રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચમાં બોલિવૂડના કેટલાક સિતારાઓએ પણ હાજરી આપી હતી અને આ દિલધડક મેચની મજા માણી હતી. આવા બોલિવૂડ સિતારાઓમાં નેહા ધૂપિયાનો પણ સમાવેશ થતો હતો. નેહા સાથે તેના પતિ આંગદ બેદી અને જ્હોન અબ્રાહમ ઉપરાંત કરીના કપૂર ખાન પણ હતા. ચારે જણા સ્ટેડિયમમાં બેસીને મેચની મઝા માણી હતી.
મેચ દરમિયાન નેહા ધુપિયાએ પોતાની અલગ જ હાઇલાઇટ્સ શેર કરી હતી. જેમાં નેહા મહેન્દ્ર સિંહ ધોનીએ મારેલી સિક્સરથી ઉત્સાહિત થયેલી જોવા મળે છે. ચારેયે પછી સાથે પણ પોઝ આપ્યા હતા.
મેચની વાત કરીએ તો 42 વર્ષના ધોનીએ 20મી ઓવરમાં રમતમાં આવીને અજબ ગેમ દર્શાવી હતી. રવિવારે ભરચક વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાની બોલિંગમાં ધોનીએ સિક્સરની હેટટ્રિક ફટકારી દીધી હતી, જેને કારણે CSK 200 રનનો આંકડો પાર કરી શકી હતી. CSKની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ સામે 20 રનથી જીત મેળવી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નેહા પાસે તેનો ચેટ શો ‘નો ફિલ્ટર નેહા’ છે. આ શઓના એક એપિસોડમાં કરિના કપૂર ખાન પણ જોવા મળી હતી. નેહા પાસે વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી સાથે ‘થેરાપી શેરાપી’ અને ‘બેડ ન્યૂઝ’ નામનો OTT શો પણ છે. તેની પાસે ‘બ્લુ 52’ નામની આંતરરાષ્ટ્રીય ફિલ્મ પણ છે.
કરિના કપૂર ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં તબ્બુ અને કૃતિ સેનન સાથે ‘ક્રુ’માં જોવા મળી હતી. તેની પાસે રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’ પણ છે જેમાં અજય દેવગણ, દીપિકા પાદુકોણ, અક્ષય કુમાર, રણવીર સિંહ અને ટાઈગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં છે. કરીના હંસલ મહેતા દ્વારા નિર્દેશિત ‘ધ બકિંગહામ મર્ડર્સ’માં પણ જોવા મળશે.