એમવીએમાં બેઠકોની વહેંચણીનું કોકડું ઉકેલાયા પછી કોંગ્રેસે આપ્યું મહત્ત્વનું નિવેદન
મુંબઈ: લોકસભાની ચૂંટણી મુદ્દે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)માં સીટ વહેંચણી મુદ્દે કોકડું ગૂંચવાયું હતું, પરંતુ એમાં ઉકેલ આવ્યો હતો. આ મુદ્દે કોંગ્રેસ પાર્ટીના પક્ષે સૌથી ઓછી સીટ આવ્યા પછી લોકોએ તર્ક-વિતર્ક કરવામાં આવ્યા ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખે એના અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.
આગામી લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) માટે મહાવિકાસ આઘાડીના સાથી પક્ષો સાથે બેઠકોની ફાળવણી અંગેની ચર્ચા અવિરત ચાલુ ન રાખી શકાય એટલે હાલ કોંગ્રેસે બેઠક ફાળવણી મુદ્દે શરણાગતિ નથી કરી, પણ એક પગલું પીછેહઠ કરી છે એવી સ્પષ્ટતા મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ મંગળવારે કરી હતી.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ રામટેકથી પીએમ મોદી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ
સાંગલી અને ભીવંડીની લોકસભા બેઠકો કોંગ્રેસે જતી કરતા પક્ષના રાજ્ય એકમમાં અસંતોષ ફેલાઈ ગયો છે એ પાર્શ્વભૂમિમાં પટોલેએ આ નિવેદન કર્યા છે. બેઠક ફાળવણીનું સમીકરણ જાહેર થયા પછી પત્રકારોને સંબોધતા પટોલેએ જણાવ્યું હતું કે અમે એક કદમ પીછેહઠ કરી છે, શરણાગતિ નથી સ્વીકારી.
પક્ષના હાઇકમાન્ડ સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી જ નિર્ણય લેવામાં આવ્યો છે, જે બેઠક પર કોંગ્રેસના વિજયની સંભાવના ઉજજવળ છે એ બેઠકો મેળવવા અને શ્રેષ્ઠ પ્રયાસો કર્યા.
જોકે, ચર્ચા કાયમ ચાલુ ન રહી શકે, કારણ કે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. મંગળવારે કરવામાં આવેલી જાહેરાત અનુસાર લોકસભાની મહારાષ્ટ્રની 48 બેઠકમાંથી મહાવિકાસ આઘાડી (એમવીએ)નું કોકડું ઉકેલાઈ ગયું હતું. શિવસેના (યુબીટી)ના 21 ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે જયારે કોંગ્રેસ અને એનસીપી (એસપી)ને ફાળે અનુક્રમે 17 અને 10 બેઠક આવી છે.