સિંગાપોરની વહુ Vs બિહારી ગૌરવની લડાઈ, લાલુની પુત્રી ઉતરી ચૂંટણી મેદાનમાં
લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ પણ રાજકીય ક્ષેત્રે શ્રીગણેશ કર્યા છે. રાજકીય ક્ષેત્રે પ્રવેશ કરતાની સાથે જ ભાજપ લાલુ પરિવાર પર પ્રહારો કર્યા છે. રોહિણી આચાર્ય સારણથી ચૂંટણી લડશે તે લગભગ નક્કી છે. રોહિણીએ સોનપુરના હરિહરનાથ મંદિરમાં પૂજા કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. ચૂંટણી પ્રચારની શરૂઆત પહેલાં, રોહિણીએ તેમના પિતાના ચરણ સ્પર્શ કરીને તેમને ભગવાન કહીને આશીર્વાદ લીધા હતા અને પછી પ્રચાર માટે રવાના થઈ હતી.
રોહિણી આચાર્યની ચૂંટણી લડવાને બીજેપી નેતા અને ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ બિહાર ગૌરવની લડાઈ સાથે જોડી દીધું છે. તેમણે કહ્યું હતું કે, ‘બિહારની દીકરીનું સન્માન નથી અને સિંગાપોરમાં વહુ બનેલી દીકરી હવે બિહારની ઉમેદવાર બનશે. બિહારની જનતાએ નક્કી કરવું જોઈએ કે જે સાચો બિહારી છે તે તેની સાથે જશે કે નહીં. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે જનતાએ સિંગાપોરની વહુ અને બિહારી ગૌરવ વચ્ચે પસંદગી કરવાની છે.
સમ્રાટ ચૌધરીએ પણ રોહિણી આચાર્યના ચૂંટણી લડવાના નિર્ણય પર પ્રહારો કરતા કહ્યું હતું કે લાલુજીની ઓળખ જ પરિવારવાદથી છે. લાલુજીએ 2 પુત્રો અને 2 પુત્રીઓને ચૂંટણીમાં ઉતારી છે. ચાલો જોઈએ કે લાલુજી આપણી બાકીની 5 બહેનોને ક્યારે મેદાનમાં ઉતારશે.
રોહિણી આચાર્યએ ગયા વર્ષે પોતાની કિડની દાન કરીને પિતાનો જીવ બચાવ્યો હતો. રોહિણી આચાર્યએ મેડિસિનનો અભ્યાસ કર્યો છે અને સારણ સીટ પર તેમનો સીધો મુકાબલો ભાજપના વરિષ્ઠ નેતા અને વર્તમાન સાંસદ રાજીવ પ્રતાપ રૂડી સાથે થશે. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ અગાઉ રોહિણી આચાર્યને ચૂંટણી લડવાને લઈને નિવેદન આપ્યું હતું, જેને લઈને ઘણો વિવાદ થયો હતો. પૂર્વ સીએમ લાલુ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે લાલુ યાદવે ટિકિટ વેચવામાં તેમની પુત્રીને પણ છોડી નથી. પહેલા તેણે દીકરીની કિડની લીધી અને પછી તેને લોકસભા ચૂંટણીની ટિકિટ આપી છે.
સમ્રાટના નિવેદન પર લાલુની પુત્રી રોહિણી આચાર્યએ વળતો પ્રહાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે હું નીચા વિચારો અને નિમ્ન ચારિત્ર્યવાળા લોકો દ્વારા કહેવામાં આવતી દરેક નિમ્ન કક્ષાની વાતનો જનતાના અભિપ્રાયની અદાલતમાં જવાબ આપીશ. સાચુ શું ખોટું શું એ જનતા જ નક્કી કરશે.