ઉત્સવ

ખાખી મની-૨૪

‘સતનામ પંજાબી ફૂડ નહીં, કેનેડા કે શીખોં કો ખાલિસ્તાની મૂવમેન્ટ કા ગાજર દિખા કે ગાજર કા ત્રાસવાદી હલવા ખીલા રહા હૈ’

અનિલ રાવલ

પંજાબના અંતરિયાળ વિસ્તારમાં એક ગોદામમાંથી શસ્ત્રોનો જથ્થો પકડ્યા પછી અને ખાસ કરીને ગુરચરનસિંઘને જીવતો પકડવામાં નિષ્ફળ ગયા બાદ રોના ચીફ આક્રમક મિજાજમાં આવીને ખેડૂત આંદોલનમાં જોડાયેલા ખાલિસ્તાની ત્રાસવાદીઓને પંજાબના ખૂણેખાંચરેથી શોધી શોધીને ચૂપચાપ ખતમ કરવા માડ્યા હતા. જેનો ઘેરો પડઘો કેનેડામાં પડ્યો. બબ્બર, સરદાર સંધુ, ગુરચરનસિંઘ તેમજ અન્ય સંખ્યાબંધ મોટાં માથાઓને હણાતા જોઇને કેનેડામાં શીખોમાં ફફડાટ પેસી ગયો. તેઓને કેનેડામાં અસલામતી લાગવા માંડી. કઇ ઘડીએ ક્યાંથી ગોળી છૂટશે અને પોતે વિંધાઇ જશે એના ભયને લીધે તેઓ ગુરુદ્વારામાં જતાય ડરવા લાગ્યા. જોકે સતિન્દર અને તજિન્દરને બમણું ઝનૂન ચડ્યું હતું. એમની વિચારધારામાં ખાલિસ્તાની ચળવળ વણાઇ ગઇ હતી. આમેય જેના લોહીમાં ત્રાસવાદી વિચારધારાનું લોહી વહેવા લાગે એમને મોતનો ભય હોતો નથી. આવા લોકો પોતાની કે પોતાના માણસોની હત્યાને શહીદીમાં ખપાવી દઇને ત્રાસવાદી આગમાં ઘી હોમ્યા કરે છે.

થોડા સમાન વિચારધારાવાળા અને અલગાવવાદી લપેટમાં આવી ગયેલા ખાલિસ્તાનીઓ ચડતા સૂરજના સમયે ગુરુદ્વારામાં ગ્રંથી તજિન્દરસિંહની નિશ્રામાં મળ્યા. શહીદોને અંજલિ આપી. એમના સગાઓને હિંમત આપી ને બદલામાં ખાલિસ્તાની ઝંડો ઊંચકી રાખવાની ખાતરી માગી. બહાર ન સંભળાય એ રીતે ‘સત શ્રીઅકાલ…જો બોલે સો નિહાલ’ના નારા લગાવ્યા. બધા એક પછી એક લપાતા છુપાતા….કોઇની નજરે ન ચડે એ રીતે નીકળી ગયા બાદ સતિન્દર અને તજિન્દર બેઠા રહ્યા.

‘ભાઇ સાહબ, હમારે બહુત સારે લોગોં કી જાનેં ગઇ હૈ. લેકિન હમ ચૂપ નહીં બેઠેંગે. ટોડીસિંઘ તૈયાર હૈ. વો ગુરચરનસિંઘ કી જગહ સંભાલ લેગા’ સતિન્દર થોડા મૌન પછી બોલ્યો.

‘થોડા સબર કરતે હૈ. યહાં ઔર વહાં કા માહૌલ ઠીક નહીં હૈ.’ તજિન્દરે કહ્યું.

‘જી ભાઇ સાહબ.’ સતિન્દર પગે લાગીને નીકળી ગયો.


લીલા પટેલ પતિ સતિન્દરની અસલિયત જાણ્યા બાદ લીચી પાસે હૈયું ઠાલવી તો દીધું, પણ પછી દીકરીને દુ:ખી કરવા બદલ એને પસ્તાવો થવા લાગ્યો. લીચી ઘરે આવીને શાંત રહેવા લાગી. મા સાથે ખપ પૂરતી વાત કરવા લાગી. મા પૂછે તો કાંઇ નથી એવો ટૂંકો જવાબ આપે. માળિયા પર મૂકેલા પૈસા બાબતે એક વાર પૂછ્યું તો લીચી ચીડાઇ ગઇ.

‘મા, તું આવી બધી નાહકની ચિંતા છોડીને ટીવી જોયા કરને.’

