દીપડાના ભયથી વસઇ-ભાયંદર સાંજે રોરો સેવા બંધ
મુંબઈ: વસઇ કિલ્લાના પરિસરમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 દિવસથી આ વિસ્તારમાં દીપડાની હાજરીને કારણે સાંજે રોરો સેવાની બે ફેરીને રદ કરવાનો નિર્ણય પ્રશાસને લીધો છે. વિસ્તારમાં દીપડાને લીધે નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે, તેમ જ પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાને પણ બંધ રાખવામાં આવી છે. વસઇ-ભાયંદર વિસ્તારમાં રહેતા લોકો માટે મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ દ્વારા વસઇ-ભાયંદર રોરો સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ વસઇ કિલ્લાના વિસ્તારમાં 29 માર્ચે દીપડો જોવા મળતા સેવાને તાત્પૂરતી બંધ રાખવામાં આવી છે.
વસઇ કિલ્લાના વિસ્તારમાં જોવા મળેલા દીપડાને હજુ સુધી જેરબંધ કરવામાં આવ્યો નથી. આ દીપડાની શોધ લેવા માટે વનવિભાગ દ્વારા વિસ્તારમાં કૅમેરા, ટ્રેપ અને પીંજરા લગાવવામાં આવ્યાં છે. આ વિસ્તારમાં લોકોની ભીડ જોવા મળે છે અને રોરો સેવા સુધી પહોંચવા માટે કિલ્લાના રસ્તેથી જવું પડે છે. જેથી વિસ્તારમાં લોકોની ભીડને રોકવા માટે થોડા દિવસો માટે આ રોરો સેવાને બંધ રાખવાનો નિર્ણય પ્રશાસને લીધો છે.
આપણ વાંચો: વસઇમાં ચાર સગીરાનો વિનયભંગ: બેકરીના માલિકની ધરપકડ
રોરો સેવાને જ્યાં સુધી દીપડાને પકડી નહીં લેવામાં આવે ત્યાં સુધી બંધ રાખવાની માગણી ગામના લોકોની સાથે વનવિભાગ અને રોરો સેવા ચાલક દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ માત્ર સાંજની બે ફેરી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 13 એપ્રિલથી આ સેવાને બંધ કરવામાં આવી છે. સાંજે 5.15 અને 6.45 વાગ્યાની સેવાને રદ કરવામાં આવી છે. જેને લીધે વસઇથી બપોરે 3.45 વાગ્યે અને ભાયંદરથી બપોરે 4.30 વાગ્યે છેલ્લી ફેરી ઊપડે છે.