ધર્મતેજ

ન તાતો ન માતા: આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિનિમિત્તે ભવાની અષ્ટકમના ભાવ સમજીએ

ભવાની-અષ્ટકમના આઠ શ્લોકમાં સમર્પણના બધા જ ભાવ જાણે વ્યક્ત થઈ ગયા છે

મનન – હેમંત વાળા

પ્રથમ શ્લોકમાં દરેક દેહધારી સાથેના સંબંધનો છેદ ઉડાડી દેવાયો છે. અહીં એ સ્થાપિત કરવામાં આવ્યું છે કે દુનિયાના કોઈપણ સંબંધ કામમાં નથી આવતા. સારી ગતિ માટે તો – મુક્તિ માટે તો મા ભવાનીનો જ આશરો છે. બીજા શ્લોકમાં સંસાર સાગર સાથે સંકળાયેલી તકલીફો તથા પરિસ્થિતિથી છૂટવા માટે સાદ કરાયો છે. અહીં વ્યક્તિ પોતાને આ ભવસાગરમાં કેવા કેવા દુ:ખ છે, અને કામ, ક્રોધ, મદ જેવાં બંધનોમાં કેવી રીતે બંધાયો છે તે વ્યક્ત કરવામાં આવેલું છે.
ત્રીજા શ્લોકમાં પૂજા તથા ભક્તિ માટેની જે જે સ્થાપિત ક્રિયાઓ છે તેનાથી વિમુક્તિનો ભાવ દર્શાવાયો છે. અહીં જણાવવામાં આવે છે કે વ્યક્તિને દાન, ધ્યાન, પૂજા, મંત્ર, ન્યાસ – કશાનું જ્ઞાન નથી. આવા જ્ઞાનના અભાવમાં માત્ર ભક્તિપૂર્વકનું મા ભવાનીનું શરણ જ ઉપયોગી નીવડે. ચોથા શ્લોકમાં વિવિધ પ્રકારના દ્વન્દ્વથી મુક્ત થવાની ભાવના વ્યક્ત થાય છે. અહીં પણ કંઈક એવો જ ભાવ છે – એવી જ વાત છે. ફેર એટલો કે અહીં પાપ-પુણ્ય, લય-મુક્તિ જેવા દ્વન્દ્વનો સમાવેશ પણ જોવા મળે છે.


પાંચમા શ્લોકમાં પોતાના અશુભ કહી શકાય તેવા સ્વભાવનું વર્ણન કરાયું છે. અહીં વ્યક્તિ પોતાની કુ-પ્રકૃતિનું વર્ણન કરે છે. તે જણાવે છે કે પોતે કુસંગી, કુકર્મી, કુબુદ્ધિ, કુદ્રષ્ટિ તથા દુરાચારી છે. આવી પરિસ્થિતિમાં તેને તારનાર માત્ર મા ભવાની જ છે. છઠ્ઠા શ્લોકમાં ઈશ્વરના દરેક સ્વરૂપથી પોતાની અજાણતા જાણે વ્યક્ત કરાઈ છે. અહીં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર – બધાની અપેક્ષાએ ભવાની પ્રત્યેની ગતિ જ એક માત્ર શ્રેષ્ઠ બાબત છે તેમ દર્શાવવામાં આવ્યું છે. અહીં એમ પણ કહેવાયું છે કે સૂર્ય-ચંદ્ર તથા અન્ય દેવતા પણ વ્યક્તિની જાણમાં નથી, એ તો માત્ર ભવાનીને જ જાણે છે.


સાતમા શ્લોકમાં કેવી કેવી પરિસ્થિતિમાં મા ભવાનીનું રક્ષણ જરૂરી છે તે દર્શાવાયું છે. દરેક પ્રકારની ભાવાત્મક સ્થિતિમાં, દરેક પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિમાં તથા દરેક પ્રકારના સથવારા સાથે પણ સંસારની મુસાફરી મુશ્કેલ જ રહે છે તેમ જણાવાયું છે. અને તેથી સાથ તો મા ભવાનીનો – શરણું તો મા ભવાનીનું તેમ સ્થાપિત કરાયું છે. આઠમા અંતિમ શ્લોકમાં વ્યક્તિની દયાજનક તથા પામર સ્થિતિનું વર્ણન કરી તેમાંથી છુટકારા માટે વિનંતી કરાઈ છે. અહીં અનાથ, દરિદ્ર, વૃદ્ધ, રોગી ,અશક્ત, રાંક જેવી લાચારી વાળી પોતાની સ્થિતિનું વર્ણન કરી મા ભવાનીને શરણ માટે પ્રાર્થના કરાય છે.