લીચીની આવા વેણે એને ઢીલી કરી નાખી. કેનેડામાં બેઠેલા ત્રાસવાદી પતિની અસલિયત એણે ટીવીમાં જ જોઇ હતી. એને લાગ્યું કે લીચી સામે ભૂતકાળની ડાયરીના પીળા પાનાં વાંચવાની મહા ભૂલ કરી બેઠી. ભૂતકાળના કાળા ઓછાયાએ અમારી વચ્ચેનો સંબંધ બગાડી નાખ્યો…બાપ પ્રત્યે નફરત અને પોતાના પ્રતિ ઘૃણા પેદા કરી. માની અકળામણ વધી ગઇ, પણ એને ક્યાં ખબર હતી કે લીચીને બાપની અસલિયતથી વધારે તકલીફ પોતાની તરફ લંબાઇ રહેલા અદ્રષ્ય પંજા આપી રહ્યા હતા.


ગ્રંથી હરપાલસિંઘની વાત સાંભળીને જગ્ગીનું દિમાગ હટી ગયું હતું. જગ્ગી એ જ ઘડીએ ઉદયસિંહ અને લીચીને બોલાવીને ફેંસલો કરી નાખવાના મૂડમાં હતો, પણ ગ્રંથી સાહેબની સલાહથી થોડો શાંત થયો હતો. ગ્રંથી સાહેબની વાતથી એને પાકી ખાતરી થઇ ગઇ કે લીચી અને ઉદયસિંહ જે બે કરોડ આપી ગયા એ રકમ વીસ કરોડમાંથી જ ચૂકવી હોવી જોઇએ. વીસ કરોડ શોધી આપવાનું કહ્યા પછી પણ એમણે કાંઇ કર્યું નથી…બંને આ બાજુ ફરક્યા નથી કે નથી ફોન કર્યો. સટકેલા મગજધારી જગ્ગીએ ઉદયસિંહને ફોન કર્યો.

‘ઉદયસિંહ, બે કરોડ ચુકવી દીધા એટલે મામલો પૂરો નથી થઇ ગયો. તમારે મારી બેગ શોધી આપવાનું કામ હજી બાકી છે. કારની ઘટના તારી પોલીસ ચોકીની આસપાસ બની છે. હવે ચૂપચાપ મને બેગ આપી દો….નહીંતર ઉદય તારો અસ્ત થઇ જશે અને લીચીને ફરી ઝાડ પર લટકાવી દઇશ.’

‘જગ્ગીભાઇ, માતાજીના સમ ખાઇને કહું છું. અમને બેગની કાંઇ ખબર નથી.’ ઉદયસિંહ કરગરવા લાગ્યો.

‘બસરાએ ઝેર ખાઇ લીધું ત્યારે સાદા ડ્રેસમાં અમદાવાદ એના ઘરે ખરખરો કરવા તમે જ ગયાં હતાને.’ સાંભળીને ઉદયસિંહના ગળેથી થૂંક ઊતરતું અટકી ગયું.

‘કોણ બસરા. અમે કોઇ બસરાને ઓળખતા નથી.’ એણે કહ્યું.

‘દેખ ઉદય, મેરા જગ્ગી દા ઢાબા હી નહીં જગ્ગી દા અડ્ડા ભી હૈ. બેગ દે કર જાના…વરના તૂમ દોનોં કો ઉઠા લુંગા.’ જગ્ગીએ ફોન કાપી નાખ્યો…સામે છેડે ઉદયસિંહની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઇ ગઇ. એણે તરત જ લીચીને ફોન લગાવ્યો.

‘લીચી, જગ્ગીને બેગની ખબર પડી ગઇ છે. એણે સીધી ધમકી આપી છે કે બેગ દે કર જાના.’

‘અચ્છા.?’ લીચી બોલી. ‘સર, તમે એક કામ કરો. થોડા ડ્રગ્સનો બંદોબસ્ત કરો.’

‘અરે આ શું મજાક માંડી છે લીચી.’ ઉદયસિંહનું મગજ ગયું.

‘મજાક નથી સર. જગ્ગીથી પીછો છોડાવવો છેને.’

‘એમાં ડ્રગ્સ કે દિમાગ કાંઇ કામ નહીં આવે….ભાંડો ફુટી ગયો છે ને તૂં જગ્ગીને સારી રીતે ઓળખે છે.’

‘આમાં દિમાગ નહીં ડ્રગ્સની જરૂર પડશે.’

‘શું કરવું છે તારે.’

‘ડ્રગ્સ એના ઢાબામાં મૂકી આવીને એને પકડાવી દેવો છે…ભાંડો આપણો નહીં એનો ફોડી ફુટી જશે.’

