Nana Patoleની જીભ લપસીઃ બીમાર સાંસદની મરવાની વાત કરતા ફડણવીસે કાઢી ઝાટકણી
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પ્રચાર સમયે ઘણીવાર રાજકારણીઓ પોતાની જીભ પરનો કાબૂ ગુમાવી દે છે. ગુજરાતમાં જ રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા (Purushottam Rupala)એ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટીપ્પણીનો વિવાદ વકર્યો છે ત્યારે મહારાષ્ટ્રના કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પાટોલેનું એક નિવેદન વિવાદોમાં આવ્યું છે.
અકોલા (Akola) ના સાંસદ સંજય ધોત્રેના સ્વાસ્થ્ય પર નાના પટોલેના નિવેદનથી નવો વિવાદ વધારે વકરે તેવી સંભાવના છે. અકોલાના વર્તમાન સાંસદ સંજય ધોત્રેની હાલત સારી નથી અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ધોત્રે હાલ વેન્ટીલેટર પર છે. દરમિયાન, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે (Patole) એ અકોલામાં પ્રચાર સભામાં કહ્યું કે ખાસદાર સંજય ધોત્રે હાલમાં વેન્ટિલેટર પર છે. પરંતુ, ભાજપ ચૂંટણીમાં તેમનું વેન્ટિલેટર બહાર કાઢશે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: એકનાથ ખડસેની ભાજપમાં ઘરવાપસી નિશ્ચિત
જોકે ત્યારબાદ પાટોલેએ ધોત્રેને તેમના મિત્ર કહ્યા અને વાત વાળની કોશિશ કરી, પરંતુ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પટોલેની ટીકા કરી છે અને તેમને આ નિવેદન બદલ માફી માગવા કહ્યું છે.
અકોલા લોકસભા મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર ડો. અભય પાટીલનું ઉમેદવારી પત્ર ભરવા સમયે પાટોલે અકોલા આવ્યા હતા. તેઓ સ્વરાજ્ય ભવનમાં યોજાયેલી બેઠકમાં બોલી રહ્યા હતા. આ સભાને સંબોધતા નાના પટોલેએ કહ્યું કે તેઓ જ્યારે ભાજપમાં હતા ત્યારે 2014 થી 2017 સુધી ભાજપના સાંસદ હતા, પણ જ્યારે GST અને નોટબંધી આવી ત્યારે નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો હતો. તે સમયે અકોલાના વર્તમાન સાંસદ (ધોત્રે) પણ ત્યાં હાજર હતા. તે હવે વેન્ટિલેટર પર છે. મને ખબર નથી કે તેનું વેન્ટિલેટર ક્યારે દૂર કરવામાં આવશે. પરંતુ તેઓ ચૂંટણીમાં જ કાઢશે, તેમ તેમણે કહ્યું હતું.
પટોલેના નિવેદન પર નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ફડણવીસે પોતાની પોસ્ટમાં કહ્યું કે એક તરફ કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં ન્યાયપત્ર (ચૂંટણી ઢંઢેરો) જાહેર કરે છે અને બીજી તરફ તેના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે ભરી સભામાં એક સાંસદના મૃત્યુની ઈચ્છા કરે છે? આ અસંવેદનશીલતાની હદ છે. ચૂંટણીમાં આપણે વિપક્ષ હોઈએ તો પણ વિપક્ષના નેતાની મૃત્યુની ઈચ્છા કરવી એ મહારાષ્ટ્રની સંસ્કૃતિ નથી. મહારાષ્ટ્ર અને અકોલાની જનતાની તાત્કાલિક માફી માગો! હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સાંસદ સંજય ધોત્રેને લાંબુ આયુષ્ય આપે.
ફડણવીસ ઉપરાંત ઘણા નેતાઓએ પટોલેની ઝાટકણી કાઢી છે.