શંકરાચાર્ય દ્વારા નિર્ધારિત કરાયેલ આ ભવાન્યષ્ટકમ એક ઊર્જિત તથા સફળ પ્રાર્થના છે. અહીં સંસારનું વાસ્તવિક – ભૌતિક – કષ્ટદાયક વર્ણન પણ છે અને સંસાર સાથેના ભાવાત્મક સંબંધની માયાજાળ પણ દર્શાવવામાં આવી છે. અહીં ભક્તિના દરેક સ્વરૂપને તેની મર્યાદિતતા સાથે આલેખવામાં આવ્યું છે તો સાથે સાથે જેની ભક્તિ કરવામાં આવે છે એ પ્રત્યેક સ્વરૂપથી વિમુખ થઈ માત્ર ભવાનીની આરાધના – ભક્તિના પ્રાધાન્યને સ્થાપિત કરાયું છે. અહીં જન્મ સાથે બંધાયેલ પ્રત્યેક મહત્ત્વની દુ:ખ તથા ત્રસ્ત સ્થિતિ જણાવવામાં આવી છે તો સાથે સાથે જીવનની દરેક પરિસ્થિતિ સાથે જોડાયેલી કઠિન સ્થિતિનું પણ વર્ણન કરાયું છે. આ અને આવી બધી બાબતોથી મુક્તિ માટે મા ભવાનીનું શરણું જ યોગ્ય અને શ્રેષ્ઠ છે તેમ અંતે સ્થાપિત કરવામાં આવે છે. માતાની ભક્તિ માટે આ એક અનેરી રચના છે.


શક્તિની આરાધના વિવિધ સ્વરૂપે થઈ શકે છે. સામાન્ય સમજ એમ પણ છે કે શક્તિની આરાધનામાં કાળા-જાદુનું અનેં સ્થાન છે. અહીં માત્ર સ્મશાનમાં જઈને અઘોરી પ્રકારની સાધના કરીને તંત્ર સાધવામાં આવે છે, તે પ્રકારની માન્યતા પ્રવર્તે છે. આ માન્યતા સદંતર ખોટી છે. શક્તિની આરાધનામાં તંત્રનું મહત્ત્વ છે, પણ તેનાથી કાળા જાદુ જ સિદ્ધ કરવામાં આવે છે તે વાત સાવ ખોટી છે. શાક્ત સંપ્રદાયમાં ભક્તિ તથા જ્ઞાન, યોગ તથા નિષ્કામ કર્મનું પણ એટલું જ મહત્ત્વ છે. આ એક સાત્ત્વિક માર્ગ છે. અહીં પણ આધ્યાત્મના સાત્ત્વિક માર્ગનું અનુસરણ થાય છે. શક્તિની ઉપાસના લાલિત્ય સભર હોવા ઉપરાંત તેમાં નવધા ભક્તિના દરેક સ્વરૂપના સમાવેશની સંભાવના હોય છે.


વિશ્વની દરેક રચનામાં માની રચના સૌથી મીઠાશ ભરેલી હોય છે. મા એટલે વાત્સલ્યથી ભરપૂર, અપાર કણાથી તરબતર, અઢળક પ્રેમથી ઉભરાતી, સદાય કાળજી રાખતી, બાળકના પ્રત્યેક ગુના માફ કરવા માટે તૈયારી વાળી, સંતાનનું હંમેશાં શુભ ઈચ્છનારી, સંતાન સાચા માર્ગે જાય તે માટે સતત દોરવણી આપનારી અને સંતાનની ખાતર સર્વસ્વ ન્યોછાવર કરી દેનારી શક્તિ. આ શક્તિ જ સૃષ્ટિનું સંચાલન બળ છે, આ શક્તિ જ સૃષ્ટિના સર્જનની પ્રેરણા છે, આ શક્તિ જ સમય આવ્યે સૃષ્ટિમાં પ્રલય માટેનું નિમિત્ત બની શકે તેવું સત્ય છે.


બધું જ આ શક્તિને કારણે છે. બધું જ આ શક્તિ થકી છે. બધું જ આ શક્તિમાંથી છે. બધું જ આ શક્તિને આધારે છે – આમ તો ઘણું કહી શકાય. ટૂંકમાં કહીએ તો જે છે તે શક્તિ જ છે. શક્તિ જ દ્રશ્ય છે, શક્તિ જ દ્રષ્ટા છે અને શક્તિ જ દર્શન છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button