લોકસભા ચૂંટણીઃ બારામતીમાં નણંદ VS ભાભી, બંનેએ ઉમેદવારી નોંધાવી
સુનેત્રા પવારે ઉમેદવારી નોંધાવતા સીએમ, ડેસીએમ ઉપસ્થિત રહ્યાં
પુણે: લોકસભામાં ત્રણ મુદત માટે સંસદ સભ્ય રહેલા સુપ્રિયા સુળે તેમ જ તેમના ભાભી સુનેત્રા પવારએ ગુરુવારે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતી લોકસભા મતદાર સંઘમાં ઉમેદવારી નોંધાવી હતી. અજિત પવારના પત્ની સુનેત્રા પવારે આજે ઉમેદવારી નોંધાવી ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે પણ ઉપસ્થિત રહ્યા હતા.
શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળેને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ – એનસીપી (એસપી)ની ઉમેદવારી મળી છે જ્યારે તેમના ભાભી અને અજિત પવારના પત્ની સુનેત્રા પવારને એનસીપીની ઉમેદવારી મળી છે.
આ પણ વાંચો : દક્ષિણ ગોવાની સીટ પરથી ભાજપની મહિલા ઉમેદવારે જાહેર કરી રૂ.1400 કરોડની સંપત્તી
સુનેત્રા પવારના ઉમેદવારીપત્રકમાં કોઈ વાંધાવચકા ઉપસ્થિત થાય અને એ અયોગ્ય ઠરે તો સાવચેતીના પગલાં તરીકે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સુધ્ધાં એ બેઠક પર ઉમેદવારીપત્રક ભર્યું છે. પવારના મતવિસ્તાર તરીકે પ્રખ્યાત બારામતીમાં સાતમી મેના દિવસે ચૂંટણી થવાની છે.
ઉમેદવારીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘બારામતીની પુત્રવધૂ દિલ્હી જશે અને નવો ઇતિહાસ રચાશે.’ અભિનેતામાંથી રાજકારણી બનેલા એનસીપી (એસપી)ના ઉમેદવાર અમોલ કોલ્હેએ પણ પુણે જિલ્લાના શિરુર મતદાર સંઘમાં ઉમેદવારી નોંધાવી હતી.
અહીં એ જણાવવાનું કે મહારાષ્ટ્રમાં પહેલી વખત પવાર પરિવારમાંથી બે સભ્ય તેમની આમનેસામને ચૂંટણી લડશે. 13મીના બારમતીની બેઠક પર ચોથા તબક્કાના ભાગરુપે ચૂંટણી યોજવામાં આવશે, જ્યારે તેનું પરિણામ ચોથી જૂનના આવશે.