એન.આર.આઈ. નિમુબેન પટેલ
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે
મુંબઈના પશ્ર્ચિમપરાં મલાડમાં રહેતાં ૭૪ વર્ષનાં નિમુબેન પટેલ મૂળ ભારતીય હોવા છતાં ય હવે એન.આર.આઈ. છે. સત્યનિષ્ઠ અને આધ્યાત્મિક અને વ્યવહારુ નિમુબેને જીવનના સાત દાયકામાં અનેક ચડાવ-ઉતાર જોયા છે. તેજસ્વી પ્રતિભા ધરાવતા પતિ મુકુંદભાઈ સાથે સદા ય હસતેમુખે જીવનના તડકાછાયા વેઠ્યા. આર્થિક સંકડામણમાં પણ પોતાના ત્રણ દીકરાઓને શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું. આજે તેમના બે દીકરા ડોક્ટર છે અને એક દીકરો આય.ટી. ક્ષેત્રે યુ.એસ.એમાં સ્થાયી થયા છે.
છેલ્લા અઢી દાયકાથી ન્યુજર્સી ( યુ.એસ.એ)માં રહેતાં નિમુબેન એટલે નખશિખ ભારતીય નારી. એક પ્રેમાળ પત્ની, માતા અને હાડોહાડ ધર્મપરાયણ ન્નારી. પશ્ર્ચિમી સંસ્કૃતિ વચ્ચે પણ ભારતીયતાને શ્ર્વસતા આપણાં નિમુબેન કુટુંબવત્સલ અને સામાજિક વ્યવહારમાં પાવરધા કહી શકાય.
જીવનના દરેક રંગમાં અનુકૂળ થઈને રહેતાં નિમુબેન વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવે છે. સમયને પારખીને ત્વરિત નિર્ણય લેનારાં નિમુબેનને જીવન પ્રત્યે કોઇ ફરિયાદ નથી. કૌટુંબિક એકતાની ભાવનાથી પ્રેરાઈને જ મુંકુંદભાઈએ બે દાયકા પહેલાં કંપનીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને યુ.એસ.માં રહેવા ગયા.
મુકુંદભાઈ તેમના મિત્રની મોટેલમાં મદદરૂપ થતા અને સિનિયર સિટિઝન ગ્રુપમાં કલ્ચર કાર્યક્રમનું આયોજન કરતા. નિમુબેન દીકરાઓ, પુત્રવધૂઓ તથા પૌત્ર-પૌત્રીઓ સાથે આનંદ માણતાં હતાં.
વિવિધ ઉત્સવ અને પૂજાપાઠ કરીને બાળકોને ધર્મ તરફ વાળતાં. નિમુબેન મુંકુંદભાઈ સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સહભાગી થતાં.
વિદેશમાં અનુકૂળ થવા ઈંગ્લિશ સ્પીકિંગના કલાસ કર્યા, કોમ્પ્યુટરની ટ્રેનિંગ લીધી.
૨૦૧૬માં નડિયાદમાં પોતાના ભાઈ-ભાભીને ઘરે રોકાયાં હતાં અને ચારધામ યાત્રા કરી. મુંબઈના ઘરે આવ્યાં ત્યારે એમનું શ્રીનાથભુવન રિડેવલપમાં જવાનું છે એ નક્કી થયું હોવાથી તેના જરૂરી દસ્તાવેજો તૈયાર કર્યા. વ્યવહારુ નિમુબેન અને મુકુંદભાઈએ દીર્ઘદ્રષ્ટિ વાપરતાં એન.આર.આઈ. ત્રણે દીકરાના નામ પણ જોડ્યા અને બધા ડોક્યુમેન્ટ્સની કોપી ત્રણે સંતાનોને પણ ઈમેલ કરી જેથી ભવિષ્યમાં તેમને કોઈ તકલીફ ન થાય.
જૈફ ઉંમરે હવે મુકુંદભાઈને મુંબઈના ઘરમાં રહેવાની તીવ્ર ઈચ્છા થતી હતી. હવે રિડેવલેપમેન્ટનું કામ પૂરું થઈ ગયું છે. જૂના પાડોશી સુભાષ જોષીનો ઈમેલ આવ્યો કે મુકુંદભાઈ, હવે આપણા શ્રીનાથભુવનનું ઓ.સી આવી ગયું છે. અમે પઝેશન લઈ લીધું છે. સૂર્યા બિલ્ડરે બહુ સરસ કામ કર્યું છે. સુભાષે પોતાના ફ્લેટના ફોટા મોકલ્યા હતા.
મુકુંદભાઈના આનંદનો કોઈ પાર ન હતો. એમણે નિમુનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું:- નિમુ, આપણું મુંબઈનું ઘર થઈ ગયું છે. અહીં છોકરાઓ સાથે ખૂબ સારું છે, પણ ચાલને આપણે ફરી પાછાં મુંબઈ જઈએ. ત્યાં શાંતિથી રહીશું, તને ગમશે ને?
