ભારત-નેપાળ બોર્ડર પર 3 આતંકી ઝડપાયા, ATSની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

ભારતીય સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે, ઉત્તર પ્રદેશ ATSએ બે પાકિસ્તાની નાગરિકો સહિત ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. ATSને મળેલા ઈનપૂટ મુજબ આ લોકો પાકિસ્તાની એજન્સી ISIની મદદથી ભારતમાં આતંકી ગતિવિધિઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ત્રણેયની ભારત-નેપાળ બોર્ડર (Sonauli Border) પાસે ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે એટીએસના હાથે ઝડપાયેલો મોહમ્મદ અલ્તાફ બટ્ટ પાકિસ્તાનના રાવલપિંડીનો રહેવાસી છે. તો સૈયદ ગઝનફર ઈસ્લામાબાદનો રહેવાસી છે. જ્યારે નાસિર અલી જમ્મુ-કાશ્મીરનો રહેવાસી છે. મોહમ્મદ અલ્તાફે મુઝફ્ફરાબાદમાં હિઝબુલ મુજાહિદ્દીનના કેમ્પમાં ટ્રેનિંગ લીધી છે. મુઝફ્ફરાબાદ કેમ્પમાંથી હથિયારોની તાલીમ લીધા બાદ અલ્તાફ હિઝબુલ હેન્ડલર્સના સંપર્કમાં કામ કરી રહ્યો હતો.
આપણ વાંચો: રશિયામાં આતંકી હુમલાથી પુતીન લાલઘુમ, દેશને સંબોધતા કહ્યું ‘હું શપથ લઉં છું કે….’
આ હેન્ડલરે જ અલ્તાફને નેપાળ થઈને ભારત પહોંચવાની સૂચના આપી હતી. નેપાળના કાઠમંડુમાં એક ISI હેન્ડલર મળી આવ્યો હતો, જેણે અલ્તાફ અને સૈયદ ગઝનફરને નકલી આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો આપ્યા હતા, જેની મદદથી ત્રણેય ભારત આવ્યા હતા.

મંગળવારે રાત્રે મહારાજગંજ સ્થિત ભારત-નેપાળની સોનૌલી બોર્ડરથી ઘૂસેલા ત્રણ શંકાસ્પદોને સુરક્ષા દળોએ પકડી લેવામાં આવ્યા હતા. પૂછપરછ બાદ ત્રણેયને લખનઉ ATSને સોંપવામાં આવ્યા હતા, લખનઉ ATSની ટીમ ત્રણેયને લઈને રવાના થઈ હતી. પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપીઓએ સનસનીખેજ ખુલાસા કર્યા છે. હાલ સોનૌલી બોર્ડર પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
સુરક્ષા એજન્સીઓની ટીમે તેમને મળેલા ઈનપુટના આધારે સોનૌલી બોર્ડર પર રાત્રે ભારતથી નેપાળ જતા મુસાફરોની તપાસ કરી હતી. આ દરમિયાન ત્રણ લોકો બસમાં બેસી નેપાળ જવાની ફિરાકમાં હતા. તેમની ગતિવિધિઓ શંકાસ્પદ જણાતાં સુરક્ષા એજન્સીઓએ તેમને પૂછપરછ માટે નીચે ઉતાર્યા હતા. પૂછપરછ દરમિયાન તેમની ગતિવિધિઓ શંકાસ્પદ જણાતાં તેને લખનઉ એટીએસને સોંપવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય યુવકો ઘણા સમયથી ભારતમાં રહેતા હતા અને અહીંથી નેપાળ જવાની યોજના બનાવી રહ્યા હતા.