બોલીવુડને બદલાવું પડશે બદલાશે પણ ખરું
ફોકસ -મનીષા પી. શાહ
બોલીવુડની ચમકદમક કેમ ઝાંખી પડી રહી છે? એક સમયે આખા દેશ પર એકચક્રી સામ્રાજ્યના ધણીને હવે કેમ શ્ર્વાસ લેવા હવાતિયાં મારવા પડે છે? સાઉથની કાંખ ઘોડી વગર ચાલતું નથી? આ માટે તર્ક અને કારણો ઘણાં આપી શકાય. પણ સમસ્યા પાયામાં છે. બોલીવુડનો પાયો જ હચમચાવી નાખ્યો છે એના જ કર્તાધર્તાઓએ.
હિન્દી ફિલ્મોએ પોતાની માટીની, પોતાની સંસ્કૃતિની અને પોતીકી લાગણીઓની વાત કરવાની, વાર્તા કહેવાની બંધ કરી દીધી. ‘પઠાણ’, ‘જવાન’ કે ‘ફાઈટર’માં પોતીકી માટેની મહેક કેટલી? માર્કેટિંગ અને તથાકથિત સ્ટાર-પાવરને નામે ૨૦૦-૫૦૦-૭૦૦ કરોડના ધંધા છતાં પ્રતીતિકર લાગે એવો વિશ્ર્વાસ કેમ મુખર થતો નથી? આની સામે ‘ટ્વેલ્થ ફેલઈ’, ‘લાપતા લેડિઝ’ કે ‘આર્ટિકલ ૩૭૦’ કેમ બધાને ક્યાંક સ્પર્શતા જાય છે?
સૌથી પહેલા તો બોલીવુડ હન્ડ્રેડ કરોડ ક્લબના વળગણમાંથી બહાર આવવું પડશે.. બોલીવુડ, કોરિયા અને દક્ષિણની ભાષાના સિનેમાની સરખામણી, રીમેક કે એની નકલબાજીને તિલાંજલિ આપવી પડશે. હા, આ બધા સિનેમાનો અભ્યાસ કરો, એનાથી બોધપાઠ લો, દાખલા તરીકે ‘આરઆરઆર’, ‘બાહુબલી’, ‘પુષ્પા’ કે ‘કેજીએફ’ને જુઓ અને સમજો. ‘કંટારા’ અને ‘રન-મેન’ પણ ન ભૂલાય. અહીં બધે વાર્તા અને એની માવજતમાં એક બાબત નીચે અંડરલાઈન દેખાઈ આવશે. ક્યાંક હીરો માટે બહુ કરી છૂટે છે, ક્યાંક વળી દોસ્તીની દાસ્તાન છે, તો ક્યાંક માતૃભૂમિ માટે મરી ફિટવાનો જોમ છે અને ક્યાંક પ્રેમીકાને પામવાનું જનૂન.
બોલીવુડના મોટા પ્રોડક્ટના હાઉસને મોટીમસ દુકાન દોડતી રાખવા માટે તોતિંગ પ્રોજેક્ટ બનાવવા પડે. સમજ્યા. એ એમની પસંદગી છે, જરૂરિયાત છે. પછી મોટો હીરો હોય એટલે ભવ્યતા બતાવવી પડે. એક્શન જ એક્શન જોઈએ. એટલે વી.એફ.એક્સ.ની જરૂર પડે. પણ વાર્તાને નામે શું? એ જ આ આતંકવાદ, એનો એ પાકિસ્તાન-દ્વેષ. પાકિસ્તાન સિવાય ભારતનો કોઈ દુશ્મન નથી? ચીન કેમ રાજકારણથી લઈને ફિલ્મમેકરને નથી દેખાતુ? અફઘાનિસ્તાનની સમસ્યામાં દમ છે, નેપાળની સુંદરતામાં સરસ કથા આકાર લઈ શકે, ભુતાન થોડું ઓછું છે, થોડા ઉપચાર અને વધુ મહેનતની જરૂર છે.