હા, મને કેમ ન ગમે ? એ માળો તો આપણે આપણા હાથે બનાવ્યો છે. આપણે મુંબઈના ઘરે જ રહીશું. અહીં બધું જ છે, પણ જ્યાં આપણો ઘરસંસાર મંડાયો, એ ઘર, એ ભૂમિ એનો લગાવ અલગ જ છે. અને ડ્યુલ સિટીઝનશિપનો ફાયદો તો છે. નિમુબેને કહ્યું.
મારું આ પતંજલિ ધ્યાનયોગની શિબિરનું કામ પૂરું થશે, પછી જઈશું. મુકુંદભાઈએ પ્રસન્ન ચહેરે કહ્યું.
મુકુંદભાઈએ તેમના ગ્રુપ સાથે ઓક્ટોબર મહિનામાં ૧૦ દિવસના સતત ત્રણ વાર યોગ શિબિરના કેમ્પ કર્યા.
પતંજલિ યોગના અભ્યાસ કરતાં કરતાં મુકુંદભાઈ ભ્રમરાંધ્રની ચિત્તઅવસ્થામાં ચાલી જતા. એમના ધ્યાનખંડમાં આઠ-દસ કલાક બેસી રહેતા. હવે કયારેક ખોરાક પણ ત્યજી દેતા. ડોક્ટર દીકરાઓ ખડે પગે પિતા સાથે હતા. ૭૯ વર્ષની જૈફ ઉંમરે પણ એમનું મુખ તપસાધનાથી ઝળહળતું હતું. મુકુંદભાઈ આ દુનિયાથી કોઈ અલગ ચિત્તઅવસ્થામાં પહોંચી જતા, એ કોઈને ઓળખતા નહીં .
પણ ગુરુવારે રાત્રે એક વાગે નાના દીકરાના હાથ ઝાલીને નિમુ તરફ જોતાં ત્રુટક સ્વરે બોલ્યા- રાધે રાધે… જય શ્રીરામ બોલતાં એમણે પ્રાણ છોડ્યા.
નિમુબેને જીવનમાં પહેલું હૈયાફાટ રુદન કર્યું. એમના મનમાં એ જ શબ્દો પડઘાતા હતા, નિમુ, આપણે હવે મુંબઈ જ રહીશું.
આજ્ઞાશીલ દીકરાઓ સાથે નિમુબેન હિંમત રાખીને જીવનના ખાલીપાને સહન કરી રહ્યાં હતાં. છ મહિના થયા હશે ત્યારે મોટા દીકરા દીપેશે કહ્યું:- મમ્મી, મુંબઈના બિલ્ડરનો ઈમેલ છે, પઝેશનના પ્રોસિજર કંપ્લિટ કરવા બોલાવે છે. આપણે જવું જોઈએ. બધા પેપર્સ પર તારે સહી કરવાની, ટ્રાન્ઝેકશન પૂરા કરવાના. શું જવાબ લખું?
હા,બેટા આ તો તારા પપ્પાનું ડ્રીમ હાઉસ છે. હું એને સરસ સજાવીશ. જો કે આજે તારા પપ્પા હોત તો કેટલા ખુશ થાત. આંખમાં આવેલા આંસુને લૂછતા નિમુબેને કહ્યું:- હું મુંબઈ જઈશ. પઝેશન માટે બધું કામ
હું કરીશ. અને સોનિયાના પપ્પા વેવાઇજી છે. ઉપર બીજે માળે સુભાષ છે. પછી કોઈ ચિંતા કરતો નહીં. યસ, યુ આર માય બ્રેવ મમ્મી. આપણે પણ સતત કોંટેકટમાં રહીશું.
શ્રીનાથભુવનના ત્રીજા માળે ૩૦૫ નંબરના બ્લોકમાં નિમુબેન પાડોશમાં રહેતી મયૂરી કે જેણે કુંભનો કળશ માથે લીધો હતો, તેની સાથે પ્રવેશ્યા. મુકુંદભાઈના ફોટાને હાર પહેરાવી પૂજા કરતાં નિમુબેને કહ્યું- જુઓ, આપણે મુંબઈના ઘરમાં આવી ગયાં. (ગળે ડૂમો ભરાઈ જતાં)
આ પુરોહિત પૂજા કરાવશે. તમે આશિષ આપજો.
નવું ઘર ફર્નિચર સાથે જ હતું. દીપેશે બૅંકમાંથી બધું પેમેન્ટ ઓનલાઈન કર્યું હતું. જૂના પડોશીઓ સાથે આત્મીય સંબંધો ફરી તાજા થયા.
એક મ્યુનિસિપલ ઓફિસનો એક લેટર બોય પોસ્ટ નિમુબેનને મળ્યો. નિમુબેને જોયું કે ટેક્સ ભરવાની રકમમાં (૦૦- ૦૦) લખ્યું હતું. નિમુબેને વિચાર્યું કે કાલે બિલ્ડરની ઓફિસમાં જઇને પૂછીશ. પણ તે પહેલા શાંતિભાઈને પૂછીશ.
