અમેરિકન સ્ટોક માર્કેટમાં ફાંગ સ્ટોક
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ
દરેક દેશની સ્ટોક માર્કેટમાં બે ચાર એવા સ્ટોક હોય કે જેનું માર્કેટ કેપ બહુ મોટું હોય જેમ કે ભારતમાં રિલાયન્સ, ટીસીએસ વગેરે કંપનીઓનું લાખો કરોડોનું વેલ્યુએશન પણ જગતભરમાં આજે ચર્ચાનો વિષય છે તે છે અમેરિકન કંપનીના ફાંગ-સ્ટોક. ફાંગ સ્ટોક એ કોઇ કંપની નથી પણ ફેસબુક કે જે હવે મેટા પ્લેટફોર્મથી પ્રચલિત છે, ત્યારપછી આવે છે એપલ કંપની, એમેઝોન કંપની, નેટફલીક્સ અને ગૂગલ આ બધી કંપનીઓના નામનો પહેલો અંગ્રેજી અક્ષર જેમ કે ફેસબુકના એફ, એપલનો અ, એમેઝોનનો પણ અ, નેટફલીક્સનો એન અને ગૂગલનો જી આ લઇને નામ ” ઋઅઅગૠ.
આજે અમેરિકન સ્ટોક માર્કેટમાં આ પાંચ કંપનીએ એટલી અભૂતપૂર્વ સફળતા મેળવેલ છે કે તેનો કોઇ જોટો નથી. આ કંપનીઓમાં જે રોકાણકારો ઇન્વેસ્ટેડ રહેલા છે તેણે પોતાની નહીં પણ બીજી ત્રણ પેઢી ખાઇ શકે એટલી મોટી કમાણી કરી લીધી છે અને હજુ ચાલુ જ છે, જેમ કે છેલ્લાં ૧૦ વર્ષમાં ફેસબુકના શેરમાં ૯૯૯ ટકા રિટર્ન મળેલ છે. આ રિટર્ન એપલમાં ૯૫૮ ટકા, એમેઝોનમાં ૧૫૬૨ ટકા, નેટફલીકસમાં ૩૦૦૦ ટકા અને ગૂગલમા ૮૭૨ ટકાનું છે.
યુએસ માર્કેટનું કુલ માર્કેટ કેપ ૫૦.૮ ટ્રિલિયન ડૉલર્સનું છે. તેમાં આ પાંચ ફાંગ સ્ટોકનું માર્કેટ કેપ ૫ ટ્રિલિયન ડૉલર્સ મતલબ કુલ માર્કેટના ૧૦ ટકા કરતા પણ વધારે છે. નેસડેક ૧૦૦ના માર્કેટ કેપનું ૩૫ ટ્રિલિયમ ડૉલર્સનું છે. તેમાં ફાંગ સ્ટોકનું માર્કેટ કેપ ૧૮ ટકા જેવું છે. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર ૫૦૦ ઇન્ડેકસમાં આ ૫ કંપનીઓનું માર્કેટ કેપ ૧૫ ટકાનું છે. એસ એન્ડ પી ૫૦૦નું કુલ માર્કેટ કેપ ૪૨ ટ્રિલિયન ડૉલર્સનું છે. આના ઉપરથી ખ્યાલ આવે કે આ પાંચેય કંપનીઓ કેટલી મહાકાય હશે.
ભારતીય સ્ટોક માર્કેટનું માર્કેટ કેપ ૪.૫ ટ્રિલિયન ડૉલર્સનું છે જે અમેરિકન માર્કેટના માત્ર ૧૦ ટકા છે અને ભારતીય સ્ટોક માર્કેટનું કુલ માર્કેટ કેપ ફાંગની પાંચ કંપનીઓ ફેસબુક, એપલ, એમેઝોન, નેટફલીકસ અને ગૂગલ કરતાં પણ ઓછું છે.
૧૮૯૯ની સાલમાં વિશ્ર્વની સ્ટોક માર્કેટની કુલ માર્કેટ કેપમાં અમેરિકાનો હિસ્સો ૧૪.૫ ટકા હતો અને ભારતનો શૂન્ય તેની સામે ૨૦૨૪માં જગતની કુલ સ્ટોક માર્કેટ કેપમાં અમેરિકાનો હિસ્સો ૧૮૯૯ના ૧૪.૫ ટકાથી વધીને ૬૦૫ ટકાનો થયો છે તેની સાથે ભારતે ૨ ટકાના હિસ્સા સાથે પદાર્પણ કરેલ છે જે વિશ્ર્વમાં ભારતીય સ્ટોક માર્કેટની વધતી વગ બતાવે છે.
હવે જો આ પાંચે કંપનીઓ અંગે જાણીએ તો તેની મહાનતા જોવા મળશે.
ફેસબુક: આજથી માત્ર ૨૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલી ફેસબુક કંપનીમાં ૩ બિલિયન એક્ટિવ યુઝર્સ છે. દુનિયામાં ફેસબુક ૧૧૨ ભાષામાં ઉપલબ્ધ છે. ફેસબુકનું માર્કેટ કેપ આજે ૧.૨૩ ટ્રિલિયન ડૉલર્સનું છે અને તેમાં ૬૭,૦૦૦ કર્મચારીઓ છે.
