સેન્સેકસ ૭૪,૦૦૦ની નીચે લપસ્યો, નાના શેરોમાં તેજી
નિલેશ વાઘેલા
મુંબઇ: સતત ત્રણ દિવસની આગેકૂચ બાદ આજે પ્રોફીટ બુકિંગ વચ્ચે સેન્સેકસ ૭૪૦૦૦ની નીચે સરકી ગયો છે. જોકે નાના શેરોમાં તેજીનો ટોન દેખાય છે.
સેન્સેકસ અને નિફ્ટી ગબડી રહ્યા છે ત્યારે, વિવિધ વિશ્લેષકો અને ખુદ બજાર નિયામક સેબીની ચેતવણી પછી પણ નાના શેરોમાં આકર્ષણ રહેતા સ્મોલ અને મીડકેપ ઇન્ડેક્સ પોઝિટિવ ઝોનમાં આગળ વધી રહ્યા છે.
બજારના સાધનો અનુસાર બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી પાછલા સત્રમાં વિક્રમજનક ઊંચાઈએ પહોંચ્યા પછી નજીવો ઘટ્યો હતો, કારણ કે સતત ત્રણ દિવસની તેજીને પગલે આખલાએ થોડો વિરામ લેવાનું પસંદ કર્યું લાગે છે.
આ તરફ મિશ્ર વૈશ્વિક સંકેતોને કારણે, તાજેતરમાં ઊંચી સપાટીએ પહોંચેલા ફાઇનાન્શિયલ્સ સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગને કારણે દબાણ વધ્યું હતું. વિલંબિત રેટ કટની ચિંતામાં તાજા યુએસ ડેટા ઉમેરાયા બાદ આઇટી શેરોમાં પણ વેચવાલી અને પીછેહઠ જોવા મળી હતી.
બપોરના સત્રમાં નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 બંને ઇન્ડેક્સ સારા એવા ઉછળ્યા હોવાથી વ્યાપક બજારોએ બેન્ચમાર્ક સામે આઉટપરફોર્મ કર્યું હતું.
વિશ્લેષકોના મતે અમેરિકાના 10-વર્ષના ટ્રેઝરી બિલની યીલ્ડ ફરી વધીને 4.323%ના સ્તર સુધી પહોંચી હોવાથી તે બજારના સેન્ટિમેન્ટ પર ભાર મૂકી શકે છે.
આ ઉપરાંત તેને કારણે વિદેશી રોકાણકારોને ભારત સહિત ઉભરતી ઇક્વિટીમાં શેરો ઑફલોડ કરવા માટે પ્રોત્સાહિત થશે તો એકંદર વૈશ્વિક ઈકવિટી બજારમાં ફરી અફડાતફડી અને નરમાઇ જોવા મળી શકે છે.
એ જ સમયે, સ્થાનિક રોકાણકારો આ સપ્તાહના અંતમાં આરબીઆઈની નીતિની જાહેરાત આગળ સાવચેતીનું વલણ રાખી શકે છે. જો કે કમ્ફર્ટ લેવલથી ઉપરના ફુગાવાના કારણે દેશની કેન્દ્રીય બેન્ક વ્યાજદર સ્થિર રાખે એવી પૂરી શક્યતા છે.