હાર્દિકની ટીમમાં આવ્યો હાર્વિક, સૌરાષ્ટ્રના વિકેટકીપર-બૅટરને મુંબઈ ઇન્ડિયન્સે કેમ ટીમમાં સમાવ્યો?
મુંબઈ: ક્રિકેટ અને ફૂટબૉલ જેવી ટીમ-ગેમમાં ઘણી વાર એવું બને છે કે કોઈ ખેલાડી ઈજાને લીધે ટીમની બહાર થઈ જાય તો તેના સ્થાને ટીમમાં જેને સમાવવામાં આવે અને એ ખેલાડી જો ચમકી જાય તો તેને ચાંદી જ ચાંદી થઈ જાય. બીજી બાજુ, જેના સ્થાને તેને રમવા મળ્યું હોય તે પ્લેયર જો ઈજામુક્ત થઈને પાછો આવે તો ઠીક છે, નહીં તો તેણે કરીઅરથી હાથ ધોઈ નાખવા પડે છે.
આઇપીએલ પૂરજોશમાં ચાલી રહી છે એટલે હમણાં તો આપણે ઇન્ટરનૅશનલ ક્રિકેટને બદલે આઇપીએલ પર જ વધુ ધ્યાન આપીશું. કેરળનો 30 વર્ષનો વિકેટકીપર-બૅટર વિષ્ણુ વિનોદ ડાબા હાથની ઈજા પામ્યો એટલે મુંબઈ ઇન્ડિયન્સે સૌરાષ્ટ્રની રણજી ટીમના ટોચના ખેલાડીઓમાં ગણાતા હાર્વિક દેસાઈને સ્ક્વૉડમાં સમાવી લીધો છે. હાર્વિક પહેલી જ વાર આઇપીએલમાં પ્રવેશ્યો છે.
મુંબઈ ઇન્ડિયન્સે 2022ની સાલમાં વિષ્ણુ વિનોદને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
મુંબઈ ઇન્ડિયન્સે ગુરુવારે સાંજે બેન્ગલૂરુ સામેની વાનખેડેની મૅચ પહેલાં આ જાહેરાત કરી હતી.
હાર્વિક દેસાઈ 24 વર્ષનો છે. તેનો જન્મ ઑક્ટોબર, 1999માં ભાવનગરમાં થયો હતો. તેણે ડોમેસ્ટિક સ્તરે 27 ટી-20 મૅચમાં એક સેન્ચુરી અને ચાર હાફ સેન્ચુરી સહિત કુલ 691 રન બનાવ્યા છે અને વિકેટની પાછળથી કુલ 21 શિકાર પણ કર્યા છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેનો રેકૉર્ડ બહુ સારો છે. એમાં તેણે 46 મૅચમાં પાંચ સેન્ચુરી તથા સોળ હાફ સેન્ચુરીની મદદથી કુલ 2,658 રન બનાવ્યા છે તેમ જ 91 કૅચ પકડવા ઉપરાંત 14 સફળ સ્ટમ્િંપગ કરી છે.