મિરજમાં બનેલા સિતાર અને તાનપુરાને મળ્યું GI ટેગ
સંગીત ઉદ્યોગની જાણીતી હસ્તીઓ શુભા મુદગલ, જાવેદ અલી, હરિહરન, સોનુ નિગમ અને એ.આર. રહેમાન જેવા ગાયકોએ મિરજમાં બનેલાં સાધનોનો ઉપયોગ કર્યો છે.
પુણે: મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના નાના શહેર મિરજમાં બનેલા સિતાર અને તાનપુરાને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ મળ્યો છે. આ પ્રદેશ સંગીતનાં સાધનો બનાવવાની કારીગરી માટે જાણીતો છે. ઉત્પાદકોએ દાવો કર્યો હતો કે આ સાધનો મિરજમાં બનાવવામાં આવે છે અને શાસ્ત્રીય સંગીતના કલાકારો તેમજ ફિલ્મ ઉદ્યોગના જાણીતા કલાકારોમાં તેની ભારે ડિમાન્ડ હોય છે.
ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં ઉત્પાદિત પ્રોડક્ટને જીઆઈ ટેગ મળે છે અને આ ઉત્પાદનના વ્યાવસાયિક મૂલ્યમાં વૃદ્ધિ કરે છે. સંગીતના આ સાધનોના નિર્માતાઓએ જણાવ્યું કે મિરજમાં સિતાર અને તાનપુરા બનાવવાની પરંપરા 300 વર્ષથી વધુ જૂની છે. સાત પેઢીઓથી વધુ સમયથી કારીગરો આ તંતુવાદ્યો બનાવે છે.
30 માર્ચના રોજ ભારત સરકારની ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસે સિતાર માટે મિરજ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને તાનપુરા માટે સોલ્યુટ્યુન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસર ફર્મને જીઆઈ ટેગ આપ્યો હતો. મિરજ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ક્લસ્ટરના પ્રમુખ મોહસિન મિરજકરે જણાવ્યું હતું કે તેઓ શહેરમાં સિતાર અને તાનપુરાના બંને ઉત્પાદકો માટે સર્વોચ્ચ સંસ્થા તરીકે કામ કરે છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં સાંગલીની સીટ પર ‘એમવીએ’માં સંકટ ઊભું થશે?
તેમણે જણાવ્યું હતું કે તેમની સંસ્થામાં 450 થી વધુ કારીગરો સિતાર અને તાનપુરા સહિતના સંગીતનાં સાધનો બનાવે છે. તેમણે કહ્યું કે મિરજમાં સિતાર અને તાનપુરાની ખૂબ માંગ છે, પરંતુ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ મર્યાદિત સંસાધનોને કારણે માંગ પૂરી કરી શકાતી નથી.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મિરજ નિર્મિત હોવાનો દાવો કરતા સંગીતનાં સાધનો દેશના ઘણા ભાગોમાં વેચાય છે. જ્યારે અમને આ અંગે ફરિયાદો મળવા લાગી, ત્યારે અમે ઇન્સ્ટ્રુમેન્ટ માટે જીઆઈ ટેગ મેળવવાનું નક્કી કર્યું અને 2021માં તેના માટે અરજી કરી હતી.
તેમણે એવી માહિતી આપી હતી કે મિરજમાં બનેલા સિતાર અને તાનપુરા માટે કર્ણાટકના જંગલોમાંથી લાકડા ખરીદવામાં આવે છે, જ્યારે ગોળાકાર ભાગ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના મંગળવેઢા વિસ્તારમાંથી ખરીદવામાં આવે છે.
ઉત્પાદકો એક મહિનામાં 60 થી 70 સિતાર અને લગભગ 100 તાનપુરા બનાવે છે, એમ પણ તેમણે મિરાજકરે કહ્યું હતું.
તેમણે દાવો કર્યો હતો કે ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન સાહબ, સ્વર્ગસ્થ પંડિત ભીમસેન જોશી અને રાશિદ ખાન મિરજમાં બનેલા સંગીતનાં સાધનો ખરીદતા હતા. તેમણે કહ્યું કે શુભા મુદગલ જેવા કલાકારો અને જાવેદ અલી, હરિહરન, સોનુ નિગમ અને એ. આર. રહેમાન જેવા ફિલ્મ ઉદ્યોગના અગ્રણી ગાયકોએ મિરજમાં બનાવેલા તંતુવાદ્યોનો ઉપયોગ કર્યો છે. (પીટીઆઈ)