જગતની ૫ મોટી સોશિયલ મીડિયા સાઇટમાંથી, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જર્સની માલિકી મેટા પ્લેટફોર્મ જે જૂના ફેસબુકથી ઓળખાતી હતી તેના પાસે છે.
એપલ : એપલના નામથી ભાગ્યે જ કોઇ અજાણ હશે. એપલનું માર્કેટ કેપ ૨.૫૫ ટ્રિલિયન ડૉલર્સનું છે અને તેમાં ૧૬૧૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. મોબાઇલ ફોન, ટેબલેટસ, લેપટોપ વગેરેમાં દુનિયામાં અવ્વલ નંબરે છે.
એમેઝોન : ૧૯૯૪થી અસ્તિત્વમાં આવેલ એમેઝોન કંપનીના નામથી તો યુવાન, વૃદ્ધ કે હોમ મેકર કોઇ અજાણ નહીં હોય અને અવારનવાર એમેઝોન પરથી ખરીદી કરતા હશે પછી તે મેટ્રો સિટીમાં રહેતા હોય કે ટુ, થ્રી કે ફોર ટીઅર સિટીમાં રહેતા હોય. એમેઝોનનું માર્કેટ કેપ ૧.૮૨ ટ્રિલિયન ડૉલર્સનું છે અને તેમાં ફૂલ ટાઇમ અને પાર્ટ ટાઇમ મળીને ૧૬ લાખ લોકો જગતભરમાં કામ કરે છે. જેમાંથી એક લાખ લોકોએ ભારતમાં રોજગાર પ્રાપ્ત કરેલ છે. એમેઝોનમાં રોજના ૧.૪ બિલિયન ડૉલર્સનું વેચાણ થાય છે.
નેટફલીકસ : ફાંગ સ્ટોકમાં સૌથી ઓછું કોઇ કંપનીનું માર્કેટ કેપ હોય તો તે છે નેટફલીકસનું ૨૪૦.૮૦ બિલિયન ડૉલર્સનું પણ સૌથી વધારે રિટર્ન કોઇએ આપ્યું હોય તો તે નેટફલીકસે ૩૦૦૦ ટકાનું છેલ્લાં ૧૦ વર્ષમાં રોકાણકારોને આપેલ છે. નેટફલીકસે ૧૩૦૦૦ લોકોને રોજગાર આપેલ છે. નેટફલીક્સના રોલ ઉપર ૨૦૦ મિલિયન પેઇડ સબસ્ક્રાયબર્સ છે અને લાખો ફિલ્મો, ટીવી સિરિયલો, ઓટીટીના ટાઇટલ્સ તેના પાસે છે.
ગૂગલ એટલે આલ્ફાબેટ : દુનિયામાં કોઇ માણસ એપલના નામથી અજાણ હોય શકે કદાચ એમેઝોનના નામથી પણ પરિચિત ના હોય પણ અશક્ય છે કે તે ગૂગલનું નામ ના જાણતો હોય. ગૂગલ વગરની દુનિયાનો વિચાર જ ના થઇ શકે માનવ જિંદગીનું કોઇ અભિન્ન અંગ હોય તો તે ગૂગલ છે. ગૂગલનો પાયો ૧૯૯૮માં નાખવામાં આવેલ અને આજે તે ૧.૯૨ ટ્રિલિયન ડૉલર્સનું માર્કેટ કેપ ધરાવે છે. ગૂગલમાં લગભગ ૨ લાખ લોકો નોકરી કરે છે. ઓનલાઇન એડ રેવન્યુમાં ગૂગલ મોખરે છે.
પણ સૌથી આશ્ર્ચર્યની વાત તો એ છે કે એક વખત વર્ષો સુધી જગતમાં ધનાઢય રહેલ બીલ ગેટસની માઇક્રોસોફટ કંપની કે જે પણ ન્યુ એજ ડિજિટલ ટૅકનોલૉજી કંપની છે અને જેનું માર્કેટ કેપ ૨.૯૭ ટ્રિલિયન ડૉલર્સનું છે. જે કોઇ પણ ફાંગ કંપની કરતાં વધારે છે તેનો શા માટે સમાવેશ ફાંગ કંપનીમાં નથી કરવામાં આવ્યો તે સમજ બહાર છે.
અત્યારસુધી તો ભારતીય રોકાણકારો માટે માત્ર ભારતના સ્ટોક બજારમાં જ રોકાણ કરવાની છૂટ હતી પણ હવે તો ભારતીય રોકાણકારોને નેસડેકસમાં ડાયરેકટ રોકાણ કરવાની તકો પણ મળે છે અને ઘેર બેઠા બેઠા અમેરિકન કંપનીઓમાં સ્ટોકમાં નાણાં રોકી શકે છે અને તે ઉપરાંત નેસ્ડેકસબેઝડ મ્યુચ્યુઅલફંડ પણ ભારતમાં ઉપલબ્ધ છે. જેમાં પણ રોકાણ કરીને ફાંગ સ્ટોકમાં મળતા અભૂતપૂર્વ રોકાણનો લાભ લઇ શકે છે. કારણ કે “ટુ સ્ટે અહેડ, યુ મસ્ટ હેવ યોર નેકસ્ટ આઇડિયા વેઇટિંગ ઇન ધ વિંગ.