જામીન માટે કેજરીવાલની સુપ્રી્મ કોર્ટમાં ધા, તિહાર જેલમાં નેતાઓને મળવાની ન મળી મંજૂરી
નવી દિલ્હીઃ ધરપકડને વાજબી ઠેરવતા હાઇ કોર્ટના ચૂકાદા સામે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે તપાસ એજન્સી ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા કેજરીવાલની ધરપકડ યોગ્ય હતી. દરમિયાનમાં તિહાર જેલ પ્રશાસને સુરક્ષાના કારણોસર મુખ્ય પ્રધાન માન અને સંજય સિંહને સીએમ કેજરીવાલને મળવા દેવાની ના પાડી દીધી હતી.
જેલ પ્રશાસનનું કહેવું છે કે મીટિંગનો નવો સમય ટૂંક સમયમાં જણાવવામાં આવશે. જો કે, તિહાર જેલ પ્રશાસને કહ્યું છે કે તે મુલાકાતનો નવો સમય જણાવશે. તિહાર જેલ પ્રશાસનનું કહેવું છે કે જેલના પોતાના નિયમો છે અને જેલ પ્રશાસન જેલ મેન્યુઅલ પ્રમાણે ચાલે છે.
આજે ભગવંત માન અને સંજય સિંહ તિહાર જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલને મળવાના હતા. ભગવંત માને તાજેતરમાં AAP કન્વીનર કેજરીવાલને મળવા માટે જેલ પ્રશાસન પાસે સમય માંગ્યો હતો. જેલ પ્રશાસન દ્વારા સીએમ કેજરીવાલ સાથે મીટિંગની મંજૂરી ન આપવા પર AAPના સૂત્રોનું કહેવું છે કે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી હતી, આજે 1 વાગ્યે મીટિંગનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ અચાનક રાત્રે મીટિંગ રદ કરવામાં આવી હતી.
દિલ્હીના સીએમ કેજરીવાલને કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સતત નવ વખત સમન્સ મોકલ્યા બાદ લાંબી પૂછપરછ બાદ 21 માર્ચે ED દ્વારા તેમના નિવાસસ્થાનેથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. હવે સીએમ કેજરીવાલ 15 એપ્રિલ સુધી તિહાર જેલમાં બંધ છે. આ કેસમાં AAPના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પણ તિહાર જેલમાં બંધ છે.