સલમાનના ઘર બહાર ફાયરિંગઃ આરોપીઓની માતાનો બચાવ, દીકરા કમાવવા મુંબઈ ગયા હતા…
મુંબઈ: અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનાર લોરેન્સ બિશ્નોઈ ગેન્ગના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પોલીસ રિમાન્ડમાં પણ મોકલવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને પોલીસે તપાસ આગળ વધારી શૂટર સાગર પાલના ભાઈ સોનુ પાલથી પૂછપરછ શરૂ કરી. ઘટના દરમિયાન સોનુ તેના ભાઈ સાગર સાથે ફોન પર વાત કરી રહ્યો હતો તેમ જ સોનુ સાથે બીજા એક આરોપીની પણ પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટનાના બંને મુખ્ય આરોપીઓના પરિવાર તેઓ નિર્દોષ છે એવું કહી રહ્યા છે.
સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનાર આરોપીઓ પશ્ચિમ ચંપારણના મસહી ગામના રહેવાસી હતા. આરોપી શૂટર વિક્કી ગુપ્તાની માતા સુનિતા દેવીએ કહ્યું હતું કે હોળીના ચાર દિવસ પહેલા વિક્કી ગુપ્તા અને સાગર પાલ મુંબઈ ગયા હતા. તેઓ ત્યાં શું કરતાં હતા તે અમને નથી ખબર.
સમાચારમાં જોયું કે સલમાન ખાનના ઘરની બહાર થયેલા ગોળીબારમાં મારા દીકરાનું નામ હતું. મને આ સાંભળીને વિશ્વાસ નહીં થયો કે તે આવું કરી શકે છે. વિક્કીના લગ્ન થઈ ગયા છે અને તે નોકરી માટે મુંબઈ ગયો હતો. પોલીસે આ મામલાની તપાસ કરવી જોઈએ અને મારો દીકરો કદાચ નિર્દોષ હોય.
આરોપી સાગર પાલની માતા રંભા દેવીએ પણ તેમનો દીકરો નિર્દોષ હોવાનું કહ્યું હતું, તેમ જ તેના પિતા યોગેન્દ્ર રાઉતે કહ્યું હતું કે મારો દીકરો મુંબઈ કમાવવા માટે ગયો હતો તે આવું કઈ કરી જ ના શકે તેને ફસાવવામાં આવી રહ્યો છે. આ મામલાની વધુ તપાસ થવી જોઈએ અને તેમાં કોઈ ગેરસમજ થઈ હશે. એવું એક માં નું હૃદય કહી રહ્યું છે.
વિક્કી અને સાગર આરોપી હોવાની જાણ થતાં તેમના ગામના લોકો પણ ચોંકી ગયા હતા. આ મામલે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે બૉલીવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનાર આરોપીઓ ચંપારણ જિલ્લાના રહેવાસી છે અને તેઓ થોડા સમય પહેલા મુંબઈ આવ્યા હતા. આ મામલે હવે તેમના પરિવારના સભ્યોની પૂછપરછ ચાલી રહી છે.