‘એ કામ એટલું આસાન નથી અને ડ્રગ્સ ક્યાંથી લાવીશું અને એના પૈસા ક્યાંથી ચુકવીશું.?’

‘ડ્રગ્સનો ધંધો તમે જાણો છો અને પૈસા બેગમાંથી આપી દેશું.’ લીચીએ રસ્તો બતાવ્યો.

‘લીચી, તું મોતને નોતરે છે.’

‘ના સર, હું મોતના કૂવામાંથી બહાર નીકળવાનો માર્ગ કાઢું છું. પહેલાં રસ્તોગીનું કામ પતાવો ને પછી જગ્ગીનો ખેલ ખતમ કરો.’
‘લીચી, તારી રમતમાં હા પાડીને મેં ભૂલ કરી.’ ઉદયસિંહે મોબાઇલ પોતાના માથા પર પટક્યો.


એક દિવસ અચાનક પઠાનકોટના એક ઘરની બહાર એક કાર આવીને ઊભી રહી. ઉતાવળે બહાર આવીને ડ્રાઇવરે દરવાજો ખોલ્યો. એમાંથી કાળા ગોગલ્સ પહેરેલી એક જાજરમાન યુવતી ઊતરી. કારની બીજી બાજુએથી જાતે જ દરવાજો ખોલીને રોના ચીફ બલદેવરાજ ચૌધરી બહાર આવ્યા.

વિશાળ ઘરની ડેલીનો દરવાજો ખખડાવતા પહેલાં બલદેવરાજે કહ્યું: શબનમ, ઝરા આરામ સે..’

‘જી સર.’ કહીને એણે ડેલીની સાંકળ ખખડાવી. દરવાજો ખુલ્યો.

‘યહ સતનામસિંઘ કા ઘર હૈ.?’ શબનમે પૂછ્યું.

‘હાંજી આપ કૌન.?’ જૈફ વયે પહોંચેલી એક બાઇએ પૂછ્યું.

‘આપ બતાઇયે આપ કૌન હો?’ શબનમે સામો સવાલો કર્યો.

‘મૈં ઉનકી વાઇફ ગુલરીન હું જી.’ સાંભળીને શબનમે દરવાજાને હડસેલ્યો.

‘હમેં આપ સે હી કામ હૈ’ એ અંદર પ્રવેશી. એની પાછળ બલદેવરાજ ગયા.

‘ઓય મેડમ…કૌન હો આપ લોગ…ક્યા કામ હૈ? અપના નામઠામ તો બતાઓ…એસે કહાં ઘૂસે આયે.’ ગુલરીન બોલી.

‘બાઇજી, હમ ઇન્ટેલિજન્સ એજન્સી સે હૈ….આપ સે કૂછ પૂછતાછ કરની હૈ.’ બલદેવરાજે સલૂકાઇથી વાત કરી. ઇન્ટેલિજન્સ એજન્સી શબ્દ કાને પડતા ગુલરીન થોડી ઠંડી પડી.

‘આઇએ….અંદર આઇએ..’ એણે ટાઢા શબ્દોમાં આવકારો આપ્યો.

‘આપ કા હસબન્ડ સતનામસિંઘ કહાં હૈ.?’ શબનમે બેસતાની સાથે પૂછ્યું.

‘કનેડા મેં’ ટૂંકો જવાબ મળ્યો.

‘ક્યા કરતા હૈ વહાં.?’

‘પંજાબી રેસ્ટોરન્ટ ચલાતે હૈ.’

‘અચ્છા…ક્યા ક્યા ખિલાતે હૈ વો.?’ શબનમના અવાજમાં વ્યંગ હતો.

‘સબ કૂછ જો વહાં આસાની સે નહીં મિલતા…તંદૂરી રોટી, સરસોં કા સાગ, શાહી પનીર, છોલે ભટુરે, રબડી…જિલેબી.’ ગુલરીન સંકોચ સાથે બોલવા લાગી.

‘બસ બસ બસ…..મૈં બતાતી હું વો ક્યા ખિલાતા હૈ. ગુલરીન બાઇજી, સતનામ પંજાબી ફૂડ નહીં, કેનેડા કે શીખો કો ગુલ ખીલા રહા હૈ….ખાલિસ્તાની મૂવમેન્ટ કા ગાજર દિખા કે ગાજર કા ત્રાસવાદી હલવા ખીલા રહા હૈ.’ ગુલરીનનો ગુલાબી ઝાંયવાળો ચહેરો પીળો પડી ગયો.

‘કેનેડા મેં ખાલિસ્તાની મૂવમેન્ટ કી નીવ ડાલનેવાલોંમેં સે વો એક હૈ.’ બલદેવરાજે કહ્યું.

