ઈન્ટરવલ

ગંદા હૈ પર ધંધા હૈ, ચોરી હૈં પર ચાંદી હૈ

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

સમય સાથે બધું બદલાય છે, બદલાવું પડે છે. પરિવર્તન જ સંસારનો નિયમ છે. સાયબર ક્રાઇમનું પાટનગર પૂછો એટલે સૌથી પહેલા નામ આવે જામતારા, હિન્દીમાં જામતાડા, પરંતુ જામતારા ખૂબ છાપે ચડયું, બદનામ થયું. એના પર વેબ સિરીઝ પણ બની ગઇ.

એ બધું તો ઠીક, પણ ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા ચલાવાતા સાયબર ફોરેન્સિકસના રડારમાં ય જામતારા આવી ગયું. અહીંના મોબાઇલ ફોન ટાવર પર સાયબર ક્રાઇમ અમલદારોની બાજ નજર રહેવા માંડી.

ઝારખંડના જામતારામાં શિક્ષણનો અભાવ, વિકાસનો અભાવ અને નોકરી-ધંધાનો ય અભાવ. એવામાં સૌને મોબાઇલ દેવની કૃપાથી મલાઇદાર ધંધો મળી ગયો. સૌ માલામાલ થવા માંડયા. પણ ‘ધંધાની ભારે પ્રગતિ’થી પોલીસવાળા પાછળ પડી ગયા. કરવું શું? ખબર કે ગંદો પણ ધંધો કરે છે ને ચોરી પણ ચાંદી છે. પાછું બીજું કંઇ આવડે નહીં. વગર મહેનતે ફટાફટ થોકબંધ રૂપિયા મેળવી લેવાની આદત પણ પડી ગઇ.

વિકલ્પો માટે નજર દોડાવતા ધ્યાનમાં આવ્યું આસનસોલ. જામતાડાથી ૪૦ કિ.મિ.ના અંતરે આવેલું પશ્ર્ચિમ બંગાળ રાજયનું નગર. એક સમયે ઔદ્યોગિક નગર તરીકે જાણીતું હતું પણ. હવે એ ભવ્ય ભૂતકાળના ખંડેરો સિવાય કંઇ બચ્યું નહીં.

જામતારાના ‘વ્યાપાર સાહસિકો’ માટે આસનસોલ અનેક કારણોસર ઉમદા વિકલ્પ બની રહ્યું. એક, જામતારાથી નજીકમાં હતું. બેે ત્યાં સગા-સંબંધી હતા જેના પર થોડો-ઘણો વિશ્ર્વાસ મૂકી શકાય. ત્રણ, પોતાના ‘ધંધા’માં જોડાવા બેકાર યુવાનો તત્પર હતા. ચાર, આસનસોલમાં ઘણાં મોબાઇલ ફોન ટાવર હોવાથી કનેકટીવીટીનો પ્રોબ્લેમ નહોતો.

બસ, પોલીસના દબાણ અને સાયબર ક્રાઇમ એજન્સીઓની નજરથી બચવા માટે ‘ધંધો’ આસનસોલ સ્થળાંતરિત થવા માંડયો. આમેય આસનસોલ મોટા ઉદ્યોગ બંધ થયા બાદ ખાસ કંઇ નવું શરૂ થયું નહોતું. સરકારી નોકરીઓમાં પણ ભરતી થઇ નહોતી. ઉપરાંત ભૂતકાળમાં ધમધમતી ફેકટરીઓ અને ગોદામ હવે સાવ અવાવરા પડયાં હતાં. જેનો ભાડા વગરની ઑફિસ માટે ઉપયોગ થઇ શકે. આનાથી વધુ વેપારની સરળતા-સુવિધા શું હોઇ શકે?

આસનસોલમાં ‘ધંધો’ જામવા માંડયો. જોતજોતામાં યુવાનો મોંઘાદાટ ટુ વ્હિલર દોડાવતા થઇ ગયા. કારણકે જમીન-ફેકટરીમાં મૂડી રોકાણ નહીં. માણસોનાય પગાર નહીં. મૂડીરોકાણ માત્ર સ્માર્ટ ફોન અને જથ્થાબંધ સિમ કાર્ડ મેળવવા પૂરતું હોય. આ ખર્ચો તોતિંગ પ્રમાણમાં સાવ નહિવત્ ગણાય.

એક નગરની ‘વિકાસ-ગાથા’માં કેવો અકલપ્ય વળાંક આવ્યો? હા, શરૂઆતમાં જામતારામાં ‘આપનું ડેબિટ / ક્રેડિટ કાર્ડ બ્લોક થઇ ગયું છે, ના મેસેજ મોકલતા હતા, તો અહીં ‘આપની ઇલેકટ્રીસીટી/વૉટર લાઇન કપાઇ જશે’ની પોકળ ધમકી આપીને લિન્ક પર ક્લિક માટે મજબૂર કરાતા હતા.

A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
બધી છેતરપિંડીના મૂળમાં ત્રણ બાબત
હોય છે. લાલચ, ભય અને અસલામતી.
આ ત્રણેય ભલભલાને ગડથોલિયું ખવડાવી દે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…