મૅરી કૉમે અચાનક પૅરિસ ઑલિમ્પિક્સ માટેના ભારતીય સંઘના ટોચના સ્થાનેથી રાજીનામું આપી દીધું
નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક્સને ગણતરીના મહિના બાકી છે ત્યારે છ વખત મહિલા બૉક્સિગંમાં વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી એમ. સી. મૅરી કૉમે આ ઑલિમ્પિક ગેમ્સ માટેના ભારતીય સંઘના ઇન્ચાર્જના સ્થાનેથી હટી જઈને ભારતીય ખેલકૂદ ક્ષેત્રે સૌ કોઈને આશ્ર્ચર્યમાં મૂકી દીધા છે.
41 વર્ષની મૅરી કૉમની નિયુક્તિ શેફ દ મિશન તરીકે થઈ હતી. તેણે ભારતીય ઍથ્લેટિક્સનાં લેજન્ડ અને ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશન (આઇઓએ)ના પી. ટી. ઉષાને પત્રમાં લખ્યું છે કે ‘હું અંગત કારણસર પૅરિસ ઑલિમ્પિક્સ માટેના ભારતીય સંઘના શેફ દ મિશનના હોદ્દેથી છૂટી થવા માગું છું. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી એટલે આ નિર્ણય લઈ રહી છું.’
આપણ વાંચો: ઑલિમ્પિક્સના ગોલ્ડ મેડલ વિજેતાને આટલા લાખ રૂપિયાનું રોકડ ઇનામ મળશે
મૅરી કૉમે પત્રમાં વિગતમાં લખ્યું હતું કે ‘દેશ વતી મોખરાના સ્થાને પ્રતિનિધિત્વ કરવું એ બહુ મોટું ગૌરવ કહેવાય. એ માટે હું માનસિક રીતે તૈયાર પણ હતી, પરંતુ ખેદ સાથે કહેવું પડી રહ્યું છે કે હું આ પદ પર નહીં રહી શકું એટલે રાજીનામું આપી રહી છું. હું ક્યારેય કમિટમેન્ટ પૂરું કરવાનું ટાળતી નથી, પણ આ કિસ્સામાં હું શરમ અનુભવી રહી છું. રાજીનામું આપ્યા સિવાય મારી પાસે બીજો કોઈ જ વિકલ્પ નહોતો. હું પૅરિસ ઑલિમ્પિક્સમાં મારા દેશને તેમ જ મારા દેશના ઍથ્લીટોને ચિયર-અપ કરતી રહીશ.’
ફ્રાન્સના પાટનગર પૅરિસમાં 26મી જુલાઈએ ઑલિમ્પિક ગેમ્સ શરૂ થશે. મૅરી કૉમ 2021ની લંડન ઑલિમ્પિક્સમાં બૉક્સિગંનો બ્રૉન્ઝે મેડલ જીતી હતી.
આઇઓએ દ્વારા 21મી માર્ચે મૅરી કૉમની નિયુક્તિ કરી હતી. પી. ટી. ઉષાએ પીટીઆઇને જણાવ્યું, ‘હું મૅરી કૉમના નિર્ણયનું સન્માન કરું છું. થોડા જ દિવસમાં તેના સ્થાને કોની નિયુક્તિ થશે એની જાહેરાત કરાશે.’
પૅરિસ ઑલિમ્પિક્સ માટે ભારતના 40થી પણ વધુ ઍથ્લીટો ક્વૉલિફાય થયા છે. છ વખત વિન્ટર ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂકેલા લ્યૂજ (એક પ્રકારની રમત)ના ભારતીય ચૅમ્પિયન શિવા કેશવનની આઇઓએ દ્વારા ડેપ્યૂટી શેફ દ મિશન તરીકે નિયુક્ત થઈ છે. ટેબલ ટેનિસનો ભારતીય ચૅમ્પિયન શરથ કમલ ઑલિમ્પિક્સમાં ભારતના પુરુષ ઍથ્લીટોની આગેવાની સંભાળશે.