ઔરંગાબાદમાં મહાયુતિનો ઉમેદવાર કોણ?: શિંદે જૂથની આ બેઠક માટે ઉમેદવારની શોધ હજી શરૂ
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી મોટાભાગની બેઠકોની વહેંચણી સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને ગઠબંધન દ્વારા થઇ ગઇ છે. જોકે, અમુક બેઠકોની ફાળવણી મુદ્દે હજી પણ ખેંચતાણ ચાલુ છે તો અમુક બેઠકોની ફાળવણી થઇ ચૂકી હોવા છતાં ઉમેદવાર જાહેર નથી કરાયા. ઔરંગાબાદ એટલે કે છત્રપતિ સંભાજીનગરની બેઠક પર પણ આવી જ સ્થિતિ છે. મહાયુતિમાં આ બેઠક શિંદે જૂથની શિવસેનાના ફાળે આવી છે. જોકે, હજી સુધી અહીં ક્યા ઉમેદવારને ઊભો રાખવો તે નક્કી થઇ શક્યું નથી.
શિંદે જૂથ દ્વારા અહીં ઉમેદવારોના નામ સતત બદલવામાં આવી રહ્યા છે. વિનોદી પાટીલ, સંદીપાન ભુમરે, જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર જંજાળ આ નામોની ચર્ચા છે. જોકે, સત્તાવાર રીતે અહીં ઉમેદવારનું નામ જાહેર કરવામાં ન આવતા અહીં હજી પ્રચારનું નાળિયેર ફૂટી શક્યું નથી. અહીંથી જેનું નામ ચર્ચામાં વધુ છે તે વિનોદ પાટીલનું છે. પાટીલ શિંદે જૂથ વતી મરાઠા અનામત માટે લડ્યા હતા. જેને પગલે ભાજપે તેમના વિરોધી વલણ રાખ્યું હતું. ત્યારબાદ રોજગાર ખાતાના પ્રધાન સંદીપાન ભુમરેનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. એક-બે દિવસમાં તેમના નામની સત્તાવાર જાહેરાત થશે, તેમ પણ કહેવાઇ રહ્યું હતું.
જોકે, પછી તેમના કુટુંબીજનોને લિકર શોપ(દારૂની દુકાન)ના આઠથી નવ લાઇસન્સ આપવામાં આવ્યા હોવાના આરોપો તેમના પર લાગવા લાગ્યા. ત્યારબાદ તેમના નામની ચર્ચા પણ શાંત થઇ ગઇ. એટલે આખરે શિવસેના આ બેઠક પરથી કોને ઉમેદવારી આપે છે તેના ઉપર બધાની નજર છે.