લાડકી

બાળ કલાકાર તરીકે સફળતા, પણ હીરોઈન બનતા પહેલાંની નિરાશા

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: ૨)
નામ: આશા પારેખ
સ્થળ: જુહુ, મુંબઈ
સમય: ૨૦૨૪
ઉંમર: ૮૧ વર્ષ

કોઈ માની શકે? કે પડદા ઉપર નાજુકડી, શરમાળ અને એકદમ આકર્ષક છોકરી દેખાતી ‘આશા પારેખ’ એના સ્કૂલના દિવસોમાં એકદમ તોફાની અને ટોમ્બોય હતી! હું એકદમ ચંચળ હતી. મમ્મી મારી સતત ચિંતા કરતી અને ધ્યાન રાખતી, જ્યારે પપ્પા પ્રમાણમાં ખૂબ સ્વાતંત્ર્ય આપતા. મારા તોફાનોને હસી નાખતા, જ્યારે પડોશના ઘરોમાંથી ફરિયાદ આવે ત્યારે મમ્મી મારી ધૂળ કાઢી નાખતી. સાચું કહું તો મને કદી લાગ્યું નહીં કે, મારા માતા-પિતાને મારે બદલે દીકરો થયો હોત તો વધુ આનંદ થયો હોત! એમને માટે હું જ એમનું ‘સંતાન’ હતી… મને ‘દીકરી’ જેવી કોઈ ખાસ કે અલગ ટ્રીટમેન્ટ મળી નથી. હા, એકનું એક સંતાન હતી એટલે મને ક્યારેક ભાઈ-બહેનની ખોટ સાલતી. હું કાયમ મારી મમ્મીને પૂછતી, ‘મને એક ભાઈ કે બહેન લાવી આપને…’ અને મમ્મી હસીને મને કહેતી, ‘તું એના પર દાદાગીરી કરે એટલા માટે’.

એક દિવસ અમે રસ્તા ઉપર બજારમાં જતા હતા ત્યારે એક માણસ અમારી પાછળ પાછળ આવવા લાગ્યો. મારી મમ્મીએ એમને ગુસ્સાથી કહ્યું, ‘મારી પાછળ આવવાનું બંધ કરો નહીંતર પોલીસને બોલાવીશ.’ એ માણસે કહ્યું કે, એ ફિલ્મ પ્રોડક્શનનો માણસ હતો અને હું એટલી ક્યૂટ હતી કે એ મને ફિલ્મમાં ચાન્સ આપવા માંગતો હતો. મમ્મીએ વાત કઈ સીરિયસલી લીધી નહીં. મારી સ્કૂલમાં હું ફેવરિટ વિદ્યાર્થિની હતી. ભણવામાં બહુ હોંશિયાર નહોતી, પણ બધાને ખૂબ ગમતી કારણ કે મારી પાસે એક ચાર્મ હતો. હું સૌને ગમી જતી… જે.ડી. પેટિટ સ્કૂલ સાંતાક્રૂઝ ‘શીરિન વિલા’થી બહુ દૂર પડતી, એટલે મને થોડો વખત માટે મારા દાદાજી પાસે ‘સિક્કાનગર’ રાખવાનું નક્કી થયું. સ્કૂલ ત્યાંથી સાવ નજીક હતી. દાદાને ઘરે બધી સગવડ હતી, પ્રેમ હતો, પણ મમ્મી વગર હું રહી શકું એમ નહોતી એટલે બિસ્તરા પોટલા સાથે ‘શિરીન વિલા’ પાછી ફરી. હવે મુંબઈની લોકલ ટ્રેનમાં હું સ્કૂલે જતી. સાંતાક્રૂઝ સ્ટેશનથી અમે બેસીએ ત્યારથી શરૂ કરીને અમે ઊતરીએ ત્યાં સુધી હું જાતભાતના ચહેરા બનાવીને, મિમિક્રી કરીને, ડાન્સ કરીને મારી સાથે આવતી બાકીની છોકરીઓનું મનોરંજન કરતી. બધાને ખૂબ મજા પડતી. એ વખતના હીટ ગીતો પર હું ડાન્સ કરતી, ‘લારા લપ્પા-એક થી લડકી ૧૯૪૯’, ‘શામ ઢલે ખિડકી તલે-અલબેલા ૧૯૫૧’, ‘યે ઝિંદગી ઉસી કી હૈ-અનારકલી ૧૯૫૩’… અમારા ઘરમાં રેકોર્ડ પ્લેયર હતું. જેના પર ૭૮ આર.બી.એમની રેકોર્ડ વાગતી. નૃત્ય એ મારો શોખ નહીં, પેશન હતું. મને હજી સુધી ખબર નથી કે, મને ડાન્સમાં એવો તો શું રસ હતો, પણ મિત્રોને ઘરે, સ્કૂલમાં, ક્યાંય પણ મને તક મળે કે તરત હું ડાન્સ કરવા લાગી જતી. મારી ખાસ બહેનપણીઓ ઝીણી ઉમા અને ઈન્દુ મારી ફેન હતી. ઈન્દુના પિતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. એ અભિનેતા પ્રેમનાથનું એકાઉન્ટ જોતા. એક દિવસ જ્યારે હું ઈન્દુને ત્યાં ડાન્સ કરતી હતી ત્યારે તે આવ્યા. હું બિના રોયના ગીત ‘યે ઝિંદગી ઉસી કી હૈ’ પર નૃત્ય કરી રહી હતી. હું નાનકડી હતી, એમણે મને ઊંચકી લીધી અને કહ્યું, ‘તને ઈશ્ર્વરની ભેટ મળી છે. તું નૃત્ય કરવા જ જન્મી છે.’ બીજા અઠવાડિયે એમણે બિના રોય, નિમ્મી અને મધુબાલાને મારો ડાન્સ બતાવ્યો. સૌએ મને દિલથી વધાવી લીધી. હું પાંચમા ધોરણમાં હોઈશ…

