બોલો, બિનશરતી ટેકો આપ્યા પછી મનસેના નેતાએ રાજ ઠાકરેને આપી ‘આ’ ઉપમા
મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિ (ભાજપ/શિવસેના/એનસીપી) સામે એમવીએ (શિવસેના-ઠાકરે જૂથ/શરદ પવાર જૂથ/કોંગ્રેસ) આવી ગઈ છે, જેમાં ઉમેદવારોની જાહેરાત પછી ખેંચાખેંચી ચાલી રહી છે, ત્યારે મહાયુતિમાં વધુ એક પાર્ટીની એન્ટ્રી થઈ છે. મહાયુતિને મનસેએ ટેકો આપ્યા પછી પણ વિપક્ષોએ આકરી ઝાટકણી કાઢ્યા પછી આજે આ મુદ્દે મનસેના જાણીતા નેતાએ મોટી ટિપ્પણી કરી હતી.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવવા બિનશરતી ટેકો જાહેર કરતા મહાયુતિના સર્વ પ્રમુખ નેતાઓએ રાજ ઠાકરેનો આભાર માન્યો છે. બીજી તરફ મહાવિકાસ આઘાડી (એમવીએ)ના નેતાઓએ રાજ ઠાકરે પર ટીકાનો વરસાદ વરસાવ્યો છે.
આ પરિસ્થિતિમાં મનસેના નેતા પ્રકાશ મહાજનએ રાજ ઠાકરેને કર્ણની ઉપમા આપી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર તેમને જે રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે એ વિશે પણ પ્રકાશ મહાજને પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
આપણ વાંચો: તો શું રાજ ઠાકરેની MNS પાર્ટી એકનાથ શિંદેના ચૂંટણી ચિન્હ પર ચૂંટણી લડશે?
પ્રકાશ મહાજને જણાવ્યું છે કે ‘રાજ ઠાકરેએ વિચારપૂર્વક લીધેલી ભૂમિકા સમજવા કાર્યકર્તાઓને થોડો સમય લાગશે. પોતાને સેક્યુલર કે હિન્દુ વિરોધી માનતા વિરોધકોની અપેક્ષા હતી કે રાજ ઠાકરે આવું વલણ નહીં અપનાવે. તેમનો અપેક્ષા ભંગ થવાથી સોશિયલ મીડિયા પર કાદવ ઉછાળવાની શરૂઆત થઈ ગઈ. વિરોધકો નિરાશામાં ઘેરાયા હોવાથી રાજ ઠાકરે વિરુદ્ધ બોલી રહ્યા છે. રાજ ઠાકરે આધુનિક યુગના કર્ણ છે.
ભિક્ષુકના સ્વરૂપમાં ઇન્દ્ર કવચ – કુંડળ માગવા આવ્યા ત્યારે કર્ણ જાણતો હતો કે કવચ – કુંડળ આપ્યા પછી કુરુક્ષેત્રમાં તેનું મૃત્યુ થશે. તેમ છતાં હસતા હસતા તેણે દાન કરી દીધું હતું. હિન્દુત્વના નામે જો કોઈ મદદ માગવા આવે તો શું રાજ ઠાકરે મદદ ન કરે?’