શાંતિભાઈએ ઓફિસમાં હિસાબ સમજાવતા નિમુબેનને ૧૫ લાખનો એક ચેક આપ્યો તથા અન્ય કાર્યવાહી પણ સમજાવી.
નિમુબેને મ્યુનિસિપલ ટેક્સનું કાગળ બતાવતાં પૂછયું- અહીં ટેક્સ ભરવાની રકમમાં ૦૦-૦૦ કેમ છે.
જો, તમારા ઘરનો એરિયા ૫૦૦ સ્કેવરફીટ કરતાં ઓછો હોય તો સરકાર કરમાફી આપે છે. તમારો એરિયા ૪૫૦ છે. શાંતિભાઈએ કહ્યું.
પણ, ભાઈ આ ખોટું છે. આ નવો બ્લોક તો ૮૫૦નો છે. નિમુબેને કહ્યું.
ભલે ને આમ જ રહે, તમારો ટેક્સ બચી જાય. શાંતિભાઈ બોલ્યા.
ના, ભાઈ ખોટું શું કામ કરવું? મારા દીકરાઓને આગળ જતાં તકલીફ થાય. અને મારા મુકુંદ તો કયારેય ખોટું ન ચલાવી લેતા. નિમુબેને મક્કમ સૂરે કહ્યું.
તો, નિમુબેન તમે મ્યુનિસિપલ ઓફિસમાં અરજી કરો. એ લોકો સુધારો કરી આપશે. પણ પછી તમારે ટેક્સ ભરવો પડશે. શાંતિભાઈએ કહ્યું. નિમુબેને કહ્યું- મને ટેક્સ ભરવામાં કોઈ તકલીફ નથી. પણ કંઈ ખોટું હું કરીશ નહીં.
સોમવારે નિમુબેન મ્યુનિસિપલ ઓફિસમાં પ્રોપર્ટી વિભાગમાં ગયાં.
ટેક્સ ભરવાનું કાગળ બતાવી સાચી હકીકત જણાવી. એક ઓફિસરે કહ્યું- રહને દો. ક્યા ફરક પડતા હૈ.
મુજે કુછ ગલત નહીં ચાહીયે. નિમુબેને કહ્યું.
ટેબલ પર બેઠેલા એક સિનિયર સાહેબે કહ્યું- એપ્લિકેશન દેકે જાઓ. હમ તુમ્હારે ઘર ચેકિંગ કરને કો કીસીકો ભેજેંગે.
નિમુબેને કાગળ પેન માગ્યાં, અને અરજી લખવા લાગ્યાં.
યે ઐસા નહીં ચલેગા, મરાઠી યા અંગ્રેજીમેં લીખો. સાહેબે કહ્યું.
મેડમ, રહને દો. હમ કલ આપ કે ફ્લેટકા ચેકિંગ કરેંગે, બાદમેં દેના. પેલા સાહેબે કહ્યું.
બીજે જ દિવસે એ સાહેબ સવારે ૧૧ વાગે જ તેના એક માણસ સાથે નિમુબેનને ત્યાં આવ્યા.
નિમુબેનનો ફ્લેટ જોયો. તેઓ એકલાં જ છે. પતિદેવના ફોટાને હાથ જોડતાં બોલ્યાં- યે આપ કે પતિ કા ફોટો હૈ?
સબ કરા દૂંગા. મૈં એપ્લિકેશન લીખકર દેતા હૂં , આપ સાઈન કર દો. કામ હો જાયેગા. લેકિન ઈસકા પૈસા લગેગા. આપ કીતના પૈસા દે શકતે હો.
આ સાંભળતાં જ નિમુબેને મક્કમતાપૂર્વક કહ્યું, ઐસા મત સમજો કે મૈં અકેલી, નિરાધાર સ્ત્રી હૂં. મુઝે આપસે કોઈ એપ્લિકેશન નહીં કરાની હૈ. ઔર ના તો મુઝે કોઈ રીશવત દેની હૈ. આપ પ્લીઝ યહાં સે ચલે જાઈએ. મૈ કરા લૂંગી.
નિમુબેનની સત્યનિષ્ઠા અને હિંમત જોઈ પેલો ઓફિસર દંગ રહી ગયો.
પોતાની સોસાયટીમાં ચોથે માળે રહેતા લોયર સુભાષ પાસે નિમુબેને અરજી કરાવીને આગળ જે કંઈ કરવું પડે તે કરવા જણાવ્યું.
અમેરિકા જવાના ત્રણ દિવસ પહેલાં તેમની ખાસ સહેલી સુનીતા મળવા આવી, ત્યારે મુકુંદને યાદ કરતાં નિમુબેન રડી પડ્યાં.
સુનીતાએ કહ્યું- તમે રડો છો શું કામ? તારી કાર્યદક્ષતા અદ્ભુત છે. પેલા ઓફિસરને તમે તગેડી મૂક્યો. મુકુંદભાઈ ક્યાંય ગયા નથી. ચૈતન્ય સ્વરૂપે તમારી સાથે છે. એન.આર.આરૂ. નિમુબેન પટેલ ઈઝ અ સ્ટ્રોંગ વુમન.