જે.બી. પેટિટ સ્કૂલના એન્યુઅલ ફંકશનમાં મારા પ્રિન્સિપાલ કોઈ ફિલ્મસ્ટારને બોલાવવા માગતા હતા. પ્રેમનાથજીએ આવવાનું સ્વીકાર્યું, પણ સાથે શરત મૂકી કે, જો એન્યુઅલ ફંકશનમાં મારો ડાન્સ હશે તો જ આવશે. મેં નૃત્ય કર્યું અને પ્રેમનાથજી ચીફ ગેસ્ટ તરીકે એ કાર્યક્રમમાં હાજર રહ્યા. એ પછી તો દિવાળીની પૂજા, ગણપતિ, દશેરા પર મને જાતભાતના આમંત્રણ મળવા લાગ્યા અને હું પણ ખુશખુશાલ થઈને એ બધા કાર્યક્રમો માટે તનતોડ પ્રેક્ટિસ કરતી, આનંદથી નૃત્ય કરતી. મને ખૂબ મજા પડતી. એથી મજાની વાત એ છે કે, મારા માતા-પિતાએ મને કોઈ દિવસ આવા જાહેર કાર્યક્રમો કરતી રોકી નથી, બલ્કે મારી મમ્મી ઘરનું કામ પતાવી, એના ટ્યુશન પતાવીને મને કોરિયોગ્રાફી અને પ્રેક્ટિસ માટે લઈ જતી. મારી પ્રેક્ટિસ ચાલે ત્યાં સુધી બેસતી, મને લઈને પાછી આવતી! એ કદી થાકતી નહીં-બલ્કે મારું નૃત્ય જોઈને એને ખૂબ ગૌરવ થતું.

