IPL 2024

હાર્દિકે બે પૉઇન્ટ મેળવ્યા, પણ બાર લાખ રૂપિયા ગુમાવ્યા

મુલ્લાનપુર: હાર્દિક પંડ્યાએ ગુરુવારની મૅચમાં પંજાબ કિંગ્સના હરપ્રીત બ્રાર (21 રન, 20 બૉલ, એક સિક્સર, બે ફોર)ની મહત્ત્વની વિકેટ લીધી, સાથી ફાસ્ટ બોલર કૉએટ્ઝીને કડક સૂચના આપીને આશુતોષ શર્મા (61 રન, 28 બૉલ, સાત સિક્સર, બે ફોર)ની મોસ્ટ-પ્રાઇઝ્ડ વિકેટ લીધી, આક્રમક કૅપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન્સને અગત્યનો વિજય અપાવ્યો અને છેલ્લે બે પૉઇન્ટ મેળવ્યા. આ બધુ તો મળ્યું, પરંતુ ખુદ હાર્દિકે 12 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા.

પંજાબના મિડલ-ઑર્ડરના અને પૂછડિયા બૅટર્સે જીવ અધ્ધર કરી દેતી બૅટિંગમાં મુંબઈને આસાનીથી ન જીતવા દીધું અને છેલ્લે નવ રનથી મુંબઈએ વિજય મેળવ્યો ત્યાર બાદ મૅચ-રેફરીએ જે ગણતરી કરી એ મુજબ મુંબઈની ટીમે નિર્ધારિત સમયની અંદર ઓવર પૂરી નહોતી કરી એટલે કૅપ્ટન હોવા બદલ હાર્દિકને સ્લો ઓવર-રેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ કરાયો છે.

બીસીસીઆઇની અખબારી યાદીમાં જણાવાયા મુજબ આ સીઝનમાં મુંબઈનો સ્લો ઓવર-રેટનો આ પહેલો જ અફેન્સ હતો એટલે કૅપ્ટનને ફક્ત 12 લાખ રૂપિયાનો દંડ કરાયો છે.

આપણ વાંચો: ન્યૂ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરે હાર્દિક પંડ્યા વિશે ગંભીર શંકા વ્યક્ત કરી

આ સીઝનમાં હાર્દિકની પહેલાં કોલકાતાના કૅપ્ટન શ્રેયસ ઐયરને રાજસ્થાન સામેની મૅચ બાદ 12 લાખ રૂપિયાનો દંડ કરાયો હતો. દિલ્હીની ટીમે ચેન્નઈ સામેની મૅચમાં નિર્ધારિત સમયમાં ઓવર પૂરતી ન કરી શકવા બદલ કૅપ્ટન રિષભ પંતને 12 લાખ રૂપિયાનો દંડ કરાયો હતો.

ત્યાર બાદ દિલ્હીએ કોલકાતા સામે એક તો 106 રનથી કારમો પરાજય સહન કરવો પડ્યો એમાં વળી દિલ્હીની ટીમનો સ્લો ઓવર-રેટનો બીજો અફેન્સ હતો એટલે એના કૅપ્ટન પંતને 24 લાખ રૂપિયાનો દંડ કરાયો હતો. એ ઉપરાંત, બીજો અફેન્સ હોવા બદલ દિલ્હીના બાકીના ખેલાડીઓને (છ લાખ રૂપિયા અથવા મૅચ ફીના પચીસ ટકા, બેમાંથી જે ઓછા હોય એ) પણ દંડ થયો હતો.

હાર્દિક, શ્રેયસ, પંત ઉપરાંત રાજસ્થાનના કૅપ્ટન સંજુ સૅમસને અને ગુજરાતના સુકાની શુભમન ગિલે પણ પ્રથમ અફેન્સ બદલ 12 લાખ રૂપિયા ભરવા પડ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button