સૅમસન-પરાગની 130 રનની ભાગીદારી, રાજસ્થાનના ત્રણ વિકેટે 196 રન
જયપુર: અહીં સાંજે ગુજરાત ટાઇટન્સ સામે મૅચની શરૂઆત પહેલાં નજીવો વરસાદ પડ્યા બાદ રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સંજુ સૅમસન (68 અણનમ, 38 બૉલ, બે સિક્સર, સાત ફોર) અને રિયાન પરાગ (76 રન, 48 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર)ની ભાગીદારીએ એવી તો ધમાલ મચાવી કે જાણે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં વાવાઝોડું ત્રાટક્યું હતું.
રાજસ્થાન રૉયલ્સે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં 20 ઓવરમાં ત્રણ વિકેટે 196 રન બનાવીને શુભમન ગિલની ટીમને 197 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો.
ઓપનર યશસ્વી જયસ્વાલ (24 રન, 19 બૉલ, પાંચ ફોર) ટૂંકી આક્રમક ઇનિંગ્સ જરૂર રમ્યો, પણ અસલ ફૉર્મમાં ફરી એકવાર નહોતો જોવા મળ્યો. સાથી-ઓપનિંગ બૅટર જૉસ બટલર (10 બૉલમાં આઠ રન) અને યશસ્વી વચ્ચે માત્ર 32 રનની પાર્ટનરશિપ થઈ શકી હતી. યશસ્વી પાંચમી ઓવરમાં ઉમેશ યાદવના મિડલ તથા ઑફ સ્ટમ્પ પરના બૉલમાં સ્કૂપ મારવાના પ્રયાસમાં વિકેટકીપર મૅથ્યૂ વેડને કૅચ આપી બેઠો હતો.
આપણ વાંચો: IPL-2024ના MI Captain Hardik Pandyaના સમર્થનમાં આવ્યો બોલીવૂડનો આ એક્ટર…
ત્યાર બાદ બટલરે રાશિદ ખાનના બૉલમાં સ્લિપમાં રાહુલ તેવાટિયાને કૅચ આપી દીધો હતો. જોકે 42મા રને એ વિકેટ પડી ત્યાર બાદ સૅમસન અને પરાગ રાજસ્થાનની ટીમના ઇતિહાસની મિડલ ઑર્ડરની શ્રેષ્ઠ ભાગીદારીઓમાં કહી શકાય એવી 130 રનની ભાગીદારી કરી હતી અને ટીમના સ્કોરને 170-પ્લસ પર પહોંચાડી દીધો હતો. 172 રને પરાગ બાઉન્ડરી લાઇન નજીક વિજય શંકરના જગલિંગ ઍક્ટમાં કૅચઆઉટ થયો હતો. શંકરે કૅચ પકડ્યો હતો, પણ સમતોલપણું ગુમાવી બેઠો હતો, જગલિંગ ઍક્ટમાં તે લાઇનની બહાર ગયો અને પાછા અંદર આવીને કૅચ કમ્પ્લીટ કર્યો હતો.
પરાગની વિકેટ બાદ સૅમસન અને હેટમાયર (13 અણનમ, પાંચ બૉલ, એક સિક્સર, એક ફોર) વચ્ચે 24 રનની અતૂટ પાર્ટનરશિપ થઈ હતી. ગુજરાતના બોલર્સમાં ઉમેશ, રાશિદ અને મોહિતને એક-એક વિકેટ મળી હતી.