નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારે પાછલા સત્રમાં ઇન્ટ્રા ડે નવી ઓલ ટાઇમ હાઈ સપાટી નોંધાવ્યા બાદ બુધવારના આજના સત્રમાં ફરી સુધારાની ચાલ બતાવી છે. જોકે આગામી વ્યૂહરચના માટે રોકાણકારોની નજર અમેરિકાના સંકેતો પર મંડાયેલી છે. મેટલ શેરો અને ઇન્ડેક્સ હેવીવેઇટ્સ શેરોમાં સુધારા વચ્ચે બુધવારે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ફરી આગેકૂચ જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ પાછલા સત્રમાં નવી રેકોર્ડ ઉંચી સપાટી બનાવી હતી. સેન્સેક્સ 75,000 માર્કનું પરીક્ષણ કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી 22,700ની બંને બાજુએ ટ્રેડ થઈ રહ્યો હતો. RIL, Airtel અને બેન્કોએ ઉછાળામાં સૌથી વધુ ફાળો આપ્યો હતો.
સેકટરલ ધોરણે, ફાર્મા સિવાયના તમામ સૂચકાંકો હકારાત્મક નોંધ પર ટ્રેડ થયા હતા. એનએસઈ પર, નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ચીન અને યુએસએ તરફથી મજબૂત મેન્યુફેક્ચરિંગ માંગની અપેક્ષાએ એક ટકાથી વધુ ઊછળ્યો હતો. માર્કેટ હલચલમાં રામકો સિસ્ટમ્સે કોરિયન એર સાથે કરોડો ડોલરના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. રેટિંગ એજન્સી ફિચે ચીન માટેના આઉટલુકને નેગેટિવમાં ડાઉનગ્રેડ કરીને ‘A+’ રેટિંગની પુષ્ટિ કરી છે.
માર્કેટ એક્સપર્ટ અનુસાર માર્ચ માટેના યુએસ સીપીઆઈના અને ફેડરલની માર્ચ એફઓએમસી મીટિંગની મિનિટસની જાહેરાત સહિતની નોંધપાત્ર યુએસ ઇવેન્ટ્સને કારણે આજના ટ્રેડિંગમાં વોલેટિલિટીની અપેક્ષા છે.
જ્યારે સ્થાનિક સ્તરે ચોથા ક્વાર્ટરમાં મજબૂત કોર્પોરેટ કમાણીની અપેક્ષાઓ અને ચૂંટણી પૂર્વેની રેલી જેવા હકારાત્મક પરિબળો બજારને ટેકો આપી રહ્યા છે.
ઝડપી આગેકૂચ કરનારા ક્ષેત્રીય સૂચકાંકોની યાદીમાં બેંક નિફ્ટીનો સમાવેશ બેંકો તરફથી ચોથા ત્રિમાસિક સમયગાળાની તંદુરસ્ત કમાણીની અપેક્ષાને પ્રતિબિંબિત કરે છે. ગ્લોબલ માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળે છે.
એશિયન શેરો સ્થિર રહ્યા કારણ કે રોકાણકારોએ યેનના ઘટાડાને રોકવા માટે જાપાની સત્તાવાળાઓ દ્વારા સંભવિત પગલાં પર નજર રાખવા સાથે મોટા લેણથી અળગા રહ્યા છે અને ભાવિ વ્યાજ દરના નિર્ણયોની સમજ માટે યુએસ ફુગાવાના ડેટાની રાહ જોઈ રહ્યા છે.
અમેરિકન શેરબજારોમાં સાધારણ ઉછાળાને પગલે જાપાનની બહાર એશિયા-પેસિફિક શેર્સ ઇન્ડેક્સમાં 0.2 ટકા જેવો સુધારો જોવા મળ્યો હતો.
ઓસ્ટ્રેલિયન શેરબજાર ટ્રેડિંગની શરૂઆતમાં 0.3 ટકા જેવા વધ્યા હતા, જ્યારે જાપાનના નિક્કી ઇન્ડેક્સમાં 0.41 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
નિક્કી યેનના ડાઉનવર્ડ ટ્રેન્ડ દ્વારા સમર્થિત 40,000-પોઇન્ટ માર્કને ફરીથી ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ શરૂઆતમાં 0.7 ટકા વધ્યો હતો, જ્યારે ચીનનો CSI300 ઇન્ડેક્સ સ્થિર રહ્યો હતો.