આવા જ એક કાર્યક્રમમાં જ્યારે હું નૃત્ય કરી રહી હતી ત્યારે એ કાર્યક્રમમાં મહેમાન તરીકે પધારેલા બિમલ રોય મારી મમ્મીને મળ્યા. એમણે સીધું જ મારી મમ્મીને પૂછ્યું, ‘એમની એક ફિલ્મ ‘મા’ માટે બાળ કલાકારનો રોલ હું કરીશ કે નહીં.’ એમને જોઈને હું એટલી બધી અભિભૂત થઈ ગઈ હતી કે, મારી મા એમને જવાબ આપે ત્યાં સુધી રાહ જોયા વગર મેં કહ્યું, ‘હા… હા… હું જરૂર રોલ કરીશ.’ મારી મમ્મીની બહુ ઈચ્છા નહોતી, પણ બિમલ રોયજીએ મારા સ્કૂલના સમય સાથે એડજેસ્ટ કરવાનું વચન આપ્યું અને મેં મારી પહેલી ફિલ્મ કરી, ‘મા.’ ભારત ભૂષણ અને શ્યામા સાથે (૧૯૫૨).
એ પછી ‘બાપ-બેટી’ (૧૯૫૪), તબસ્સુમજીની બેટીનો રોલ કર્યો એમાં નલિની જયવંત હતા. એ પછી દલસુખ પંચોલીની ફિલ્મ ‘આસમાન’માં પણ મેં નાનકડો રોલ કર્યો. હું હજી ૧૩ વર્ષની પણ નહોતી. સ્કૂલનું ભણવાનું ચાલુ હતું અને લોકો મને રસ્તા પર ઓળખવા લાગ્યા. મને યાદ છે કે, જ્યારે અમે રાતના શુટિંગ કરતા ત્યારે બે શોર્ટ્સની વચ્ચે હું મમ્મીના ખોળામાં ઊંઘી જતી. મને કંટાળો નહોતો આવતો એટલું નક્કી. વિજય ભટ્ટની ફિલ્મ ‘ચૈતન્ય મહાપ્રભુ’માં મને એક સારો રોલ મળ્યો. એ પછી ‘અયોધ્યા પતિ’ પણ સારી ફિલ્મ પૂરવાર થઈ.

આ નાના નાના રોલ કરવાની મને મજા આવતી અને મારી મજા જોઈને મમ્મી-પપ્પા પણ બહુ વાંધો ઉઠાવતા નહીં. ૧૯૫૭માં મેં એક ફિલ્મ કરી જેનું નામ હતું ‘આશા’. એ ફિલ્મમાં મારે રાધાનું નૃત્ય કરતા વૈજયંતિ માલા સાથે કૃષ્ણનું પાત્ર ભજવવાનું હતું. વૈજયંતિ માલા ત્યારે સ્ટાર હતાં. એ ખૂબ સારા ડાન્સર હતાં. મારી મમ્મીને સહેજ ડર લાગતો હતો કે, હું એમની સાથે નૃત્ય કરી શકીશ કે નહીં, પરંતુ જરાય ડર્યા વગર મેં એમની સાથે ડાન્સ કર્યો એટલું જ નહીં, એમણે પણ મને પૂરી તક આપી અને ડાન્સના અમુક સ્ટેપ્સ વધુ સારી રીતે કરવામાં મદદ કરી.

‘આશા’ નામની એ ફિલ્મમાં મેં કિશોર કુમાર સાથે બે-ત્રણ સીન પણ કરેલા. એ પછી ‘જ્વાલા’માં મેં મધુબાલાજીની બહેનપણીનો રોલ કર્યો, પણ કંઈ ખાસ મોટું કામ કરી શકેલી નહીં. સ્ટેજ ડાન્સ, એક્ટિંગ, સ્કૂલનો અભ્યાસની વચ્ચે બધો સમય બરાબર સચવાઈ જતો કારણ કે, મમ્મી ખૂબ મદદ કરતી. એકવાર ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ. મારા સ્કૂલના એન્યુઅલ ડે ફંકશનમાં મારે નૃત્ય કરવાનું હતું, પરંતુ મને એટલું બધું પેટમાં દુખ્યું કે હું ઊભી પણ થઈ શકતી નહોતી. મને ડોક્ટર પાસે લઈ જવામાં આવી અને તરત જ એપેન્ડિક્સનું ઓપરેશન કરવામાં આવ્યું. એ વર્ષે હું સ્કૂલ ફંકશનમાં ડાન્સ ન કરી શકી.

