આમચી મુંબઈ

સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર આરોપીઓ ભુજમાં ઝડપાયા

શૂટરોએ પિસ્તોલ સુરત પાસેની નદીમાં ફેંક્યાનો દાવો: આરોપીને નવ દિવસની પોલીસ કસ્ટડી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબાર કરી ફરાર થઈ ગયેલા બન્ને શૂટરને મુંબઈ પોલીસે ભુજની લોકલ ક્રાઈમ બ્રાન્ચની મદદથી ભુજના એક મંદિર પરિસરમાંથી પકડી પાડ્યા હતા. ગોળીબારમાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ સુરત પાસેની નદીમાં ફેંકી હોવાનો દાવો આરોપીએ કર્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૯ના અધિકારીઓએ પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ વિકી કુમાર સાહેબસાહ ગુપ્તા (૨૫) અને સાગર કુમાર જોગેન્દર પાલ (૨૧) તરીકે થઈ હતી. કોર્ટે બન્ને આરોપીને ૨૫ એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, એમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

બાન્દ્રા પશ્ર્ચિમના ગૅલેક્સી એપાર્ટમેન્ટ ફરતેના પરિસરમાં આરોપીઓએ ત્રણ વખત રૅકી કરી હતી. રવિવારની વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ ગૅલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઘટના સમયે અભિનેતા સલમાન ખાન પરિવાર સાથે ઘરમાં હાજર હતો.

પોલીસ તપાસમાં જણાયું હતું કે બન્ને શૂટર બાઈક પર આવ્યા હતા. આરોપી વિકી બાઈક ચલાવી રહ્યો હતો, જ્યારે પાલ પાછળ બેઠો હતો. પાલે પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ફાયર કર્યા હતા, જેમાંથી એક ગોળી સલમાનના ફ્લૅટની બાલ્કની તરફ ફાયર કરાઈ હતી, જ્યારે એક ગોળી ઈમારતની દીવાલમાં વાગી હતી.

આ પ્રકરણે બાન્દ્રા પોલીસે ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી. ગોળીબાર પછી બન્ને આરોપી કચ્છ-ભુજ ગયા હોવાની માહિતી પોલીસને મળી હતી. તાત્કાલિક ભુજ પોલીસને આ બાબતે જાણ કરાઈ હતી. ભુજ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી માતાના મઢ મંદિર પરિસરમાંથી બન્નેને તાબામાં લઈ મુંબઈ પોલીસને સોંપ્યા હતા.

જૉઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) લખમી ગૌતમે જણાવ્યું હતું કે બન્ને આરોપીને ફ્લાઈટમાં મંગળવારની સવારે મુંબઈ લાવવામાં આવ્યા હતા. પૂછપરછમાં આરોપીએ દાવો કર્યો હતો કે ગુનામાં વપરાયેલી પિસ્તોલ તેમણે સુરત પાસેની નદીમાં ફેંકી હતી.

બિહારના વતની બન્ને શૂટર ગોળીબાર પછી ભુજ શા માટે ગયા તેની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસને શંકા છે કે બિશ્ર્નોઈ ગૅન્ગના ભુજના સૂત્રધારે આ બન્ને શૂટરને સલમાનના ઘર બહાર ગોળીબારનું કામ સોંપ્યું હશે.

આ કેસમાં પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ લગાવી હતી. આરોપીના વકીલ અજય દુબેએ કોર્ટમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈને નિશાન બનાવાયા નથી કે કોઈને ઇજા થઈ ન હોવાથી હત્યાના પ્રયાસની કલમ લાગુ કરી શકાય નહીં. આરોપી ક્યારેય ઘટનાસ્થળે ગયા નથી. તેમને ખોટી રીતે આ કેસમાં સંડોવવામાં આવી રહ્યા છે.

શુું શૂટરો પોતાને પકડાવવા માગતા હતા?
સલમાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવા પ્રકરણે ધરપકડ કરાયેલા બન્ને આરોપી ગુપ્તા અને પાલ પ્રોફેશનલ શૂટર હોવા છતાં તેમણે અનેક ભૂલો કરી હોવાનું પ્રથમદર્શી જણાયું હતું. જોકે બિશ્ર્નોઈ ગૅન્ગની ધાક જમાવવા માટે શૂટરો પોતાને પકડાવવા માગતા હોય તેમ જાણીજોઈને કેટલાક પુરાવા છોડી ગયા હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે.

પોલીસ તપાસમાં જણાયું હતું કે ગોેળીબાર પછી આરોપીઓએ ગુનામાં વપરાયેલી બાઈક સલમાનના ઘરથી થોડે જ અંતરે માઉન્ટ મૅરી ચર્ચ નજીક છોડી દીધી હતી. બાઈકના રજિસ્ટ્રેશનના નંબરને આધારે પોલીસ પનવેલમાં રહેતા બાઈકના મૂળ માલિક સુધી પહોંચી હતી. બાઈક પચીસ હજાર રૂપિયામાં એક શખસને વેચવામાં આવી હોવાનું માલિકે કહ્યું હતું. એ શખસ હરિગ્રામ પરિસરમાં રહેતો હોવાની માહિતી પણ પોલીસને
આપવામાં આવી હતી.

