શ્રી સ્વામીનારાયણ મંદિર-વઢવાણ ઐતિહાસિક ધરોહર છે
તસવીરની આરપાર – ભાટી એન.
આજના અત્યાધુનિક યુગામાં કેમેરા, વીડિયોગ્રાફી સહુ કોઈ માટે સહજ બની ગયા છે. આપણે આજ કોલમમાં અત્યારના વિવિધતા સભર કેમેરાઓ વિશે વિગતે આર્ટીકલ લખેલ તેમાનો insta 360×3 જે કેમેરામાં ૩૬૦ ડિગ્રી એટલે ગોળાકાર તમામ ફરતી વસ્તુનું કેપ્ચરીંગ થાય. આજે સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ કાઠિયાવાડના પ્રવેશદ્વાર એવા ઐતિહાસક નગર તીર્થધામ વઢવાણ (શ્રી વર્ધમાનપુરી) ખાતે આવેલ શ્રી સ્વામીનારાયણ મંદિરની આ કેમેરામાં લિધેલ તસવીર સાથેનો આર્ટીકલ વાંચો. વઢવાણ (શ્રી વર્ધમાનપુરી) કે જે જગ્યાએ અગિયાર… અગિયાર… વખત શ્રી હરિનાં ચરણવિંદથી અંકિત થયેલી તીર્થભૂમિ છે. જ્યાં શંકરાચાર્યની, મહાવીર સ્વામી, રામાનુજાચાર્યજી, વલ્લભાચાર્યજી, ચૈતન્ય મહાપ્રભુ, રામકૃષ્ણ પરમહંસ, જલારામબાપા, ભક્ત હરિદાસ, સંત તુલસીદાસ, ગોરખનાથ, રમણ મહર્ષિ, વામદેવજી, સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરૂષોની અને રાણકદેવીની પ્રાચીન કલાત્મક દેરી છે. તેનો ગૌરવશાળી ઈતિહાસ છે. આવા મહાપુરૂષોએ પધારીને આ ભૂમિને ઉતમ તીર્થ બનાવેલ. આવી ઉતમ તીર્થભૂમિમાં સવંત ૧૯૬૧માં પ.પૂ. સનાતન ધ.ધૂ. ૧૦૦૮ શ્રી આચાર્ય સમર્થ શ્રીકુંજવિહારીપ્રસાદજી મહારાજશ્રીએ શ્રી સ્વામીનારાયણ મંદિર વઢવાણ ધામની સ્થાપના કરી છે.
શ્રી સ્વામીનારાયણ મંદિર વઢવાણ લગભગ છ એકર જમીનમાં ફેલાયેલ વિશાળ કલાત્મક કોતરણીથી બેનમૂન મુખ્ય મંદિરને ચોગરદમનયનરમ્ય સંકુલ ભવ્યતાતિભવ્ય છે. લાકડામાંથી સુંદર નકશીકામ કરીને બનાવેલ વિશાળ સભામંડપ અને સંતઆશ્રમ ભવ્ય અને રજવાડી ઠાઠથી પ.પૂ. આચાર્ય મહારાજશ્રીનું નિવાસસ્થાન (હવેલી), સુંદર બગીચો, હરિભક્તોના ઉતારા, દેવ, સંતો અને હરિભક્તો માટે રસોડું, ભોજનાય, કોઠાર વિગેરેનો સમાવેશ થાય છે. પૂર્વાભિમુખ પાંચ શિખર, ૭૬ સ્તંભો તથા ત્રણ શૃંગાર ચોકી યુક્ત ભવ્યને દિવ્ય મંદિરનું બાંધકામ કુંજવિહારીપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી તેમની સિધી દેખરેખ નીચે તૈયાર થયેલ છે. જેમાં ધર્મની સાથે…સાથે સ્થાપત્ય, વાસ્તુશિલ્પ અને બાંધકામની ઉત્તમોત્તમ શૈલી દૃશ્યમાન થાય છે. આ મંદિર પરિસરમાં શોભાયમાન કુંભી, સ્તંભદંડ, મોવડ અને ભરણી, શિરાવત છધ્યા, ઉદુબર-ઉંબરો, બારસાખ, પ્રતિ, ઉતરંગ, મંગલ ચિન્હો વગેરે ઉત્તમ પથ્થરમાંથી દિવ્ય કલાકૃતિથી કંડારેલ છે.
આ મંદિરમાં મુખ્ય ખંડમાં શ્રીકૃષ્ણ ભગવાન તથા તેમનું અંગ એવા શ્રી રાધિકાજી સાથે શ્રીજી મહારાજનું સ્વરૂપ પંચધાતુથી બનેલ દર્શનીય સ્વરૂપ છે. શ્રી હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે. તેમની જમણી બાજુએ શ્રી બાલસ્વરૂપ ઘનશ્યામ મહારાજની સાથે શ્રી ધર્મપિતા અને શ્રી ભક્તિમાતા અલૌકિક સ્વરૂપમાં દર્શન આપે છે. તેમની જમણી બાજુ શ્રીજી મહારાજની સુખશૈયા છે. મુખ્ય વિરાટ પ્રવેશદ્વારમાં પ્રવેશતા જ ભવ્ય
કલાત્મક મંદિરના દિવ્ય પરિસરમાં આવતા જ મનમાં અલૌકિક
આનંદની અનુભૂતિ થાય છે. આચાર્યશ્રીનો જીવન મંત્ર હતો ધર્મ પાળોને ધર્મ પળાવવો.
- આલેખન તસવીર ભાટી એન.