પુણેના એન્જિનિયર સાથે છેતરપિંડી બદલ બાન્દ્રાના લક્ઝુરિયસ કાર ડીલર વિરુદ્ધ ગુનો
મુંબઈ: પુણેના એન્જિનિયર સાથે કથિત છેતરપિંડી બદલ બાન્દ્રાના લક્ઝુરિયસ કાર ડીલર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. મર્સિડીઝ કારના બદલામાં એસયુવી ખરીદનારા એન્જિનિયરને કારની ડિલીવરી મળી નહોતી અને તેની મર્સિડીઝ કાર પણ બીજી વ્યક્તિને વેચી દેવામાં આવી હતી.
પુણેમાં કામ કરતો દિગંબર સોનાવણે (37) એપ્રિલ, 2023માં મોંઘીદાટ કારના ખરીદ-વેચાણનો વ્યવસાય ધરાવતા ફહીદ કાદરીના સંપર્કમાં આવ્યો હતો. સોનાવણે તેની મર્સિડીઝ કારના બદલામાં ટાટા એસયુવી ખરીદવા માગતો હતો.
નવી કારની કિંમત 21 લાખ રૂપિયા હતી. ચાર લાખ રૂપિયા ઓછા કરીને ફરિયાદીએ 17 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. વેચાણ સંબંધિત કરાર પર ફરિયાદી અને આરોપીએ હસ્તાક્ષર પણ કર્યા હતા.
આપણ વાંચો: રોકાણકાર સાથે છેતરપિંડી, લાખોની ઉચાપત: ક્રેડિટ સોસાયટીના કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ
પોલીસ ફરિયાદ અનુસાર જૂન મહિનામાં કાદરીએ કહ્યું હતું કે ટ્રાન્સફરની પ્રક્રિયા પૂર્ણ થયા પછી એસયુવી ફરિયાદી સુધી પહોંચી જશે. જોકે પછી તે વારંવાર ઉડાઉ જવાબ આપતો હતો. બાદમાં કાદરીએ એવું બહાનું કર્યું હતું કે એસયુવી વેચનારા માલિક સાથે તેનો ઝઘડો થયો હતો અને વાત મારામારી સુધી પહોંચી હતી, જેને પગલે તેણે એસયુવી જૂના માલિકને પાછી આપી દેવી પડી છે.
આરોપીએ સોનાવણેને કારની કિંમત પાછી આપી દેવાની ખાતરી આપી હતી. કાદરીએ ફરિયાદીને ચેક આપ્યો હતો અને બે મહિના પછી વટાવવાનું કહ્યું હતું. બે મહિના વીત્યા પછી પણ કાદરી બહાનાં કરી રહ્યો હતો. ઉપરાંત, ફરિયાદીની કાર પણ વેચી દેવામાં આવી હોવાનું ફરિયાદીને જાણવા મળ્યું હતું. આખરે ફરિયાદીએ બાન્દ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.