નેશનલ

ઈડીએ 5,000 કરોડની છેતરપિંડી કરનારા ગઠિયાની એરપોર્ટ પરથી કરી ધરપકડ

નવી દિલ્હીઃ: ઇડીએ દિલ્હી એરપોર્ટ પરથી પાંચ હજાર કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરી હતી. ઇડી અનુસાર, આ મામલામાં આરોપીની શોધ ચાલી રહી હતી. આરોપી ભારતથી નેપાળ ભાગી ગયો હતો, પરંતુ તે ત્રીજી એપ્રિલે નેપાળથી દિલ્હી આવી રહ્યો હોવાની માહિતીને આધારે ઇડીએ છટકું ગોઠવીને તેને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ ત્રણમાંથી બહાર નીકળે તે પહેલા જ પકડી લીધો હતો.

દિલ્હીના મોતી નગર વિસ્તારનાં રહેવાસી આરોપી પર વિવિધ યોજનાઓ દ્વારા સામાન્ય લોકોને છેતરવાનો, તેમની સાથે પૈસાની છેતરપિંડી કરવાનો અને તે પૈસા ગેરકાયદે રીતે ભારતની બહાર મોકલવાનો આરોપ છે.

આ માટે આરોપીઓએ ખાસ પદ્ધતિ અપનાવી હતી. આરોપીઓએ કૌભાંડને અંજામ આપવા માટે યુએઇ સ્થિત સર્વરનો ઉપયોગ કર્યો હતો. આ સાથે યુએઇ અને ભારતમાં સમાંતર સિન્ડિકેટની સ્થાપના કરવામાં આવી હતી. તેણે વર્ષ ૨૦૨૦-૨૪ વચ્ચે ઓનલાઈન ગેમિંગ સ્કીમ દ્વારા ૪૯૭૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ગયા મહિને સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આ કેસના અન્ય એક આરોપીની ગુરુગ્રામની એક હોટલમાંથી ધરપકડ કરી હતી. હાલ તે ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં છે. મની લોન્ડરિંગના આ મામલામાં દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

આપણ વાંચો: પીએમસી બૅન્ક સ્કૅમ: સિંધુદુર્ગમાં 1,807 એકર જમીન પર ઈડીની ટાંચ

ઇડીની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ રોકાણ, નોકરી, ઓનલાઈન શોપિંગ, લોન, ગેમ્સ વગેરે જેવી આકર્ષક યોજનાઓ દ્વારા લોકો સાથે સાયબર છેતરપિંડી કરતા હતા. જેમાં રોકાણના નામે મોટાભાગના લોકોને શિકાર બનાવવામાં આવ્યા હતા. વધુ નફો મેળવવા માટે લોકો તેની જાળમાં ફસાઈ જતા હતા.

આ રીતે લોકો સાથે છેતરપિંડી કર્યા બાદ આ ટોળકીનો માસ્ટર માઇન્ડ આરોપી તેને અલગ-અલગ કંપનીઓના નામે ખોલાવેલા બેંક ખાતામાં જમા કરાવતો હતો. ત્યારપછી આ પૈસા ભારતની બહાર દુબઈ, સિંગાપોર વગેરે દેશોમાં મેઈન્ટેનન્સના રૂપમાં મોકલવામાં આવ્યા હતા.

માસ્ટર માઈન્ડ આરોપી અને તેના સહયોગીઓ પોતાના કર્મચારીઓના નામે પણ કંપનીઓ બનાવી રહ્યા હતા. આ તમામ કંપનીઓમાં માસ્ટર માઈન્ડ આરોપીનું નામ પણ સામેલ હતું. તે નકલી દસ્તાવેજોના આધારે બેંક એકાઉન્ટ ઓપરેટ કરતો હતો. ઇડીએ લાંબી તપાસ બાદ ગયા મહિને જ માસ્ટર માઈન્ડ આરોપીની ધરપકડ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button