વ્યભિચાર છૂટાછેડાનું કારણ હોઈ શકે પણ…: બોમ્બે હાઈ કોર્ટનું મહત્ત્વનું તારણ
મુંબઈ: વ્યભિચાર છૂટાછેડા આપવા માટે સબળ કારણ હોઈ શકે છે, પણ બાળકની સોંપણી માટે એ કારણ માન્ય ન રાખી શકાય, એમ નવ વર્ષની પુત્રીનો કબજો તેની માતાને સોંપતી વખતે બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું.
અલગ રહેતી પત્નીને પુત્રીની સોંપણી અંગે ફેબ્રુઆરી 2023માં ફેમિલી કોર્ટે આપેલા ચુકાદાને પડકારતી ભૂતપૂર્વ વિધાનસભ્યના પુત્રએ કરેલી અરજી 12 એપ્રિલે ન્યાયમૂર્તિ રાજેશ પાટીલની એક જજની ખંડપીઠે ફગાવી દીધી હતી.
યુગલના લગ્ન 2010માં થયા હતા અને 2015માં તેમને ત્યાં પુત્રી જન્મ થયો હતો. પોતાને ઘર બહાર કરવામાં આવી હોવાનો દાવો મહિલાએ 2019માં કર્યો હતો. જોકે, પત્નીએ પોતાની મરજીથી ઘર છોડ્યું હોવાનો આક્ષેપ અરજદારે કર્યો હતો.
આપણ વાંચો: ‘તમે કોઈનો ઊંઘવાનો અધિકાર છીનવી ના શકો’ બોમ્બે હાઈ કોર્ટે EDને આવું શા માટે કહ્યું?
અરજદારના વકીલ ઇન્દિરા જયસિંહે અદાલત સમક્ષ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે મહિલા અનેક વિવાહ બાહ્ય સંબંધ ધરાવતી હોવાથી પુત્રીની સોંપણી તેને કરવી યોગ્ય નહીં કહેવાય.
જોકે, બાળકની સોંપણીના મુદ્દે વ્યભિચારના આક્ષેપનું વજૂદ નથી રહેતું એમ ન્યાયમૂર્તિ પાટીલે જણાવ્યું હતું. ‘સારી પત્ની સારી માતા ન હોય એ જરૂરી નથી. વ્યભિચાર છૂટાછેડા માટે કારણ હોઈ શકે, પણ બાળકની સોંપણી માટે નહીં’ એવું નિરીક્ષણ અદાલતે રજૂ કર્યું છે.