દિલ્હી શરાબ પોલીસી કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી રહી છે. દિલ્હી હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે. છેલ્લા 24 કલાકમાં કેજરીવાલને ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. મંગળવારે, દિલ્હી હાઈકોર્ટ ધરપકડ અને કસ્ટડીને પડકારતા કેસમાં નિરાશા મળી હતી અને ત્યારબાદ બુધવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં વકીલોની માંગણી કરતી અરજીમાં નિરાશા થઈ હતી.
આજે બપોરે સુપ્રીમ કોર્ટમાંથી પણ કેજરીવાલ માટે માઠા સમાચાર આવ્યા હતા. દિલ્હી સીએમએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. જો કે, કેજરીવાલની અરજી પર SCમાં તાત્કાલિક સુનાવણી થશે નહીં. તેઓએ આવતા સપ્તાહ સુધી રાહ જોવી પડશે. સુપ્રીમ કોર્ટમાં કોઈ વિશેષ બેન્ચ નહીં હોવાથી, આવી સ્થિતિમાં સોમવાર પહેલા સુનાવણી થવાની કોઈ શક્યતા નથી.
ઉલ્લેખનિય છે કે મંગળવારે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ અને કસ્ટડીને કાનુની ઠરાવી હતી, અને તેમની દલિલોને ઠુકરાવતી અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ બુધવારે સવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલના વકીલો સંબંધિત બીજી અરજીને પણ ફગાવી દીધી હતી.
આપણ વાંચો: કેજરીવાલને 24 કલાકમાં કોર્ટમાંથી બીજો ઝટકો, અઠવાડિયામાં 5 વખત વકીલોને મળવાની માંગ ફગાવી
કેજરીવાલની આ અરજીમાં તેમણે વકીલો સાથે એક અઠવાડિયામાં 5 વખત મુલાકાત કરવાની માગ કરી હતી. હાલ કેજરીવાલ તેમના વકીલો સાથે સપ્તાહમાં માત્ર બે વખત જ મુલાકાત કરી શકે છે.
કેજરીવાલની કાનૂની ટીમે બુધવારે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મળતી માહિતી મુજબ કેજરીવાલે સુનાવણી માટે આવતા સપ્તાહ સુધી રાહ જોવી પડશે. સુપ્રીમ કોર્ટમાં અરજી પર તાત્કાલિક સુનાવણી થશે નહીં.
સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે ઈદ, શુક્રવારે સ્થાનિક રજા અને પછી શનિવાર-રવિવારની રજાઓ છે. આવી સ્થિતિમાં અત્યારે ન તો સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ બેન્ચની રચના થઈ શકે કે ન તો સોમવાર પહેલા સુનાવણી થવાની કોઈ શક્યતા છે. હવે સોમવાર સુધી સુનાવણી થવાની શક્યતા નથી.