‘ચીને લદ્દાખની 4067 Sqkm જમીન હડપ કરી લીધી’ સુબ્રમણ્યમ સ્વામી પોતાની જ સરકાર વિરુદ્ધ SCમાં જશે
જૂન 2020માં ગલવાન અથડામણ બાદથી ભારત અને ચીનની સરહદ પર સ્થિતિ તણાવપૂર્ણ છે. કોંગ્રેસ સતત આરોપ લગાવી રહી છે કે ચીનનું સૈન્ય ભારતીય સીમામાં ઘૂસીને કબજો જામવી બેઠું છે, આ આરોપોએ કેન્દ્ર સરકાર સતત નકારી રહી છે. ત્યારે હવે બીજેપી નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારને ધમકી આપી છે. તેમણે દાવો કર્યો છે કે ચીને લદ્દાખમાં 4067 ચોરસ કિલોમીટર જમીન હડપ કરી લીધી છે. આ સિવાય તેમણે કહ્યું કે તેઓ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું, લદ્દાખમાં ચીને 4067 ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી લીધા પછી પણ શું મોદી હજુ પણ બૂમો પાડી રહ્યા છે કે કોઈ નથી ઘૂસ્યું? હું બંધારણના અનુચ્છેદ 19 હેઠળ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી રહ્યો છું જેથી કરીને મોદી સરકાર ચીન સમક્ષ મોદીના શરણાગતિ અંગે સત્ય જાહેર કરે.
સોશિયલ મીડિયા પર સુબ્રમણ્યમ સ્વામીની પોસ્ટ બાદ લોકો આ બાબતે ચર્ચા કરી રહ્યા છે. નોંધનીય છે કે કે સુબ્રમણ્યમ સ્વામી છેલ્લા દોઢ વર્ષથી સતત મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે અને ચીનના મુદ્દે મોદી સરકારની ટીકા કરી રહ્યા છે. આ પહેલા પણ સુબ્રમણ્યમ સ્વામીએ નાણા મંત્રાલયના કામકાજને લઈને પોતાની નારાજગી નોંધાવી હતી.
થોડા દિવસો પહેલા રાહુલ ગાંધી પણ લદ્દાખ ગયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ચીન ભારતની જમીન પર કબજો કરી બેઠું છે. રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બીડી મિશ્રાએ સોમવારે કહ્યું કે ચીને ભારતની એક ચોરસ જમીન પર પણ કબજો કર્યો નથી. તેમણે કહ્યું કે ભારતીય સેના કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.