નેશનલ

શ્રીનગરની ઝેલમમાં નૌકા ડૂબી: છની જળસમાધી

આઠ ઘાયલ, ૧૦ લાપતા

બચાવ કામગીરી:શ્રીનગરની સીમાડે આવેલી ઝેલમ નદીમાં ડૂબી ગયેલી હોડીમાંના લોકોને ઉગારવા ચાલતી બચાવ કામગીરી. (પીટીઆઇ)

સુરેશ એસ. ડુગ્ગર

જમ્મુ : મંગળવારે સવારે બટવારા શ્રીનગરની પાસે ઝેલમ નદીમાં એક નૌકા ડૂબી જતાં સગીર વયના પાંચ વિદ્યાર્થી ડૂબી ગયા હતા અને છ જણને બચાવી લેવાયા હતા, જ્યારે ૧૦ જણ લાપતા છે. શ્રીનગરના ગંડાબલ વિસ્તારમાં બનેલી હૃદયદ્રાવક ઘટના બાદ પાંચ જણના ખુલ્લા મેદાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે હાજર હજારો લોકોની
આંખો ભીની થઈ ગઈ હતી અને શોકનો માતમ છવાઈ ગયો હતો. ઘટના પછી બટવારા મોહલ્લામાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં પુલ ન હોવાને લીધે આ દુર્ઘટના થઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે અમને પુલ બાંધવાનું વચન આપવામાં આવ્યું હુતં, પરંતુ એ હજી બંધાયો નથી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી નૌકા ઊંધી વળી ગઈ જેનાથી સગીર વયના પાંચ બાળકો અને નાવિકનું મરણ થયું હતું. બચાવ દળે છ વિદ્યાર્થીને બચાવી લીધા હતા. આ સમાચાર મળતાં એસડીઆરએફ, એનડીઆરએફ અને સ્થાનિક પોલીસે બચાવ કામગીરી શરૂ કરી હતી. ૧૨ જણને શોધીને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં છ જણને મૃત જાહેર કરાયા હતા. બીજા છને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

પરિસ્થિતિની સમીક્ષા કરવા જમ્મુ અને કાશ્મીરની પોલીસના ટોચના અધિકારીઓ અને નાગરિક પ્રશાસન અધિકારીઓ ઘટનાસ્થળે પર્હોંચી ગયા હતા. બચાવ અભિયાન હજી ચાલુ છે કારણ કે અન્ય દસ જેટલા વિદ્યાર્થીઓની ભાળ હજી મળી નથી. અધિકારીઓનું કહેવું છે કે આ દસને બચાવવા શોધ ચાલુ છે. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે આ ઘટનાની જાણ થઈને મને અપાર દુ:ખ થયું છે. મારી સંવેદના સંતપ્ત પરિવારની સાથે છે. હું ઈશ્ર્વરને પ્રાર્થના કરું છું કે તેમને વણપુરાયેલી ખોટ સહન કરવાની શક્તિ આપે. એસડીઆરએફની ટીમ, લશ્કર અને અન્ય એજન્સી રાહત અને બચાવ કામ કરી રહી છે. ઈજાગ્રસ્તોને ઉત્તમ સારવાર અપાય. હું ચાંપતી નજર રાખીને બચાવ ટીમને માર્ગદર્શન આપી રહ્યો છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button