16 વર્ષમાં કોઈ ન કરી શક્યું એ હૈદરાબાદના ઑલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ કરી દેખાડ્યું
મુલ્લાનપુર: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2008ની સાલથી રમાય છે અને દરેક સીઝનમાં એવા અનેક ખેલાડીઓ રમી ચૂક્યા છે જેમણે તેમની એ સીઝન પહેલાં પોતાના દેશ વતી એક પણ મૅચ નહોતી રમી. ટૂંકમાં, પોતાના રાષ્ટ્ર વતી આંતરરાષ્ટ્રીય મૅચ ન રમ્યા હોય, પણ આઇપીએલમાં ચમક્યા હોય એવા ખેલાડીઓની યાદી બહુ લાંબી છે.
આંતરરાષ્ટ્રીય મૅચ ન રમવા છતાં આઇપીએલમાં રમ્યા હોય એવા ખેલાડી અનકૅપ્ડ પ્લેયર તરીકે ઓળખાય છે. હૈદરાબાદના બૅટર અભિષેક શર્માએ મંગળવારે આઇપીએલમાં 1,000મો રન બનાવીને સનરાઇઝર્સ હૈદરાબાદ વતી આટલા રન કરનાર પ્રથમ અનકૅપ્ડ પ્લેયર બન્યો હતો.
આપણ વાંચો: IPL-2024ને લઈને ચેરમેન અરુણસિંહ ધુમાલ કરી આ મહત્ત્વની જાહેરાત…
હૈદરાબાદની જ ટીમના આંધ્ર પ્રદેશના 20 વર્ષીય ઑલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ તેનાથી પણ ચડિયાતો વિક્રમ કર્યો છે. મંગળવારે તેણે 64 રન બનાવ્યા અને ત્યાર પછી જિતેશ શર્માની વિકેટ લીધી હતી અને પ્રભસિમરન સિંહનો કૅચ પણ પકડ્યો હતો.
નીતિશ રેડ્ડી આઇપીએલનો એવો પ્રથમ અનકૅપ્ડ પ્લેયર (એકેય આંતરરાષ્ટ્રીય મૅચ ન રમેલો ખેલાડી) છે જેણે એક જ મૅચમાં હાફ સેન્ચુરી ફટકારવા ઉપરાંત એક વિકેટ લીધી અને એક કૅચ પણ પકડ્યો.
એટલું જ નહીં, 20 વર્ષ અને 319 દિવસની ઉંમરનો નીતિશ રેડ્ડી આઇપીએલમાં સૌથી નાની ઉંમરે હાફ સેન્ચુરી ફટકારનાર બીજા નંબરનો ખેલાડી છે. પ્રિયમ ગર્ગ (19 વર્ષ, 307 દિવસ) આ રેકૉર્ડ-બુકમાં યંગેસ્ટ છે.