એલર્ટઃ સમૃદ્ધિ એક્સપ્રેસવે કોરિડોરમાં ચાલી રહી છે લૂંટ, જાણો કઈ રીતે?
મુંબઈ: સમૃદ્ધિ એક્સપ્રેસને ખુલ્લો મુકાયા બાદ સતત જીવલેણ અકસ્માતને કારણે આ એક્સપ્રેસ વે હંમેશાં ચર્ચામાં રહ્યો છે. જોકે હવે આ માર્ગ પર હવે વાઈટ કોલર લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. તગડો ટોલ ટેક્સ ચૂકવ્યા બાદ વાહનચાલકોએ અહીંના પેટ્રોલપમ્પો પર એકસ્ટ્રા પ્રીમિયમ કે પછી પાવર પેટ્રોલના નામે પોતાનાં ખિસ્સાં હળવાં કરવાં પડે છે.
સમૃદ્ધિ કોરિડોરમાં સામાન્ય કરતાં પ્રીમિયમ પેટ્રોલ વેચવામાં આવી રહ્યું છે જે મોંઘું હોય છે. આ જ કારણ છે કે આ માર્ગ પર વાહનોની સંખ્યા હવે ઓછી થઇ ગઇ છે. જો આવી ઉઘાડી લૂંટ ચાલુ જ રહેશે તો આંદોલન છેડવામાં આવશે, એવી ધમકી ઉદ્ધવ ઠાકરે શિવસેનાના નેતાએ આપી છે.
મુંબઈ અને નાગપુરનું અંતર ભલે સમૃદ્ધિ એક્સપ્રેસ વેને કારણે ઘટી ગયું હોય, પણ અહીં મળી રહેલી અપૂરતી સુવિધાને કારણે વાહનચાલકોને પરેશાન કરી દીધા છે. આ અપૂરતી સુવિધામાં પેટ્રોલપમ્પોનો પણ સમાવેશ થાય છે.
701 કિમીના આ એક્સપ્રેસ હાઈવેમાં 600 કિમીનો હિસ્સો ઈગતપુરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે. એવામાં વાહનચાલકોને વચ્ચે પેટ્રોલની જરૂર રહેતી હોય છે. આ જ વાતનો ફાયદો પેટ્રોલપમ્પો પર ઉઠાવવામાં આવી રહ્યો છે.
વાહનના પહોંચતાં જ એવું કહેવાઇ રહ્યું છે કે એકસ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલ જ ઉપલબ્ધ છે. નોર્મલ પેટ્રોલ જોઇતું હોય તો આગળ જોઇ લો. વાહનચાલકો સાથે થતી આવી ઉઘાડી લૂંટ સામે નતમસ્તક થવા સિવાય કોઇ વિકલ્પ જ નથી રહેતો.