ગાવસકરે બીસીસીઆઇને કહ્યું, ‘બોલર્સની પરેશાની તો સમજો’
બૅટિંગ-લેજન્ડના મતે બૅટિંગની આતશબાજીનો અતિરેક થાય અને બૅટ-બૉલ વચ્ચે સમતુલા ન જળવાય તો ગેમ બોરિંગ થઈ જાય’
કોલકાતા: આઇપીએલની અગાઉની 16 સીઝનમાં ઘણી મૅચો લો-સ્કોરિંગ થઈ હતી, પણ આ વખતે તો સ્થિતિ સાવ જુદી જ છે. વિવિધ શહેરોમાં પિચ બૅટર્સ માટે સ્વર્ગ જેવી બનાવવામાં આવી છે. હજી તો લીગ સ્ટેજનો પહેલો રાઉન્ડ પૂરો થઈ રહ્યો છે ત્યાં 35 મૅચમાં 15 વખત 200-પ્લસનો સ્કોર નોંધાયો છે. 250-પ્લસના સ્કોર પાંચ વખત બન્યા છે. એ તો ઠીક, પણ સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલાં તો બેન્ગલૂરુનો 262 રનનો 11 વર્ષ જૂનો આઇપીએલ-રેકૉર્ડ તોડીને 277/3નો નવો વિક્રમ નોંધાવ્યો અને પછી પોતાનો જ એ રેકૉર્ડ તોડીને 287/3નો નવો સ્કોર લખાવ્યો હતો. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો 2024ની સીઝન બૅટર્સની સીઝન બની ગઈ છે.
એક તરફ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલિંગ લેજન્ડ ડેલ સ્ટેને કહ્યું છે કે ‘બોલર્સને બેસ્ટ ઇકોનોમી-રેટ નોંધાવવાનો સારો મોકો મળ્યો છે.’
જોકે ભારતીય ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકરનું માનવું તદ્ન જૂદું છે. એક અખબારી અહેવાલ મુજબ તેમણે બીસીસીઆઇને એવા અર્થમાં સંદેશ મોકલ્યો છે કે આતશબાજીઓના આ માહોલમાં બોલર્સના રક્ષણ વિશે કંઈક વિચારવું જોઈએ.
શનિવારે હૈદરાબાદે પાવરપ્લેની છ ઓવરમાં 125 રનનો નવો રેકૉર્ડ સ્થાપિત કર્યો હતો. હૈદરાબાદના 266/7ના સ્કોરના જવાબમાં દિલ્હીની ટીમ 199 રનમાં ઑલઆઉટ થઈ જતાં હૈદરાબાદનો 67 રનથી વિજય થયો હતો.
આપણ વાંચો: મુંબઈને છગ્ગાનો ચમકારો બતાવનાર રબાડા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 32 સિક્સર ફટકારી ચૂક્યો છે
ગાવસકરે બોલર્સને થોડું રક્ષણ મળી રહે એ બાબતમાં થોડા સૂચનો કર્યા છે. તેમણે ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર અંજુમ ચોપડાને ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘હું ક્રિકેટ બૅટમાં કોઈ ફેરફાર કરવા વિશે કોઈ સૂચન નહીં કરું, કારણકે એ તો નિયમોની અંદર જ છે, પરંતુ હું ઘણા સમયથી કહું છું કે દરેક મેદાન પર બાઉન્ડરી લાઇન થોડી લંબાવવી જોઈએ (આખી લાઇન પરનું દોરડું થોડું દૂર લઈ જવું જોઈએ). એલઇડી અને ઍડવર્ટાઇઝમેન્ટના બોર્ડ થોડા પાછળ લઈ જવામાં આવે તો બાઉન્ડરી લાઇન આસાનીથી બે-ત્રણ મીટર પાછળ લઈ જઈ શકાય. એવું કરાશે તો ઘણો ફરક પડી જશે. નહીં તો, બોલર્સે જ સહન કરવાનું આવશે.’
ટૂંકમાં, બોલર્સની પરેશાની પણ સમજવાની જરૂર છે એવો ગાવસકરના નિવેદનોનો ભાવાર્થ હતો.
સનીએ બીજી વાત એ કરી કે ટી-20 ક્રિકેટમાં પાવર-હિટિંગ જોવાથી ભલે રોમાંચિત થઈ જવાય, પણ જ્યાં બૅટર્સ અને બોલર્સ વચ્ચેની હરીફાઈ જેવું કંઈ ન હોય તો પછી એ બાબત (ફટકાબાજીનો અતિરેક) કંટાળાજનક થઈ જાય છે.
આ સંબંધમાં ગાવસકરે કહ્યું, ‘છેલ્લા થોડા દિવસથી ટી-20 ક્રિકેટમાં જે જોવા મળી રહ્યું છે એના પરથી કહી શકાય કે કોચ નેટમાં જાણે પોતાની ટીમને એવું કહેતા હશે કે આ લીગ સ્ટેજનો એ છેલ્લો રાઉન્ડ છે એટલે ફટકાબાજી કરજો. કોચના આવા સંકેતથી તેમની ટીમના બૅટર્સ મેદાન પર ઊતરતા જ ફટકાબાજી કરવા માંડતા હશે, પછી ભલે ક્રીઝમાં ટકી જાય કે વિકેટ ગુમાવી બેસે. અમુક અંશે ઠીક છે, રોમાંચ સ્થિતિ સર્જાય પરંતુ એવું ચાલ્યા જ કરે તો એક્સાઇટમેન્ટ જેવું કંઈ રહેતું નથી. હું હજી આનાથી વધુ આકરા શબ્દોમાં કહેવા માગું છું, પણ એ ટાળીશ.’