આ ફોર્મ્યુલાબાજી વચ્ચે એકાદ ‘ગદર-ટુ’ સુપરહિટ થઈ જાય પણ એ અપવાદ છે, નર્યો અપવાદ.
આપણા ઈતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિમાં અસંખ્ય અદ્ભુત વાર્તાઓ છે. પણ પછી બજેટ, પેકેજિંગ અને કોઈકની મનમાનીને પાપે સાવ પૃથ્વીરાજ ચૌહાણ બની જાય છે, ‘આદિપુરુષ’ સામે આવે છે.
શા માટે ‘મોગલ-એ-આઝમ’, ‘બૈજુ બાવરા’, ‘અનારકલી’, ‘ગંગા જમુના’, ‘આવારા’, ‘આગ’, ‘પ્યાસા’ કે સંઘર્ષ હવે બનતી નથી? બજેટ ખૂબ વધ્યા છે, ટૅકનીકમાં જોરદાર સુધારો થયો છે, આવકની માત્રા પ્રચંડ બની છે પણ સમજ, મહેનત, નિષ્ઠા, ગંભીરતા અને સર્જનાત્મક્તા પાતાળે જઈ બેઠી છે.
કબૂલ કે બોલીવુડ નથી ખતમ થયું કે નથી થવાનું. એ પરિવર્તનના તબક્કાનો સામનો કરી રહ્યું છે. એ સંક્રમણ કાળમાં છે. આનો ઈચ્છનીય તાકાત, સજ્જતા અને સર્જનાત્મકતાથી સામનો કરી શકતું નથી. પણ આ સમય ઘણું શીખવી જશે, એમાં ઘણું ગળાઈ જશે, ફેંકાઈ જશે અને એ સમય માટે જે શ્રેષ્ઠ હશે એ જ ટકી શકશે.
ભારત પાસે ભવ્ય ઐતિહાસિક વારસો છે, અસામાન્ય શાસકો છે, —– અત્યાચાર છે, અસાધારણ લડવૈયા છે, નેતાઓ છે. જરૂર નથી કે એ બધું યથાવત્ બતાવવું. એને મોર્ડનાઈ કરી શકાય, આધુનિક સ્વરૂપે પેશ કરી શકાય. ચાણક્યની દૃષ્ટિએ એક સરસ-રોમાંચક કોર્પોરેટ કે પોલિટિકલ વૉર ન બતાવી શકાય. આના માટે કાંખમાં છોરું ને ગામમાં દોડધામની વૃત્તિ છોડવી પડશે. લેખકોને મહત્ત્વ આપવું પડશે. માન-દામ આપવા પડશે. સંશોધનની અનિવાર્યતા સ્વીકારવી પડશે. વાર્તા-પટકથાને રાજા સમજવા પડશે, સ્ટાર્સ એના પછી આવશે.
સદીઓની માનસિકતામાંથી નીકળવું હિન્દી સિનેમાવાળા માટે આસાન નથી. પણ એમ કર્યા વગર છૂટકો નથી. એ થશે પણ ખરું. સંક્રમણ કાળમાં નુકસાન થયું કે એ તાત્કાલિક છે, કામચલાઉ છે. ફાયદો થશે એ ખૂબ લાંબા ગાળાનો થશે.
હમણાં દોઢ ડઝન મસાલા ફિલ્મ બનાવી ચુકેલા એક દિગ્દર્શકને મળવાનું થયું. તેમણે જનોઈવઢ ઘા કર્યો: આજકાલ ફિલ્મમાં વાર્તા જ ક્યાં હોય છે? વાર્તા સિવાય વધુ હોય છે, ઘણુ વધુ હોય છે, સારું-રૂપકડું હોય છે પણ આત્મા વગરના દેખાવડા શરીરને પ્રેમ કેવી રીતે
થઈ શકે?