અમે ત્રણેય, હું, મમ્મી, ને પપ્પા ફિલ્મોના ચાહક હતા. લગભગ બધી જ ફિલ્મો નિયમિત જોતા. દિલીપ કુમાર અને રાજ કપૂરની હું ફેન હતી. ક્યારેક એમની સાથે કામ કરવાનું મારું સ્વપ્ન હતું. ફિલ્મો અને ડાન્સના કાર્યક્રમોએ મને એવી બાંધી દીધી કે, હું કોલેજમાં જઈ શકી નહીં… જોકે, વાંચનના શોખે મારી જ્ઞાનની ક્ષિતિજોને કદી અટકવા દીધી નહીં. મમ્મી હંમેશાં આગ્રહ રાખતી કે, હું છાપાં વાંચું, પુસ્તકો
વાંચું અને દુનિયામાં ચાલતી પ્રવૃત્તિઓ અને માહિતીથી કનેક્ટેડ રહું.

એ ગાળામાં વિજય ભટ્ટ ‘ગૂંજ ઉઠી શહેનાઈ’ નામની ફિલ્મ બનાવતા હતા. મેં એમની સાથે ‘ચૈતન્ય મહાપ્રભુ’ (૧૯૫૪)માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરેલું. એમણે મને રાજેન્દ્ર કુમારની સામે હિરોઈન તરીકે પસંદ કરી. અમે પાંચ દિવસનું શુટિંગ કર્યું, પરંતુ એ પછી એમણે મને ફિલ્મમાંથી કાઢી નાખી. એમને લાગ્યું કે, હું સ્ટાર મટિરિયલ નથી! એ દિવસોમાં ‘તુમસા નહીં દેખા’ (૧૯૫૭) જબરજસ્ત હિટ ફિલ્મ પૂરવાર થઈ હતી. એની હીરોઈન અમિતાને ‘ગૂંજ ઉઠી શહેનાઈ’માં સાઈન કરવામાં આવી. એ જ ગાળામાં આઈ.એસ. જોહરની કોમેડી ફિલ્મ ‘બેવકૂફ’ (૧૯૬૦)માં કિશોર કુમારની સામે પણ મારો ટેસ્ટ લેવામાં આવ્યો, આઈ.એસ. જોહર સાહેબે મને પસંદ ન કરી. વી.એસ. શાંતારામજી મારી સાથે ત્રણ ફિલ્મોનો કોન્ટ્રાક્ટ
કરવા તૈયાર હતા, પરંતુ ‘ગૂંજ ઉઠી શહેનાઈ’નું શુટિંગ ચાલતું હતું. મેં એમને ના પાડી-અને ફિલ્મમાંથી મને પડતી મૂકવામાં આવી.

હું બહુ નિરાશ થયેલી, પણ મારી મમ્મીએ કહ્યું, ‘જે થાય છે તે સારા માટે જ થાય છે તેમ માની લેવાનું!’ મને ત્યારે લાગેલું કે મારી ફિલ્મી કરિયર પૂરી થઈ ગઈ… ખાસ કરીને, વિજય ભટ્ટે કહ્યું કે, હું સ્ટાર મટિરિયલ નથી એ વાતથી મારો આત્મવિશ્વાસ તૂટી ગયેલો, પણ મમ્મીની વાત સાચી પડી. જે થયું એ સારા માટે જ થયું… આજે હું ‘આશા પારેખ’ છું, કારણ કે મેં નિષ્ફળતા અને રિજેક્શન પણ જોઈ લીધાં. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button