ઉદ્ધવનું નામ મોકલ્યું હતું
શિંદેએ નકારી કાઢ્યું હતું કે એનસીપી સુપ્રીમો શરદ પવારે મુખ્યપ્રધાનપદ માટે ઉદ્ધવના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે તેનાથી વિપરીત ઠાકરેએ કહ્યું હતું કે તમને સીએમ બનાવવામાં આવશે. જ્યારે એમવીએ સરકારની રચના થઈ રહી હતી, ત્યારે મને મુખ્યપ્રધાન બનાવવામાં આવશે તેવી આશામાં મને વધુ પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી તેમણે મને કહ્યું હતું કે શરદ પવારે મુખ્યમંત્રી માટે ઉદ્ધવ ઠાકરેનું નામ સૂચવ્યું હતું.
જો કે, પવારે મારી સમક્ષ એવી સ્પષ્ટતા કરી કે શિવસેનાએ જ તેમને ઠાકરેના નામની ભલામણ કરવા માટે કેટલાક લોકોને મોકલ્યા હતા, તેથી તેમણે જ પવારને ઠાકરેના નામનો પ્રસ્તાવ મૂકવા કહ્યું હતું તે સ્પષ્ટ થાય છે. વર્તમાન સાંસદોની ટિકિટ કાપવાના પ્રશ્ર્ન પર શિંદેએ કહ્યું કે ભાવના ગવળી અને હેમંત પાટીલને ભાજપના ‘સર્વે’ના કારણે હટાવવામાં આવ્યા છે. ઉમેદવારોની બદલી એ આંતરિક બાબત હતી. ભાજપે અમને ઉમેદવાર બદલવા માટે દબાણ લાવવાનો કોઈ સવાલ ઉપસ્થિત થતો નથી.