‘મૈં ઇસકે બારે મેં કૂછ નહીં જાનતી.’

‘ઇતને સાલોં મૈં આપ કેનેડા ક્યું નહીં ગઇ. સતનામને બુલાયા નહીં યા કોઇ ઓર કારન હૈ?’ બલદેવરાજે પૂછ્યું.

‘સતનામને વહાં કિસી મુસ્લિમ ઔરત કે સાથ શાદી કર લી હૈ. સચ હૈના?’ ગુલરીન બોલી.

‘રેકોર્ડ બતા રહા હૈ કી આપને કોશિશ તો બહુત કિ લેકિન…વીઝા રિજેક્ટ હોતા રહા. ક્યું જાના ચાહતી થી આપ કેનેડા.?’ શબનમે પૂછ્યું.

‘ઉસ ચુડેલ સે બદલા લેને. ઉસકા મૂંહ નોચને..’ ગુલરીનનો ચહેરો હવે લાલ થઇ ગયો.

‘સતનામસિંઘ કેનેડા કૈસે પહોંચા થા યાદ હૈ આપકો.?’ શબનમે પૂછ્યું.

‘નાજી….યાદ નહીં હમેં.’

હમ બતાતે હૈ….એક મ્યુઝિક બેન્ડ મેં કબૂતર બન કે ઘૂસા થા.’ બલદેવરાજે કહ્યું.

‘અચ્છા, એક બાત બતાઓ…યહ કૌન હૈ.?’ શબનમે એક ફોટો કાઢીને બતાવ્યો.

‘સતિન્દર. હમારા ભાંજા.’

‘યહ યે કૌન હૈ.?’ ગુલરીનની સામે બીજી તસવીર મૂકી.

‘તજિન્દર. હમારા બડા ભાંજા. દોનોં ભાઇ હૈ.’

‘મામાજીને દોનોં ભાંજો કો અપને પાસ બુલા લિયા હૈના…ઔર વો દોનોં કબૂતર બન કર ઉડ ગયે. મામાજીને ઉનકો ભી ખાલિસ્તાની રંગ સે રંગ દિયા.’ શબનમે કહ્યું.

‘મેડમજી, યહ તીનોં સલામત તો હૈના.?’ ગુલરીનને કોઇ અમંગળ ઘટનાની શંકા ગઇ.

‘ગભરાઇએ મત….અબતક કૂછ નહીં હુઆ.’

‘સતિન્દર ઔર તજિન્દર કે મા-બાપ કહાં હૈ.?’ બલદેવરાજે પૂછ્યું.

‘સબ યહીં પર હૈ…..લેકિન સતિન્દર કે સાથ રિશ્તા તોડ દિયા હૈ.’

‘ક્યું.?’ શબનમ અને બલદેવરાજ બંનેએ એકી સાથે પૂછ્યું.

‘બરસોં પહેલે ઉનકે મા-બાપને સતિન્દર કો બડૌદા બડે મામાજી હરનામસિંઘજી કે ઘર ભેજ દિયા થા….યહાં વો પઢતા નહીં થા…આવારાગર્દી કરતા ફિરતા થા….બડૌદા મેં સતિન્દરને કોઇ ગુજરાતી લડકી કે સાથ શાદી કર લી..હરનામ મામાજી….સતનામ કે બડે ભૈયા ભડક ગયે….ઉસકો વાપિસ ભેજ દિયા. બેશર્મ સતિન્દર વો લડકી કો લે કર ઘર આયા…મા-બાપને ઘર મેં આને સે ઇન્કાર કર દિયા તો હમને દોનોં કો હમારે ઘરમેં રખા….ફિર સતનામ કનેડા ગયે..ઇસ કે બાદ સતિન્દર ઔર તજિન્દર.’ બલદેવરાજ અને શબનમને ખૂબ જ રસપ્રદ અને મહત્ત્વની માહિતી સાંભળવા મળી.
‘વો ગુજરાતી લડકી કહાં હૈ.?’ શબનમે પૂછ્યું.

‘પતા નહીં…સતિન્દર કે જાને કે બાદ વો ઝ્યાદા દિન યહાં નહીં રહી…એક રાત અચાનક ગાયબ હો ગઇ. ઇતને સાલ ગુઝર ગયે. પતા નહીં વો કહાં હોગી. યહાં સે ગઇ તબ વો પેટ સે થી.’
‘ક્યા નામ થા ઉસ લડકી કા?’ શબનમે પૂછ્યું.

‘લીલા પટેલ.’ ગુલરીન મામીજીએ થોડું યાદ કરીને જવાબ આપ્યો.
(ક્રમશ:)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત