મુંબઈને ચિંતામાં મૂકી દેનાર પંજાબના આશુતોષે પરાજય પહેલાં કયું સપનું પૂરું કર્યું?
બૅટિંગમાં જબરદસ્ત સુધારા બદલ ભૂતપૂર્વ ભારતીય બૅટરને આપ્યો જશ
મુલ્લાનપુર: ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય બોલર અને યૉર્કર સ્પેશિયાલિસ્ટ જસપ્રીત બુમરાહે પચીસ બૉલમાં 41 રન બનાવનાર પંજાબ કિંગ્સના શશાંક સિંહને તેરમી ઓવરમાં આઉટ કર્યો ત્યાર પછી પંજાબની બાજી આશુતોષ શર્માએ સંભાળી લીધી હતી અને 18મી ઓવરમાં તેની વિકેટ પડ્યા બાદ હરપ્રીત બ્રારે પંજાબને જિતાડવાની જવાબદારી ઉપાડી હતી, પરંતુ કૅપ્ટન હાર્દિક પંડ્યાએ તેને 19મી ઓવરમાં પૅવિલિયન ભેગો કરીને બાજી મુંબઈની તરફેણમાં લાવી દીધી હતી. રહી-રહીને કૅગિસો રબાડાએ છગ્ગો મારીને મુંબઈની ટીમ માટે સ્થિતિ તંગ બનાવી દીધી હની અને મુંબઈ તરફી લોકોના જીવ અધ્ધર કરી નાખ્યા હતા.
છેવટે મુંબઈએ પાંચ બૉલ બાકી રહ્યા હતા ત્યારે નવ રનના માર્જિનથી વિજય મેળવ્યો અને બે પૉઇન્ટ મેળવ્યા, પરંતુ પંજાબના પચીસ વર્ષીય આશુતોષ શર્મા કરોડો લોકોના દિલ જીતીને પૅવિલિયનમાં પાછો ગયો હતો. તેણે 28 બૉલમાં સાત સિક્સર અને એક ફોરની મદદથી 61 રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગ્સને લીધે પંજાબની ટીમ ગંભીર ધબડકા બાદ સંભવિત વિજયની સ્થિતિમાં આવી ગઈ હતી. જોકે છેવટે જીત મુંબઈની થઈ હતી.
21 રનમાં ત્રણ વિકેટ લેનાર જસપ્રીત બુમરાહને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. આશુતોષે મૅચ પછી કહ્યું, ‘બુમરાહના એકાદ બૉલમાં સ્વીપ શૉટ મારવાનું મારું સપનું હતું જે મેં આ મૅચમાં સાકાર કર્યું. એવા શૉટ માટે મેં ઘણી પ્રૅક્ટિસ કરી હતી અને મને આનંદ છે કે એ શૉટ હું વિશ્ર્વના હાલના બેસ્ટ બોલરના બૉલમાં મારી શક્યો.’
પંજાબની 13મી ઓવર બુમરાહે કરી હતી જેના યૉર્કરના પ્રયત્નમાં ફેંકેલા ફુલ-ટૉસમાં આશુતોષે ફ્રન્ટ ફૂટ પર આવ્યા બાદ થોડા નીચા નમીને બૉલને બૅકવર્ડ સ્ક્વેર લેગ પરથી ગ્રાઉન્ડની બહાર મોકલી દીધો હતો. એ સિક્સર જોયા પછી સોશિયલ મીડિયા પર (એક્સ પર) એક યુઝરે લખ્યું, ‘ભાઈ, આટલા વર્ષ તું હતો ક્યાં?’
આશુતોષ શર્માએ ગુરુવારે મૅચ પછી પત્રકારોને એવું પણ કહ્યું હતું કે ‘મને ખાતરી હતી કે હું પંજાબને વિજય અપાવી શકીશ. જોકે છેલ્લે અમે હારી ગયા.’
મુંબઈના પેસ બોલર આકાશ મઢવાલની 16મી ઓવર ખૂબ ખર્ચાળ હતી અને એને અંતે પંજાબની ટીમ 24 બૉલમાં જીતવા જરૂરી 28 રનના આંકડા સાથે વિજયી મોડમાં આવી ગયું હતું. વાઇડ અને લેગ બાયના સિલસિલા વચ્ચે આશુતોષે એ ઓવરમાં બે સિક્સર અને હરપ્રીત બ્રારે એક સિક્સર ફટકારી હતી.
આપણ વાંચો: IPL 2024 GT vs DC: માત્ર 16 રન બનાવનારા ઋષભ પંત પ્લેયર ઓફ ધ મેચ, બોલર્સને અન્યાય? જાણો શું છે કારણ
આશુતોષે આ સીઝનમાં પોતાની બૅટિંગમાં થયેલા સુધારા બદલ ભૂતપૂર્વ ભારતીય બૅટર અને પંજાબની ટીમના ક્રિકેટ ડેવલપમેન્ટ વિભાગના ચીફ સંજય બાંગડને જશ આપ્યો હતો. આશુતોષે પત્રકારોને કહ્યું, ‘સંજય સરે મને કહેલું હતું કે હું માત્ર સ્લૉગર નથી. સ્લૉગ ઓવર્સમાં સારું રમી શકવા ઉપરાંત હું બીજા સારા શૉટ પણ મારી શકું એમ છું. તેમનું માનવું અન્યો માટે કદાચ નજીવી બાબત ગણી શકાય, પણ મારા માટે એ મોટી વાત છે. હું પોતાને હાર્ડ-હિટર નથી માનતો, પણ પ્રોપર ક્રિકેટિંગ શૉટ મારવામાં માનું છું.’
આશુતોષે બૅટિંગ સુધારવામાં સપોર્ટ આપનાર ટીમના સાથી ખેલાડીઓ તેમ જ ખાસ કરીને કૅપ્ટન શિખર ધવનને અને હેડ-કોચ ટ્રેવર બેલીસનો પણ આભાર માન્યો હતો.
આશુતોષ પંજાબની ટીમ વતી રમે છે, પણ તે મધ્ય પ્રદેશનો છે અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મધ્ય પ્રદેશ વતી રમે છે. તેણે કહ્યું, ‘એમપીમાં મને મારા કોચ અમય ખુરસીયાએ એક વાર કહ્યું હતું કે તું ક્રીઝ પર જેટલો સમય વધુ ટકીશ એટલો તારી ટીમને ફાયદો થશે અને વિજય મેળવવાની સ્થિતિમાં આવી શકશે.’