પનવેલમાં સલમાનના ફાર્મ હાઉસ નજીક હરિગ્રામ પરિસરમાં શૂટરોએ મહિને સાડાત્રણ હજાર રૂપિયે રૂમ ભાડે લીધી હતી. રૂમ માટે ૧૧ મહિનાનું એગ્રિમેન્ટ કરી ૧૦ હજાર રૂપિયા ડિપોઝિટ પણ આપી હતી. છેલ્લા ૨૧ દિવસથી શૂટરો આ રૂમમાં રહેતા હતા. રૂમ ભાડે લેતી વખતે આરોપીઓએ પોતાના ઑરિજિનલ આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો આપ્યા હતા. એ સિવાય ગોળીબાર પછી ફરાર થયેલા આરોપીઓએ પોતાના મોબાઈલ ફોન ઑન જ રાખ્યા હતા.

એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ગુનો આચરતાં પહેલાં શૂટરો દ્વારા ઘણી તકેદારી રાખવામાં આવતી હોય છે, જેથી કાવતરાને અંજામ આપ્યા પછી પોલીસ તેમના સુધી પહોંચી ન શકે. જોકે આ કેસમાં શૂટરોની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાય છે. બાઈક સલમાનના ઘર નજીક છોડી દીધી. વળી, બાઈક ખરીદવા આરોપી સામેથી બાઈક માલિક પાસે ગયા. રૂમ ભાડેથી લેતી વખતે પોતાના ઑરિજિનલ દસ્તાવેજોની નકલ આપી. સામાન્ય રીતે આરોપી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરતા હોય છે. ફરાર થતી વખતે આરોપીએ મોબાઈલ સ્વિચ ઑફ્ફ પણ ના કર્યો. મોબાઈલ ટ્રેસ કરીને પોલીસ આરોપી સુધી પહોંચી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગ રાજસ્થાનમાં ધાક જમાવ્યા પછી મુંબઈમાં પણ પોતાનું વર્ચસ બનાવવા માગે છે. શૂટરો પકડાઈ જવાને કારણે બિશ્ર્નોઈ ગૅન્ગનું નામ ચર્ચામાં આવતાં બોલીવૂડની અન્ય હસ્તીઓમાં ડર ઊભો કરવાનો ઇરાદો ટોળકીનો હોઈ શકે.

અનમોલ બિશ્ર્નોઈ વૉન્ટેડ આરોપી
મુંબઈ: આ કેસમાં મુંબઈ પોલીસે જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્ર્નોઈને ફરાર આરોપી દર્શાવ્યો છે. અનમોલ હાલમાં યુકેમાં હોવાનું કહેવાય છે અને ભારતીય તપાસ એજન્સી તેને ભારત લાવવા પ્રયત્ન કરી રહી છે. સલમાનના ઘર પર ગોળીબારના ગણતરીના કલાકોમાં અનમોલ બિશ્ર્નોઈના ફેસબુક પેજ પર એક મેસેજ પોસ્ટ કરાયો હતો. મેસેજમાં ગોળીબારની જવાબદારી બિશ્ર્નોઈ ગૅન્ગે સ્વીકારી સલમાન માટે ધમકી પણ ઉચ્ચારી હતી. પરિણામે કાવતરામાં અનમોલની સંડોવણી હોવાની ખાતરી થતાં તેને પણ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે. બીજી બાજુ, પનવેલમાં ૨૧ દિવસ રહેલા બન્ને શૂટરોને સૂચના આપવા માટે કોણ મળવા આવ્યું હતું તેની તપાસ પોલીસ કરી રહી છે. આરોપીએ આ રીતે અન્ય કોઈને ધમકી આપી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

શિંદે સલમાનના ઘરની મુલાકાતે
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે અભિનેતા સલમાન ખાનના વાંદરા સ્થિત ઘરની મુલાકાત લીધી હતી. સલમાનના ઘરની સામે કરવામાં આવેલા ગોળીબારના મામલે બે જણની ધરપકડ કરવામાં આવ્યા બાદ સુરક્ષાની ખાતરી શિંદેએ આપી હતી. સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં શિંદેએ જણાવ્યું હતું કે ગોળીબારની ઘટના સાથે સંકળાયેલા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે. સલમાન અને તેના પરિવારની સુરક્ષા વધારવા માટે મુંબઈ પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી હોવાનું પણ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. રવિવારે કરવામાં આવેલા ગોળીબાર પછી નાસતા ફરતા બે જણ વિકી ગુપ્તા (૨૪) અને સાગર પાલ (૨૧)ને સોમવારે મોડી રાત્રે ગુજરાતના કચ્છ જિલ્લાના મંદિરના પરિસરમાંથી પકડી પાડવામાં આવ્યા હતા.(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button