કોંગ્રેસને વધુ એક ઝટકોઃ રામટેકની બેઠકના ઉમેદવારને લઈ હાઈ કોર્ટનો મોટો નિર્ણય
મુંબઈ: મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના અશોક ચવ્હાણ, મિલિંદ દેવરા અને બાબા સિદ્દિકી જેવા દિગ્ગજ નેતાઓ મહાયુતિમાં સામેલ થતા પહેલાથી જ તે મુશ્કેલીમાં છે ત્યારે બોમ્બે હાઇ કોર્ટે કૉંગ્રેસને વધુ એક ઝટકો આપ્યો છે. બોમ્બે હાઇ કોર્ટે કૉંગ્રેસના એક ઉમેદવારની ઉમેદવારી રદ કરી છે. પહેલા તબક્કામાં જે બેઠક માટે મતદાન યોજવામાં આવશે ત્યારે રામટેક બેઠક ઉપરથી કૉંગ્રેસે રશ્મિ બર્વેને ઉમેદવારી આપી હતી.
જોકે, હાઇ કોર્ટે જાતિ પ્રમાણપત્ર મુદ્દે રાહત આપવાનો ઇનકાર કર્યો છે. બોમ્બે હાઇ કોર્ટની નાગપુર બેન્ચે બર્વેએ કરેલી અરજીને ફગાવતા તેમની ઉમેદવારી રદ કરવાનો ફેંસલો કર્યો છે. જેને પગલે વિપક્ષના મહાવિકાસ આઘાડી અને ખાસ કરીને કૉંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
આપણ વાંચો: રાજીનામું કે પાર્ટીમાંથી બરતરફ?: નિરુપમે સ્પષ્ટતા કરીને કોંગ્રેસની ટીકા કરી
તેમની ઉમેદવારીને રદ કરતા આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને વચગાળાની રાહત માગતી અરજી કરવામાં આવી હતી. જોકે, આ અરજી માન્ય કરવામાં આવી નથી. જેને પગલે હવે રશ્મિ બર્વે રામટેકથી ચૂંટણી લડી શકશે કે નહીં તેના ઉપર પ્રશ્ર્નાર્થ ચિહ્ન લાગ્યું છે.
મહારાષ્ટ્રની પાંચ લોકસભા બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારો વિશે ચૂંટણી પંચે તપાસ શરૂ કરી ત્યારે બર્વેના જાતિ પ્રમાણપત્રમાં ગડબડ જણાતા આખી તપાસ શરૂ કરવામાં આવી હતી. જો રશ્મી બર્વેને આ બેઠક ઉપરથી ચૂંટણી લડવા ન મળે તો કૉંગ્રેસના સરોગેટ ઉમેદવાર અને રશ્મી બર્વેના પતિ શ્યામલાલ બર્વે આ બેઠક ઉપરથી ઉમેદવાર બનાવવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે.
આ બાબતે રશ્મી બર્વેએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અંતિમ સમયે જાતિપ્રમાણપત્ર રદ કરવામાં આવ્યું છે તે બીજું કંઇ નહીં, પરંતુ રાજકારણ છે. આ માટે આગળ પણ કાયદાકીય લડત આપવા માટે પોતે તૈયાર હોવાનું રશ્મી બર્વેએ જણાવ્યું હતું.